મળતો નથી….

માણસ હવે, માણસને કૈં મળતો નથી.
ને જો મળે, તો એ હવે હસતો નથી.

 

બેસી રહે છે ‘ફેસબુક’ના જ ફળિયે,
કોઈ તમારા આંગણે જડતો નથી.

 

દેખાય છે એ ‘ઓન લાઈનો’ ઉપર,
એકલો પડે,પણ એ સૂનો પડતો નથી.

 

રોજે મઝા માણે છે ‘સેલ્ફી’ હાથ લઈ,
એ ‘સેલ્ફ’ સિવાય, ચાહી પણ શક્તો નથી.

 

મારી તમારી સૌની છે આ સ્થિતિ હોં!.
માણસ હવે, માણસને ઓળખતો નથી!!

 

મંદિર હવે મનમાં કરે તો સારું છે.
બાકી એ ખુદમાં પણ, ખરું ભળતો નથી.

 

જુદા હતા વાર્તાના એ ઈશ્વર બધા,
એમ માનવી, ઈશ્વર કંઈ બનતો નથી!

 

27 thoughts on “મળતો નથી….

  1. સુંદર રચના અને ભાવ પણ, મને ગઝલની ટેકનાલીટીમાં બહુ સમજણ નથી કે નથી રસ પણ. ટેકનીકલી બહુ સારી ગઝલો પણ સાવ ફાલતુ મને લાગી છે. મને ગઝલનો ભાવ અને સંદેશ વધુ સ્પર્શે છે. મારું ગણિત થોડું ટેઢું છે. ઘણાને ખટકે પણ છે પણ હું કદાચ ટેઢો જ છું અને આવી ટેઢી ગઝલનો પ્રશંશક પણ.જેમ જેમ વિગ્નાન,ટેકનોલોજીનો વિકાસ થતો જાય છે તેમ તેમ બુધ્ધીતો વિકસે છે પણ દિલ? દિલની અધોગતી થતી જાય છે અને માણસ માણસથી દુર જતો જાય છે. માનવ માનવ વચ્ચેના પ્રેમ, લાગણીના સંબધો હવે ગણિતના ત્રાજવે તોલાય છે, જે વિગ્નાનના એકતરફા વિકાસનુ પરિણામ છે. મગજ અને દિલનો સમાન વિકાસ થાય તે શુભ છે. બન્નેમાંથી કોઈ એકનો વિકાસ અશુભ છે. અગાઊ પૂરવમાં કેવળ દિલનો વિકાસ થયો જેના પરિણામોએ દરિદ્રતા આણી અને હવે વિગ્નાનનો એક તરફા વિકાસ સર્વનાશ સર્જવા તૈયાર થઈ રહ્યો છે. આજના સંજોગોમાં માણસે ભિતરની જાગૃતિ તરફ વળવાની તાતી જરુર છે.

    Liked by 1 person

  2. Little Fun.
    માણસ હવે માણસ રહીને મરતો નથી.
    ને મરે છે તો જીવ માયાથી ખસતો નથી.
    દુખે છે પેટ અને કુટે છે માથું,
    સાચું શું છે, તે ભસતો નથી.
    રોજ ચહેરા પર ચહેરા લગાવે,
    અસલી ચહેરો કદી દિસતો નથી.
    બહાર તો મુખપર હાસ્યના ફુવારા
    પણ સાચું કદીય હસતો નથી.
    હાસ્ય તો હાસ્ય, નકલી રુદન પણ
    પળ પળ મરે તોય મરતો નથી.
    ગાડા નીચેના કુતરા શા હાલ છે.
    તોય ઘમંડનો કેડો મુકતો નથી.
    સ્વાર્થ ખાતર અનેક ગળા કાપે
    ઈશ્વરથી પણ હવે ડરતો નથી.
    ખાડે ગયું છે આયખું આખું.
    પુણ્યના ભાથા ભરતો નથી.
    માટી મળી જશે માટીમાં એક દિ
    માટીનો દિપ આ જલતો નથી.

    Liked by 1 person

Leave a comment