પત્ર નં ૨૮- જુલાઈ ૯ ‘૧૬

કલમ-૨

દર શનિવારે…

પ્રિય દેવી,

ઘણી બધી વાતો લખવાની હોય ત્યારે કઈ વાતોને પ્રાધાન્ય આપવું અને કઈ વાતોનો અછડતો ઉલ્લેખ કરવો એ નિર્ણયને તેં મારી હોંશિયારી ગણી તેને માટે આભાર.

તું કેમ છે? કુશળ હશે જ. નહી તો પત્રમાં એનો પ્રભાવ પડે જ. પત્ર વાંચીને તેં ગૂંથેલા વિવિધ વિષયો વિષેના મારા વિચારો લખવા માટે કલમરુપી આંગળીઓ લેપટોપ પર ટકોરા મારવા માટે ઉતાવળી થઈ છે.

પહેલું તો મને એ ગમ્યું  કે તેં અન્ય સર્જક મિત્રો સાથેના તારા વાર્તાલાપો મારી સાથે વહેંચીને લખવા માટેના વિષયોમાં પૂર્તી કરી છે. રાજુલબેન કૌશિકની વાત વાંચી. પ્રથમ તો પશ્ચિમના દેશોમાં પ્રજાની સલામતી માટે લેવાતી શિસ્તબ્ધ્ધ કાળજીને,સુપર ફાસ્ટ સર્વિસને પોરસાવવી જ પડે. આપણાથી અનાયાસે જ ભારત સાથે સરખામણી થઈ જાય જ અને તેં કહ્યું તેમ સુદ્રઢ વિકાસ માટે જરુરી પણ છે.

હાલમાં હું જ્યારે ભારતમાં હતી ત્યારે એક પોઝીટીવ ફેરફાર નોંધ્યો કે સુરતમાં દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સીસ  હોય છે અને ફોન કરો તેની અમુક મિનિટમાં એ અચૂક આવી જાય છે. જાણીને મને ખૂબ સારું લાગ્યું.  ફેરફાર થાય છે પરંતુ ત્યાંની વસ્તીની સરખામણીમાં વ્યવસ્થા પૂરતી નથી અને લોકોમાં પણ પોતાની જવાબદારી વિષે સમજવાની અને તેની ઉઠાવવા વિષેની જાગૃતિ લાવવાની જરુર છે એમ તને નથી લાગતું?

પશ્ચિમના દેશોની શિસ્ત, સમય પાલન વિગેરે જેવી વાતો ભારતના મેગેઝિનોમાં એટલા માટે લખાવી જોઈએ કે જેથી જે અપનાવવા જેવું છે તે વિષે ત્યાંના લોકો થોડું વિચારતા થાય. બાકી ન અપનાવવા જેવી ઘણી બધી વાતોનું અનુકરણ ત્યાં થાય છે!

હવે વાત કરું  શૈલાબેનના અનુભવની. શારીરિક ખોડવાળા બાળકો માટે ભારતની વ્યવસ્થા સાથે પશ્ચિમની સરખમણી હમણા તો થઈ શકે એમ જ નથી. તે વિષે પ્રથમ તો આપણા સમાજમાં પ્રવર્તતી ગેરસમજને દૂર કરવાની જરુર છે. ગયા જન્મના કર્મો’, ગયા જન્મના પાપોજેવી અનર્થ સર્જનારી ગેરસમજને કાઢવી અત્યંત આવશ્યક છે. હિન્દુ ધર્મની ઘણી બધી વાતો પર કાંઈ કેટલાય વર્ષોથી કાટ ચઢી ગયો છે. તેને પહેલા તો સાફ કરવો પડશે. કેમ અને કોણે એ થવા દીધું છે અથવા જાણી જોઈને કર્યું છે એ વાત જવા દઈએ અને એને કઈ રીતે દૂર કરી શકાય તેનો વિચાર મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. એની સામે ઝઝૂમવા માટે લેખકો, કવિઓ, શિક્ષણ સંસ્થાઓ, સરકાર, બૌધ્ધિક સમાજ, ધાર્મિક સંસ્થાઓ અને સાચા માર્ગદર્શક (ધરમના ઠેકેદારો નહીં )જેવા લોકોએ પોત પોતાની શક્તિ મુજબ કમર કસીને કામ કરવું પડશે. એ અંગે મેં એકવાર લખ્યું હતું તે મુજબ આજના યુગ પ્રમાણે દરેક ધર્મોએ ફેરવિચારણા કરવી જ રહી. નહીંતો અર્થના અનર્થોની ભરમાળ ઉભી થશે અને આજનો યુવાન માર્ગદર્શન માંગે છે તે ચીંધવામાં આપણે ઉણા ઉતરીશું તો ઈતિહાસ આપણને માફ નહીં કરે. અક્ષમ લોકોને જે સહન કરવું પડે છે તેને માટે  માત્ર એના માત-પિતા કે સગા સંબંધીઓએ જ નહીં; આખા સમાજને પહેલા તો ધરમૂળથી હલાવવો પડશે તો જ પાકી ગયેલા ન-કામના ફળો પડશે અને નવી વિચારસરણીના ફળો ઉગશે.

સ્નેહપૂર્વક સેવા કરવાની વાત કરી તેની સાથે મને ભારતમાં રક્તપિતના દર્દીઓની સેવા કરતી ક્રિશ્ચિયન નનો યાદ આવી ગઈ. હમણા થોડા સમયથી આપણા અમુક સેવાભાવી લોકો રક્તપિતના દર્દીઓ સાથે કામ કરતાં થયા છે. પરંતુ ધર્મના પ્રચાર અને ધર્માંતર કરવા માટે કેટલી હદે ક્રિશ્ચિયન નનો અને પાદરીઓ પોતાના સ્નેહસભર સ્વભાવનો ઉપયોગ કરે છે એ આંખ ઉઘાડનારી બાબત છે. ભારત અને આફ્રિકાના સાવ ઊંડા આવેલા ગામડાઓમાં જઈને સેવા કરતાં આ લોકો સામે આપણા પૂજારીઓ, ધર્મગુરુઓ કે ધાર્મિક સંસ્થાઓની દંભથી ભરેલી અને સ્વાર્થી મનોવૃત્તિનો વિચાર કરવાની પણ શરમ લાગે! આ લખતાં લખતાં વર્ષા અડાલજાની અણસારનવલકથા યાદ આવી ગઈ. પોતાનાં જ સગાં રક્તપિત શબ્દ સાંભળતાં જ કેવો તિરસ્કાર કરે છે તેનું ખૂબ જ કરુણ આલેખન છે એમાં. એમાં એક પ્રશ્ન જે ઉદ્‍ભવે છે તે એ કે પત્નીને રક્તપિત છે સાંભળીને પતિ આઘો ખસી જાય પરંતુ પતિ જો એવી પરિસ્થિતિમાં આવે તો પત્ની એને છોડી જાય? અને ધારો કે છોડી જાય તો સમાજ એને આખી જીંદગી માટે શાંતિથી કદાચ જીવવા ન દે.

સાચું કહું દેવી, આપણા આખા સમાજના દંભ અને સ્વાર્થી મનોવૃત્તિ જોઈએ ત્યારે ક્યાંથી કામ શરુ કરવું જોઈએ તેની મુંઝવણ થાય. ખેર, એક જ આશ્વાસન મળે કે આપણે આપણાથી થાય તેવી રીતે અને તેટલું કરીએ છીએ અને કરતાં રહીશું.

ચાલ, હવે વિષય બદલી અને તારા અષાઢ મહિના પર આવું તે પહેલાં હમણા અહીં એક શાસ્ત્રીય સંગીત પર આધારિત મેઘદૂતભજવાયું તે અંગે લખું. ખૂબ જ સુંદર સંગીત રચના આશીતભાઈ અને આલાપ દેસાઈએ કરી હતી અને સ્થાનિક સંગીતપ્રેમી લોકો છેલ્લા થોડા વર્ષોથી તાલિમ લેતાં રહ્યાં છે એ લોકો અને હેમાબેન દેસાઈની ખૂબ મહેનતને પરિણામે અમને આવો સુંદર કાર્યક્રમ માણવા મળ્યો. ખૂબ જ મઝા આવી.

હવે અષાઢ મહિનો હોય કે શ્રાવણ કે કોઈ બીજો મહિનો પણ એક વાત ચોક્કસ છે કે, બહારના વાતાવરણની અસર માનવીના મનની અંદરના વાતવરણ પર ખૂબ આધાર રાખે છે એમ મારું માનવું છે.  તેં લખ્યું છે તેમ વિરહીજનોથી લઈ  ખેડૂત હોય કે શ્રમજીવી, સ્ત્રી હોય કે પુરુષ દરેક પર તેના મનમાં ચાલતાં મનોવ્યપાર પર અને વ્યવસાય પર અવલંબે છે. એક ખૂબ સરસ ઉદાહરણ વાંચ્યું હતું- જ્યારે ખેડૂત મેહુલાને આવવા માટે વિનવતો હોય તે જ વખતે કુંભાર માટીના વાસણ પકવવા માટે મૂકવાનો હોય તે ઈશ્વરને પ્રાર્થે કે આજે વરસાદ નહી મોકલતો વ્હાલા! ઈશ્વર કોનું સાંભળે?

એક વાક્ય  ફેઈસબૂક પર વાંચ્યું તે તારી સાથે શેર કરીને વિરમું-આપણને નાનપણથી સાચું બોલવાનું શીખવાડવામાં આવે છે પરંતુ સાચુ સાંભળવાનું શીખવાડવામાં આવે છે ખરું?!!!

ચાલ, હવે આવતા પત્રમાં મળીશું

નીનાની સ્નેહ યાદ.

Advertisements

18 thoughts on “પત્ર નં ૨૮- જુલાઈ ૯ ‘૧૬

 1. દેવિકાબેન,

  ખુબ સુંદર વાત કરીને ભારતનું ચિત્રતો તમે દોર્યું. પણ, એજ ભારતીયગણ(થોડા હાં) અહિ મંદિરો ને મહાદેવોમાં જઈને શું કરી રહ્યા છે એ જોઈ, સાંભળી અને વિચારીને મને ‘નમો’ યાદ આવી જાય છે ! ગંગાજીને સાફ કરવાની હાકલ નાખી અને સૌએ એ વધાવી. પણ, જ્યાં સુધી ભારતીયો મન સુધ્ધી નહિ કરે ત્યાં સુધી એકલા હાથે નમો કેટલું કરે? આજની ગંગામાં નાહી પવિત્ર થવાય, મૃત સ્વજનને એ પાણીમાં પધરાવી એમની સદગતિ થાય એ આજાનો ભણેલો ગણેલો યુવક્વર્ગ બદલી શકશે? એકજ મા-બાપના સંતાનો ભણી-ગણી, પરણી, પગભેર થઈ, પરદેશ જઈ, સંતોની કથાઓ સાંભળી, મહાદેવ-મંદિરે નિયમિત જઈ, વાર તહેવારે ઉપવાસો કરી, ઈ-મેલમાં જયશ્રી ક્રિષ્ણ, શ્રી રામ વગેરે લખી અને રસ્તે મળતાં ઉચ્ચારી, જો આપે ચિતરેલા માર્ગે જાય તો એ સહુંના ચરણ સ્પર્શ કરાવા હું પહેલો હોઈશ.

  છેલ્લે, સાચું બોલવાપર બોલનાર પાસે ચાબુકનો કંટોલછે. જ્યારે સાંભળેલી વાત સાચી છે કે ખોટી એની કોઈ ચારણી મગજમાં ભગવાને મૂકી નથી! જો મૂકાઈ હોત તો એનો ઉપયોગ કરવાનું કોણ યાદ દેવડાવતે?

  માફ કરજો આ લાંબી કોમેન્ટ માટે.

  બંને બહેનોની કુશળતા ઈચ્છતો.

  ‘ચમન’

  Liked by 3 people

  • પ્રતિભાવ આપવા માટે ધન્યવાદ, ચમનભાઈ. અમારી દ્રષ્ટિએ આવી ચર્ચાઓ થવી જ જોઈયે, તોજ વર્ષોથી આપણા સમાજના મન અને બુધ્ધિ પર થરના થર થઈ ગયેલા કચરાને સાફ કરવામાં સહભાગી થઈ શકીશું.
   મન અને બુધ્ધિની ગંગા પહેલા તો સાફ કરીએ પછી આપો આપ ગંગાનદી સ્વચ્છ થશે.
   પરંતુ મારા મતે સેંકડો વર્ષોનો કચરો સાફ કરવા સેંકડો નહી તો થોડા દસકા તો જોઈશેને?
   નમો પણ એવું જ વિચારતા હોત તો હમણાં આવી છે એટલી જાગૃતતા પણ ન આવતે.
   થોડો હકારાત્મક અભિગમ રાખવો પડશે એમ મારું માનવું છે.

   Liked by 1 person

  • નમસ્તે અનીલાબેન, પ્રતિભાવ માટે ખૂબ આભાર. ગુજરાતીમાં લખો તો વધુ મઝા આવે.
   ભારતીય માનસ પર સેંકડો વર્ષોનો કચરાનો ઢગ થયો છે એને સાફ કરતા થોડા દસકાઓ તો જોઈશેને?
   સમાજમાં આત્મવિશ્વાસ, થોડી ધીરજ અને થોડો હકારાત્મક અભિગમ જો ઊભો કરી શકીશું તો બદલાવ આવશે.
   મારું નિરીક્ષણ જણાવું તો ૫૦/૬૦ વર્ષો પહેલા આપણા સમાજની પરિસ્થિતિ તમે કહ્યું તેવી જ હતી પરંતુ છેલ્લા ૧૫/૨૦ વર્ષોમાં આપણા થોડા સેવાભાવી લોકો એ તરફ જરૂર વળ્યા છે અને એક નાનું આશાનું કિરણ છે.
   મારી સમજ પ્રમાણે હું પહેલા તો મારા આત્માને પુછું કે ‘ કાલે જરૂર પડે તો હું એ લોકોની સેવા કરવા જઈશ?

   Liked by 1 person

  • નમસ્તે નવીનભાઈ, શ્રી રામ કરવું ખોટું નથી પરંતુ રામનું આંધળું અનુકરણ ખોટું છે અને મને ખબર છે કે તમે એમ ન જ કરો. બસ, આપણે આપણમાંથી શરુ કરીએ, બરાબરને?

   Liked by 1 person

 2. સાચી વાત છે નીનાબેન, ગયા જન્મના પાપો અને ગયા જન્મોના કર્મોની મિથ્યા ભ્રમણામાં થી લોકોને બહાર કાઢવાને બદલે ઢોંગી ધર્મગુરૂઓ એ અગ્નિમા ઘી હોમવાનુ કામ કરે છે.
  એક જ આશ્વાસન લઈ શકાય કે આપણે આપણાથી બનતુ કરીએ.
  ધીમા પગલે પણ નવી પેઢીમા કાંઈક જાગરુકતા દેખાઈ રહી છે, એ એક આશાનુ કિરણ છે.
  આપની અને દેવિકાબેનની પત્રલેખનમાળા વધુ ને વધુ લોકો સુધી પહોંચે અને જનસમાજની વૈચારિક શક્તિમા સારો બદલાવ આવે એ જ શુભેચ્છા!

  Liked by 2 people

 3. નમસ્તે શૈલાબેન, હા, ધીમો છતાં બદલાવ તો જોવા મળે જ છે. ઢોંગી ધર્મગુરુ કે કોઈ દંભી વ્યક્તિગતને ઓળખતા હોઈએ, તેમને કેટલું મહત્વ મળે છે તેના પર ઘણો આધાર છે. સમાજમાં બધા જ લીડર ન હોઈ શકે એટલે અનુસરવું ખોટું નથી પરંતુ સમાજને યોગ્ય-અયોગ્યની પરખ કરવાની શક્તિને જાગૃત કરવાની જરૂર છે.
  આપની વધુ લોકો સુધી આ અમારો પ્રયત્ન પહોંચે એ શુભેચ્છા માટે આભાર અને અમે પણ એ જ ઇચ્છીએ છીએ.

  Liked by 1 person

 4. નયનાબેન,
  એક તો આજે આપે મુકેલી ઇન્સસાનિયત અને સતકર્મની ક્લિપ ખુબ સ્પર્શી ગઈ. સારી વસ્તુ કોને ના સ્પર્શે?

  આજે આપે ભારતમાં સુવિધાઓની જે વાત કરી એ હવે ધીમે ધીમે વધુને વધુ ઉપલબ્ધ્ધ બનવા માંડી છે એ વાત સાચી પરંતુ હજુ તો આધી અધુરી જેવી જ છે એવો સ્વ અનુભવ છે એવું હું ચોક્કસ કહીશ.

  રક્તપિતની વાત શરૂ થતાં જ મને ‘અણસાર’ યાદ આવી ગઈ અને લો આગળ તમે પણ એનો જ ઉલ્લેખ કર્યો. આજે પણ એ નવલકથાની વાત મનને ઉદ્વેગ આપે એવી છે.

  ધર્મના અખાડાથી તો જેટલા દૂર રહેવાય એટલું સારું જ છે. ધર્મમાં નહીં કર્મમાં માનવાની વાત અમ્ને નાના હતા ત્યારથી શિખવવામાં આવી છે. અલબત ઇશ્વર તો છે જ એવી શ્રધ્ધા ય અકબંધ છે.એવી જ કોઇ શ્રધ્ધાના બળે ખેડૂત કે કુંભાર પણ ઇશ્વરને પ્રાર્થના કરતાં હશે. ઇશ્વર પાસે એમની પ્રાર્થનાના પણ જવાબ હશે જ.

  આજે પણ અલગ અલગ વિષય પરની વાત ગમી ગઈ.

  Liked by 2 people

 5. નયનાબેન,
  ધરમના ઠેકેદારો મોટી મોટી દુકાનો લઈને બેઠા છે, પોતાના સ્વાર્થ ખાતર ,પાપ-પુણ્યના પાઠ ભણાવીને લોકોના મનની અંદર એટલો મોટો ડર પેદા કરેલો છે મોટા ભાગના લોકો અંધશ્રધ્ધામાં જીવતા હોય છે.શાસ્ત્રોએ કહ્યું શું, સંતોએ સમજાવ્યું શું અને આપણે સમજ્યાં શું ? શાસ્ત્રો ખોટા નથી આપણી સમજ ઓછી અને ખોટી છે. આવા લોકોની સામે જેને સમાજ માટે, સમાજ સુધારા માટે કંઈક કરવું છે તે લોકો કંઈ કરી નથી શકતા.

  Liked by 2 people

  • તમારી વાત સાચી છે કે આ ઠેકેદારોના પાયા ખૂબ ઊંડા છે એટલે સમાજ સુધારકોને તકલીફ જરૂર પડે છે. એટલે મને લાગે છે કે જે લોકો બદલી શકાય એમ જ નથી એની પાછળ શક્તિ વેડફવા કરતાં કિશોર વયના બાળકો અને નાના બાળકો પર કામ કરવાની જરૂર છે. કવિ અખાએ કહ્યું છે તેમ ‘એક મુરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ.-એવા વડીલોનીી જેમ બાબાઓ, બાપાઓ વગેરેની પાછળ આ યુવા ધન ગાંડા થાય તે પહેલા કામ કરવું પડશે એમ મને લાગે છે.
   મનને ગમતું ઈન્ટરપ્રિટેશન કરી કરીને શાસ્ત્રોના મૂળ અર્થોને વિપરીત કરી નાંખ્યા છે.
   પરંતુ એમ ‘હામ’ હારી તો ન જવાયને?

   Liked by 1 person

 6. નમસ્તે રાજુલબેન, એકદમ સાચી વાત છે તમારી, ઈશ્વર પાસે હમેશાં માગેલું મળતું નથી કે મળે છે એના યોગ્ય સમયે.
  તમારો ભારતની અધૂરી સુવિધાનો અનુભવ જેવો જ ઘણા બધાને ઓછેવત્તે અંશે થયો જ છે. પરંતુ મને લાગે છે કે સેંકડો વર્ષોનો કચરો સાફ કરવા માટે થોડા દાયકાઓ જોઈશે કદાચ.
  અને ધર્મના અખાડાઓથી દૂર રહેવાની વૃત્તિની જાગૃતિ ધીમે ધીમે લોકોમાં લાવવાની તાતી જરૂર છે.
  પ્રતિભાવો માટે ખૂબ આભાર

  Liked by 1 person

 7. નયનાબેન, એક પત્રમાં અનેક ગંભિર સમસ્યાઓ જેવીકે સમાજ સુધારણા, બાપુઓ અને બાબાઓ ની (કુ) લીલાઓ,પ્રારબ્ધ કે પુરુષાર્થ, ભારતિય માનસિકતા, અંધશ્રધ્ધા, ભારતિય સંસ્કૃતિના ઉધાર પાસાઓ, પૂર્વ અને પાશ્ચાત સંસ્કૃતિની તુલના, સેવાને નામે ખિર્સ્તી ધર્મનો પ્રસાર/પ્રચાર, અને બીજા અનેક વિવાદીત અને બહુચર્ચિત વિષયોને આવરી લઈ પત્ર લખાયેલો છે અને અહીં પ્રતિભાવો પણ એ સંદર્ભે જ આવેલા છે. આ એક એક વિષય પર મહિનાભર ચર્ચાઓ અને વિવાદ સંભવ છે અને આપણે યુગોથી આ વિષયે ચર્ચાઓ કરી છીએ, પરંતુ પરિણામ શુન્ય છે. થોડાઘણા સામાજીક રીતરિવાજોમાં સુધારા થયા છે પરંતુ માનસિકતામાં ઝાઝો ફરક નથી પડ્યો. ભણતર અને વિગ્નાનના પ્રભાવને કારણે અનેક દેવી દેવતાઓમાં માનતો માનવી કદાચ એક ઈશ્વરમાં માનતો થયો કે ઈશ્વરને ઈન્કાર કરતો થયો. પરંતુ બન્ને સંજોગોમાં માન્યતાઓ બદલાઈ અને માન્યતઆઓ બદલવાથી
  સમસ્યાનુ સમાધાન નથી થતું. આજે તમે કૃષણને ભગવાન માનો કે કાલે ન માનો અથવા કોઈ બીજાને માનો. તેનાથી માનસિકતા ક્યાં બદલાઈ? ભુતને છોડીને પલીતને વળ્ગ્યા. બન્ને સંજોગોમાં માનવુ એ કોમન છે અને માનવુ એ રોગ છે તે સમજાતુ નથી. કોને માનો છો તે ગૌણ છે માનો છો તે જ રોગ છે. નરસિંહ મહેતા કહેતા કે જ્યાં સુધી આત્મ તત્વ ચિંધ્યો નથી ત્યાં સુધી સાધના સર્વે જુઠ અને આજ વાત બધ્ધા બુધ્ધ પુરુષો પણ કહે છે. પણ આપણે સાંભળીયે છીએ ક્યાં? આપે કહ્યું તેમ સત્ય બોલવું તો શિખવવામાં આવે છે પરંતુ સત્ય સાંભળવાનુ નથી શિખવાતુ. આપણે સત્ય એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખીએ છીએ. અને પછી આપણી જ વાસનાઓ, લોભ આપણને આવા ઢોંગી બાબાઓ પાસે ઘસડી જાય છે, પછી દોષ એ બાબાઓ અને બાપુઓને દઈએ છીએ. પણ એ દેખાતું નથી કે આપણે એ બાબાઓના શરણે કોઈ ચમત્કારની આશાએ ગયેલા. આપણી લોભ વૃત્તિ તે માટેનુ પ્રેરક બળ હતી. કહે છે ને કે “લોભિયા હોય ત્યાં સુધી ધુતારાઓ ભુખે નથી મરતા”. તે સાર્થક છે. એટલે જ મેં ઉપર પણ કહ્યું કે, આત્મબોધ/સ્વબોધ/નિરીક્ષણ એક જ માર્ગ છે. અને તે જેટલું જલ્દી સમજીએ તેટલો સ્વ અને સમાજનો વિકાસ સંભવ છે. કારણકે આપણા જેવા લોકોનો જ બનેલ સમાજ છે. સમાજનુ કોઈ અલગ અસતિત્વ નથી.

  Liked by 2 people

 8. શરદભાઈ, શીરાની જેમ ગળે ઉતરી જાય એટલી સરળ રીતે આપે જે સચોટ વાત કરી તેમાંથી ઘણું સમજાઈ ગયું. આવી વાતો વારંવાર દોહરાવવાથી ઘણી વ્યક્તિઓ આત્મબોધ/સ્વબોધ/નિરીક્ષણવાળો માર્ગ અમલી બનાવશે,અપનાવશે તો સ્વની સાથે સાથે સમાજમાં ઘણો સુધારો/પરિવર્તન આવશે એમ લાગે છે. આ વાત પચાવીએ ત્યાં સુધી ચાલો, આવતા પત્રમાં કોઈ જુદી વાત લાવવાનો પ્રયત્ન કરીશું આપનો ખૂબ આભાર,શરદભાઈ.

  Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s