પત્ર નં ૨૯..જુલાઈ ૧૬, ‘૧૬

કલમ-૧
દર શનિવારે

પ્રિય નીના,

 મારા પત્રની એક એક વાતને તારા વિચારોમાં ભેળવીને તેં સરસ રીતે ખીલવી. ચાલ, આજે ફરીથી એક નવી વાત.

યાર, ગઈકાલે  એક સ્વપ્ન આવ્યું.  યુએસએ.ના એક ખુલ્લા મેદાનમાં હજારો લોકો ઉભરાયા હતા. શાંતિથી બધા જાતજાતની રમતગમતો જોતા હતા. તેમાં, હસીશ નહિ હોં, હું ગોલ્ફ રમતી હતી!  ને પછી બોલના પહેલાં ફટકે જ હું જાગી ગઈ ! તું કહીશ કે, તું તો કવિતાની વ્યક્તિ. ગોલ્ફ કે કોઈ પણ ગેઈમ રમે તો હસવું જ આવે ને! સાચી વાત છે. એ વિશે જાગીને વિચારે ચડી ગઈ. તાર્કિક રીતે કારણો તો ઘણાં મળી ગયાં. પણ એક નવો પાઠ પણ શીખવા અને જાણવા મળ્યો. 

life is a learning process. ભણતર કરતાં ગણતર કેટલું મહત્વનું છે ? અભ્યાસકાળ દરમ્યાન વિદ્યાર્થી તરીકે પુસ્તક ઉપરાંત જીવન જીવવાની સાચી કેળવણી તો લેવી જ પડે છે. ઉદાહરણ તરીકે કહું તો, હું એમ સમજું છું કે મારો અભ્યાસકાળ હજી યે ચાલે છે. મને સ્પોર્ટસમાં રસ ન હતો.. મારા કોઈ ભાઈબેનોને નથી. કારણ કે, અમારો ઉછેર એક જુદી જ રીતે, જુદા જ વાતાવરણમાં થયો છે. લગભગ રોજ, તે વખતે કદાચ આર્થિક સંકડામણોને કારણે, હ્રદયને ઠેસ વાગ્યાં કરી છે, સંવેદનાઓને ધક્કા પહોંચતા રહ્યાં છે. તેથી જ કદાચ સર્જન ભાવનાનો ઉદય થતો ગયો છે. અમે બધા જ ભાઇબેનો કોઈ ને કોઈ રીતે કલાકારો છીએ. સંગીત, શબ્દઅને વાજિંત્રની દેન સૌને જુદે જુદે રૂપે મળી છે. જેણે પોતાની સમજણ પ્રમાણે જેમાં રસ કેળવ્યો તેમાં અમેરિકામાં રહીને પણ તે જ રીતે વિકાસ કરતા રહ્યાં.

હવે તું જાણે છે તેમ સ્વપસંદગી છતાં યોગાનુયોગે, મારું લગ્ન એક એવા કુટુંબમાં થયું કે જ્યાં સ્પોર્ટ્સ મુખ્ય છે. મેં જ્યારથી અમેરિકામાં ગોલ્ફ્ની રમતને જોવા માંડી, સમજવા માંડી ત્યારથી મને મઝા પડતી ગઈ. મઝાને કારણે રસ કેળવાતો ગયો. મારા આશ્ચર્ય વચ્ચે મેં ગોલ્ફ પર કવિતા લખી!!!. નિરીક્ષણ દ્રષ્ટિને અહીં પણ એક નજર મળી. જીવન સાથે સરખાવવાની. એટલે કે સ્પોર્ટ્સમાં રસ ન હોવા છતાં અંદર પડેલી સર્જન શક્તિને તેમાં પણ કંઈક વિશેષ દેખાયું અને એ વિશેષતા એક નવા વિષયને આંબી ગઈ. અંદરની પેલી કવિ-દ્રષ્ટિ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જીંદગી જેવી જ છે અને જીંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું. હવે વાત માંડી જ છે તો થોડું ગોલ્ફ વિશે તને જણાવી જ દઉં.

એમાં ૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ હોલમાં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, , કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો પાર’ (par) કહેવાય. બોલના ઓછા ફટકાથી સફળ થાવ તો બર્ડી ‘(birdie) કે ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો બોગી’(bogey) કહેવાય. ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું પટીંગ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે.  અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ હોલ સુધી, ( અભિમન્યુના કોઠા કરતાં વધારે ) લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

હાં, તો મારા સ્વપ્નમાં, છોકરાઓ પાસેથી શીખેલા આ નવા પાઠોના પ્રતિબિંબ ઝીલાયા હશે એમ લાગે છે. તું કંટાળે તે પહેલાં વિષય બદલું. મારા ખ્યાલથી તને પણ સ્પોર્ટ્સમાં ઓછો રસ હશે. સાચી છું? લખજે.

અગાઉના એક પત્રમાં મેં લખ્યું હતું કે, વિશ્વ નાનુ થતું ગયું છે, પણ સાંકડું પણ થતું જાય છે. સાંકડું એ રીતે કે ટેક્નોલોજીએ અને એની ઝડપે માનવીય સ્પર્શ બુઠ્ઠો કરી નાંખ્યો છે. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત કરી દીધા છે. આંગણાના દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદ્રશ્ય થયા છે ! સાથે બેસીને સુખ-દુઃખની વાતો કરનારા લોકો (આપણા સહિત) હવે આધુનિક માધ્યમોમાં વ્યસ્ત થઈ ગયાં છે! માનવીને હવે એકલતા સતાવતી નથી. ટેક્નોલોજીએ એને ઘણા સહારા શોધી આપ્યા છે.પરિવર્તન આવકારદાયક જરૂર છે પરંતુ હકીકત તો હવે એ બની છે નીના, કે વ્યક્તિને માત્ર જાત સિવાય કશામાં રસ નથી, કોઈનામાં રસ નથી. મેઈલબોકસમાં કોઈનો હાથથી લખાયેલો પત્ર મળે તો એક આશ્ચર્ય થાય છે ! આ પ્રક્રિયાને શું કહીશુ? એના પરિણામને શું કહીશું? પ્રગતિ કે અધોગતિ? વિકાસ કે વિલાસ? કે આ ટેક્નોલોજીની બલિહારી ! ખરેખર નીના, આ એક ચિંતાજનક વાત છે.

ચાલ, વગર લાકડે બાળનારી આ ચિતામાં કૂદી પડ્યા વગર તને તારી ગમતી રીતે થોડું હસાવી લઉં..

કોઈ ને બદલે  બોલતો માણસ ( ખાસ કરીને અમદાવાદ/મહેસાણા તરફનો)  કવિતાને વાંચે ત્યારે કેવું લાગે તે આપણને સમજાવે છે કવિ શ્યામલ મુન્શી.
થોડી ઝલકઃ
વાદરવારી કારી રાતે પુષ્કર થતી વીજરી.
વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી.
તમે તો જાણે ખર ખર ખર વહેતી શીતર જરધારા.
કારજીપૂર્વક સાંભરજો નહીં તો થશે ગોટારા….

મેરામાંથી એક કબૂતર લીધું છે મેં કાંસાનું.
ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું.
શાંતિના એ દૂત છે, ધોરા, ભોરા ને રૂપારા.
કારજીપૂર્વક સાંભરજો નહીંતો

મળીશું પત્રની રાહે..આવતા શનિવારે..

દેવીની યાદ

Advertisements

14 thoughts on “પત્ર નં ૨૯..જુલાઈ ૧૬, ‘૧૬

 1. (૧) આજે ગોલ્ફ ની રમત વિશે જાણવા મળ્યું. હું તો કદી ક્રીકેટ પણ રમ્યો નથી. એક્ટ્રેસોને કારણે જ ક્રિકેટરોના નામ હું જાણું.
  (૨) હથથી લખવાની આદત છુટતી જાય છે. જે મિત્રો પાસે કોમ્પ્યુટર છે તેમની સાથે જ સંપર્ક જળવાય છે. ઇ-મેઇલ મારફતે. ભારતના ઘણાં મિત્રો ફરિયાદ કરે છે કે હવે તારા પત્રો આવતા નથી. મારા ઘણાં પત્રો એ લોકોએ હજી સાચવી રાખ્યા છે. પણ હવે હું પત્રો નથી લખતો. અને એ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ નથી કરતા.

  તમારી વાત કેટલી સાચી છે.!

  નવીન બેન્કર

  Liked by 1 person

 2. ફેસબૂકના ફળિયે, સેલ્ફીના સથવારે અને વોટ્સ-એપના વ્યવહારે સંવેદનાના તારોને શબવત કરી દીધા છે. આંગણાના દ્વાર પર ટકોરા મારીને આવનારા દોસ્તો અદ્રશ્ય થયા છે ! MOST REALISTIC PICTURE OF MODERN WORLD. nice expression. DEVIKABEN- EBJOYING READING YOUR LETTER SERIES. KEEP IT UP.

  Liked by 1 person

 3. દેવિકાબેન,

  આજે તમારા પત્રમાં ટૅક્નોલોજીની જે કારમી વાસ્તવિકતા છે એની જ વાત કરુ? ગયા વર્ષે અમે ૧૦૦૦ આઇ લેન્ડ હતા. ત્યાં ત્રણ કલાકની ફેરીમાં મોટા ભાગે મેં એવા લોકો જોયા જે આસપાસની નૈસર્ગિક સુંદરતાને માણવાના બદલે સતત એમના મોબાઇલમાં જ વ્યસ્ત હતા. અહો આશ્ચર્યમ… ફેસબુક પર બ્યુટી ઓફ નેચરના કેટલાય મેસેજ આવતા હશે એ જોતા હશે પણ આસપાસની સુંદરતા તો એમને સ્પર્શતી જ નહોતી.

  ળ ના બદલે ર બોલવાના ગોટાળા પણ યાદ આવી ગયા. અમારે કોલેજના પ્રથમ વર્ષમાં ‘મળેલા જીવ’ ભણવાની હતી. મારી એક મિત્રે આખુ વર્ષ ‘ મરેલા જીવ’ જ રટ્યા કર્યું.

  ગોલ્ફ વિશેની માહિતી પણ એટલી જ રસપ્રદ રહી.

  Like

 4. હું મેહોણાનો છું અને ર અને ળમાં હજુ કાચો છું, એ કાનની બુટ્ટી પકડી આજે કબૂલી લૌ છું!
  મેં એક હાથે લખેલ કૃતિ વાંચકો માટે મૂકી હતી જો યાદ આવતી હોય તો!
  આજે બે ૧૬નો મેળ (તારીખ અને વર્ષ) જોવામાં આવ્યો?

  Liked by 2 people

 5. Adarniya Devika,
  GOLF vishay ne sunder mahiti sabhar lekh ma par karva badal khub khub abhinandan n abhar, ahi jyare 2 varsh nu child cycle farve, socker na ball ne kick mare, 5 varash no to coach ni dekhrakh ma taiyar thay, area wise token fee bhari game faceckarato thay, har jit, pavhavato thai, yuvani to hoi, pan seniors ne jogging karata joyee swasthay pratye ni backward avagana mate dil giri anubhavay, ha, ame 25 varsh thi chalva ni dainik tev jaravi rakhi chhe, ahi jeva park, walking track, safety , khabar nathi amare tya kyare avashe, avashe ke nahi, god knows, navi pedhi ne dicipline, law follow karava ni abhiruchi haji karvayee nathee, je nirasha upajave tevu kharu, moda uthavu moda suvu, wrong side ma drive karavu, line ma ubha nahi rahva hu, game tya masala ni pichkari marva nu, mota avaje vat kare te to thik pan gasava hu , mobile kan jode akhand lagavi rakhava no, fari vat kariye to pan khava ye scooter, ke car layee ne j javanu, no exercise, no play , no game, ha, cricket ni badhi match TV per jovani atle jovani, panne galle, office ma, chhavate kobile ma ye., kushar hasho,
  NIRANJAN SHASTRI
  AA KOI GOSSIP NATHI, AAJ NU GUJARAT

  Liked by 2 people

  • સાચી વાત છે હેમાબેન, પણ આ ઉચ્ચારો તો ગમે ત્યા ગમે તે વ્યક્તિ ખોટા કરતી રહેતી હોય છે. બરાબર ને? બાર ગામે બોલી તો બદલાય પણ આ ઉચ્ચારોની અશુધ્ધિને શું કહીશુ?

   Liked by 1 person

 6. દેવિકાબેન,
  આપના અને નીનાબેનના પત્રો દ્વારા નવા વિષયોની ઘણી માહિતી મળે છે તે વાંચવાની મજા આવે છે, પણ આજે શ્યામલ મુન્શીની કવિતા અને “ળ” અને “ર” ની ગેર સમજણે ઉત્પન્ન થતી રમુજે ચાર ચાંદ લગાવી દીધા.

  Liked by 1 person

 7. મેરામાં ખોરતાં મોજ, મારા મરતાં રોજે રોજ.
  હરતા ન આવડ્યું, મરતા ન આવડ્યું,
  ખરખરતા નીર જેમ સરતા ન આવડ્યું,
  બરબરતા તાપને જીરવતા ન આવડ્યું.
  ન આવડી ઝરકતા અંતર દિપની ખોજ.
  મેરામાં ખોરતાં મોજ, મારા મરતાં રોજે રોજ.

  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.
  હળતા ન આવડ્યું, મળતા ન આવડ્યું,
  ખળખળતા નીર જેમ સરતા ન આવડ્યું,
  બળબળતા તાપને જીરવતા ન આવડ્યું.
  ન આવડી ઝળકતા અંતર દિપની ખોજ.
  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.

  Like

 8. WRITING FULL POEM. YOU MAY LIKE THIS.
  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.
  હળતા ન આવડ્યું, મળતા ન આવડ્યું,
  ખળખળતા નીર જેમ સરતા ન આવડ્યું,
  બળબળતા તાપને જીરવતા ન આવડ્યું.
  ન આવડી ઝળકતા અંતર દિપની ખોજ.
  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.

  ન આગળ ઉલાળ, ન પાછળ ઉલાળા
  કાગળની નાવ વળી સાંકળ ને તાળા,
  જેમ આવ્યા હતા તેમ ભરવા ઊચાળા,
  નાળાના નીર ભર્યા, ભાઈ, જીવનને હોજ
  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.

  મારો આ માળો ને મારો ઘરવાળો
  છળ ઘણા કર્યા ન યાદ ઉપરવાળો
  કાજળની કોટડી ને મુખ રંગ્યો કાળો,
  પાછો હુકમ પ્રભુને કે સ્વર્ગ તો દો જ.
  મેળામાં ખોળતાં મોજ, માળા મરતાં રોજે રોજ.
  SHARAD SHAH.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s