વહેલી સવારે…દરિયા કિનારે…

દરિયા કિનારે-૧

વહેલી સવારે, દરિયા કિનારે, ઘૂઘવતા મોજાં, લયબધ્ધ તાલે.
સૂરબધ્ધ સાજે, ધીરેથી આવી, આવીને વળગી ચરણ પખાળે.

દૂરથી ડોકિયા કરતો એક રાજજા,પૂરવની મેર એક કોડિયું સજાવે,
સોનેરી કણ બની તેજની ધારા, ને પુંજ થઈ સૌમાં ચેતન જગાડે.
વહેલી સવારે, દરિયા કિનારે.. ઉછળતા મોજાં, લયબધ્ધ તાલે..

સૂરજના સોનાને હૈયે મઢાવી, મંદ મંદ સંગીત દિલમાં રણકાવે,
ઉદધિ-વલોણે, ફીણ ફીણ તોયે, ઘમ્મરઘમ ફરતું ગીત લઈ આવે.
દરિયાઈ મોજાં, વહેલી સવારે.. રેતીને અડકી, ચુંબન દઈ  ભાગે!!.

ખુલ્લાં આકાશમાં, છૂટી છવાયી, આછેરી વાદળી, થનગનતી નાચે,
મોજાની સંગ સંગ મીઠું મલકાઈ, ઝરમરતા જલમાં વરસી સમાયે.
વહેલી સવારે, દરિયા કિનારે… શીકરની ‘ફરફર ’થી તનમન ભીંજાવે.


શીકર=પાણીની છાંટ

6 thoughts on “વહેલી સવારે…દરિયા કિનારે…

  1. wow Devikaben 🙂

    2016-08-10 13:27 GMT-05:00 “શબ્દોને પાલવડે” :

    > Devika Dhruva posted: ” વહેલી સવારે, દરિયા કિનારે, ઘૂઘવતા મોજાં, લયબધ્ધ
    > તાલે. સૂરબધ્ધ સાજે, ધીરેથી આવી, આવીને વળગી ચરણ પખાળે. દૂરથી ડોકિયા કરતો એક
    > રાજજા,પૂરવની મેર એક કોડિયું સજાવે, સોનેરી કણ બની તેજની ધારા, ને પુંજ થઈ
    > સૌમાં ચેતન જગાડે. વહેલી સવ”
    >

    Liked by 1 person

  2. દેવીબેન,
    માધોપુર (ઘેડ)માં મારા ગુરુના આશ્રમમાં રહુ છું. હમણા થોડા સમયથી બેંગ્લોર નાના દિકરાને ત્યાં અને ત્યાંથી અમદાવાદ મારા ઘરે દાંતની ટ્રીટમેન્ટ માટે રોકાવું પડ્યું છે. શરીર તો અમદાવાદ અને જીવ માધોપુરમાં છે. દરિયાકાંઠાનુ ગામ અને મધુબનના જંગલોનો વિસ્તાર છે. ભરપુર પ્રકૃતિ છે. શ્રી કૃષ્ણના રુક્ષ્મણી સાથે લગ્ન આ ગામમાં થયેલા એટલે તેનુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ પણ છે. ગુરુ અને દરિયા કાંઠો બન્ને ખુબ જ મીસ કરુ છું. તમારા કાવ્યએ અને ફોટોગ્રાફે વળી સુતેલી મનષાઓને જાગૃત કરી દીધી. માધોપુર હોઉં ત્યારે રોજ સાંજે એકાદ કલ્લાક દરિયા સાથે અને ડુબતા સુરજ સાથે કાલીઘેલી વાતો કરું છું અને કલ્પનાઓના જગતમાં ઉડું છું.ક્યારેક ભિતર મૌનમાં સરી જાઊં અને લાગે કે આખું આકાશ મારી ભિતર ઉતરી આવ્યું. બહારનુ અને ભિતરનુ આકાશ એક થઈ ગયું, તો ક્યારેક સંધ્યાના રંગો અને ઠંડી હવાની લહેરખીઓ તન મનને આનંદથી ભરી દે. ત્યાં બેઠા ઘણીવાર કોઈ કાવ્ય ફુટે અને પાછું દરિયાના મોજા ભેગું દરિયામાં સમાઈ જાય. તમારા કાવ્યએ મારા ભાવોને શબ્દો આપી દીધા. આભાર.

    Liked by 1 person

    • શરદભાઈ,તમારું આ લખાણ અને દરિયા કિનારાની અનુભૂતિ કાવ્યથી કમ નથી. સામાન્ય રીતે આપણે દરિયાકિનારે સાંજે જતા હોઈએ છીએ અને અસ્ત થતા સૂર્યને જોતા હોઈએ છીએ. આ વખતે સાઉથ કેરોલાઈનાના દરિયાકિનારે, અમે વહેલી સવારના ઉગતા સૂરજને રોજ જોતા હતાં. એ અનુભૂતિનો ૧૦૦મો ભાગ પણ કવિતામાં વ્યક્ત થઈ શક્યો નથી. છતાં શબ્દાંકિત કરવાની ઈચ્છાને રોકી ન શકાઈ. તમને ગમ્યું તેનો આનંદ.

      Like

  3. પિંગબેક: વહેલી સવારે…દરિયા કિનારે… — શબ્દોને પાલવડે | nijanandblog

Leave a comment