પત્ર નં ૨૪- તા.જૂન ૧૧ ‘૧૬

કલમ-૨દર શનિવારે

પ્રિય દેવી,

 મને લાગે છે દેવી, કે હવે આ કુશળતાની ‘આપ-લે’ મા પ્રવેશતી ઔપચારિકતાને તિલાંજલી આપી દઈએ! ગયા અઠવાડિયે સાચે જ તબિયત અસ્વસ્થ હતી છતાં લખું કે ‘હું મઝામાં છું’; એવું જ તારી તરફ પણ બનતું જ હશે ને? આ લખતાં લખતાં મોં પર મલકાટ લાવી દે એવો એક કિસ્સો યાદ આવ્યો.

મારા મોટાભાઈ જે એચ.કે.માં લેક્ચરર હતાં તેઓ યુવાન હતાં ત્યારની વાત છે.  તેમનો સ્વભાવ મજાકિયો અને આખાબોલો પણ ખરો જ. એક દિવસ એમની તબિયત ઠીક નહોતી એટલે મારા જીજાજી જે ડૉક્ટર હતાં તેમને ત્યાં દવા લેવા ગયા. મારા જીજાજીએ સામાન્ય જેમ બધાને પૂછીએ તેમ પૂછ્યું, ‘મઝામાં છેને? બોલ શું કરવા આવ્યો છે?’ આખાબોલા મારા ભાઈએ ઠાવકાઈથી કહ્યું, ‘વાળ કપાવવા’!

ચાલ, આ વખતનો તારો પત્ર વાંચવાની મઝા આવી ગઈ. બે વાતોનો પ્રતિભાવ આપવા માટે મન અધીર થઈ બેઠું છે – એક તો તેં ટાંકેલી દલાઈ લામાની વાત. ‘પ્રેમ અને કરુણા મારે મતે સાચા ધર્મો છે’- અમુક અંશે હું કબુલ થાઉં છું પરંતુ સ્વામી સચ્ચિદાનંદજીનું પુસ્તક, વાચ્યા પછી સાચે જ વિચાર કરવા એક નવી દિશા મારે માટે ખુલી ગઈ છે. સ્વાભાવિક રીતે જ દલાઈ લામાની વિચાર સરણી બૌધોપદેશથી પ્રભાવિત હોય જ. અને એટલે જ બૌધની પ્રેમ અને કરુણા એ ધર્મનું એક પાસુ જરુર છે. પરંતુ એમાંથી જન્મતાં ત્યાગ અને વૈરાગ્યએ પણ જ્યારે મર્યાદા બહાર લોકોને પ્રભાવિત કર્યા ત્યારે જગદ્‍ગુરુ શંકરાચાર્ય જેવા એકલવીરે ભારતની ચારે દિશામાં જઈને સાચા હિદુ ધર્મને બચાવવા માટે મઠો સ્થાપવા પડ્યા. કારણ સમજણ વિનાના અથવા અર્ધ જ્ઞાનને લીધે પ્રચલિત થતાં ત્યાગ અને વૈરાગ્ય પણ માણસને કાયર, અકર્મણ અને આળસુ બનાવી નાંખે. એ પુસ્તકમાં સ્વામી સચ્ચિદાનંદે હિંદુ ધર્મની આલોચના કરતાં પણ એ જ વાત કરી છે કે હિંદુ ધર્મ પર કેટલાય આક્રમણો થયાં છતાં તેનું રક્ષણ કરવા માટે અસમર્થ રહ્યાં અને તે પણ ધર્મને નામે! કાળક્રમે લોકો ક્યારે અહિંસક બનવું અને ક્યારે ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા એનો વિવેક ખોઈ બેઠા છે. ઈતિહાસના પૂર્વાપર સંબંધ આપી ખૂબ જ તાર્કિક રીતે આ પુસ્તક લખ્યું છે-અને ક્યારની મથું છું પરંતુ નામ નથી યાદ આવતું…

ખેર, મને રુમીની વાત ખૂબ જ ગમી. મેં ક્યાંક વાચ્યું હતું કે ‘મને કાંઈ ખબર નથી’ એ સમજણ આવ્યા પછી જ જ્ઞાન પ્રાપ્તિ થાય છે. પોતાને પારખવાની ચતુરાઈ, વિવેક બુધ્ધિ અને સમદ્રષ્ટિ જ સાચા ધર્મ તરફ લઈ જાય. 

‘નવી આશા’પાના નં.૮૨- નામના પુસ્તકમાં આપણા જેવા ઘણાની વ્યથાને સ્વામી સચ્ચિદાનંદે ખૂબ જ અસરકારક રીતે વર્ણવી છે તે લખ્યા વગર રહી શકતી નથી, એ ફકરાનું શીર્ષક છે- ‘અજ્ઞાન જ્ઞાનનો મુગટ પહેરે છે’……અજ્ઞાન એટલું ભયંકર નથી કારણ કે તેનો સ્વીકાર થતો હોય તો તેને દૂર કરી શકાય છે. પણ જ્યારે અજ્ઞાન જ જ્ઞાનનો મુગટ પહેરીને બેઠું હોય ત્યારે તે અતિ ભયંકર બની જાય છે….. તેમાં આવું  અજ્ઞાન, હજારો લાખ્ખોના ઘડવૈયાઓમાં બેઠું હોય તો તેની ભંયકરતાની કોઈ સીમા જ નથી. કોઈ વ્યક્તિ ભગવાન બની બેસી પોતાની પૂજા કરાવડાવે, પોતાનું નામ જપાવે, પોતાની આરતી ઉતરાવે અને ગવડાવે, પોતાના ચમત્કારોનો પોતે જ પ્રચાર કરે, છપાવે, વહેંચાવે, અને લોકોને ચમત્કારથી મુક્ત કરી આપવાની પ્રેરણા આપે. એક ચમત્કારઘેલું, બુધ્ધિહીન ટોળું, વ્યક્તિપૂજાનો જયજયકાર કરે. આથી  વધુ પ્રજા જીવનનો અંધકાર શો હોઈ શકે….’

એમાં એટલું જ ઉમેરવાનું મન થાય કે પરદેશમાં વસતાં મોટાભાગનાં ભારતિયો આ જ ટોળામાંથી છૂટા પડી ગયેલા લોકો છે. એટલે જ ધરમનો ઠેકો લઈને બેઠેલા બાબાઓને પરદેશમાં બોલાવવા માટેના રસ્તાઓ, આવા લોકોએ ખોલી નાંખ્યા છે.આગળ એક પત્રમાં લખ્યું તેમ તેમાં થોડા અંશે સાંત્વન આપે એવું જો કાંઈ હોય તો એ છે કે આ કારણે ઘણા યુવાનોમાં હિંદુધર્મને સમજવા માટેનો ઉત્સાહ વધ્યો છે અને જવલ્લે જ મળતાં કેટલાક ગુરુઓએ માર્ગદર્શન પણ આપ્યું છે અને આપે છે.

અને હવે તેં તારા પાડોશીએ કરેલી વાત લખી છે એના સંદર્ભમાં લખું તો- હા, પશ્ચિમના દેશોમાં પણ સ્ત્રી સ્વાતંત્રતા, સન્માન વિગેરે વલ્ડવોર-૨ પછી જ સંવર્ધન પામ્યા છે.મેં ઘણો સમય પહેલાં ટીવી પર એક પ્રોગ્રામ જોયો હતો તેમાં પણ દર્શાવ્યું હતું કે તે જમાનામાં યુ.કે.માં લગ્ન પહેલા ગર્ભવતી થઈ જતી સ્ત્રીને પાગલખાનામાં મોકલી દેવામાં આવતી અને આખી જીંદગી એણે ત્યાં જ પસાર કરવી પડતી. વળી તેં લખ્યું તેમ સ્ત્રીની જવાબદારી ઘરકામ અને બાળકોની સંભાળ પૂરતી મર્યાદિત હતી. યુધ્ધ પછી પુરુષોની સંખ્યા ઘટી જતાં સ્ત્રીઓએ ઘર બહાર કામ કરવા જવું પડતું ત્યારથી સ્ત્રીની પરિસ્થિતિ બદલાવા માંડી અને આજે એ ક્યાં પહોંચી છે અને એના પાછળ કયા પરિબળો કામ કરે છે, શાનો પ્રભાવ વધુ છે અને એની સારી-ખરાબ અસર વિષે આવતા પત્રોમાં વાત કરીશું.

મિતુલ પટેલ (તખલ્લુસ ‘અભણ’)ની એક નાનકડી કવિતા લખી વિરમું-

ઝાકળમાં બોળી ટેરવાં

બસ એક ધારણા ચીતરી તો જો,

કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે.

નીનાની સ્નેહયાદ

Advertisements

16 thoughts on “પત્ર નં ૨૪- તા.જૂન ૧૧ ‘૧૬

 1. આજનો શનિવાર તો ઘણી દિશાઓમાં દોડ્યો. એક સાથે ઘણાં વિષયોને અટકચાળો કરી લીધો.
  પણ મિત્રો સાથે તો મન મૂકીને આવી જ વાત થાય. આ કાંઈ નિશાળમાં લખાતો એક વિષય પર પત્રાલેખનનો નિબંધ થોડો છે. સરસ સરળ “મનકી બાતે” જેવી વાત.

  Liked by 1 person

 2. ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા NI JARROR KHARI ? I THINK THIS LEADS TO VIOLANCE.

  Like

  • નમસ્તે વસંતભાઈ, મહંમદ ગઝનીએ ૧૮ વખત સોમનાથ મંદિર પર હુમલા કર્યા ત્યારની વાતના સંદર્ભમાં એ વાત કરી હતી. હું પણ હિંસામાં માનતી નથી પરંતુ શ્રદ્ધા સ્થાનની રક્ષા કરતી વખતે જો જરૂર પડે તો ‘અહિંસા’ને નામે કાયર ન બનવું જોઈએ. નીચે આપેલી લીક જોઈને આપ હોવ તો શું કરો? હું ભલે હથિયાર ન ઉપાડું પરંતુ સામનો જરૂર કરું.

   Like

 3. ધર્મ, વ્યક્તિપુજા, બાબાઓ ને એવી બધી વાતો મને ગમી. અને છેલ્લે પેલા ‘અભણ’ ના કાવ્યની પંક્તિઓ.
  ઝાકળમાં બોળી ટેરવાં,
  બસ એક ધારણા ચીતરી જો,
  કોરા કાગળમાં પણ લીલાંછમ બનાવો ફુટી નીકળશે.
  વાહ…વાહ…
  નવીન બેન્કર

  Liked by 2 people

 4. વાહ.. સરસ વાત કહી છે… કહેવાય છે અગર ત્રીજું વર્લ્ડ વોર થશે તો પાણીને માટે થશે… !! ઈશ્વર આ કહેણી ખોટી પાડે..

  Liked by 1 person

 5. Sthal ane kalna bandhano purushe (pachhi e koi pan hoy ) fagavi sidha ane potana swarth mate strione bandhanma jakadi didhi pan have bas thayu hajaro varshno e dharo todavoj rahyo. Ek bahu moti vat patrama ek nankada drashtant dvara aape bahu saras smajavi didhi.

  Liked by 2 people

 6. કાળક્રમે લોકો ક્યારે અહિંસક બનવું અને ક્યારે ધર્મની રક્ષા માટે હથિયાર ધારણ કરવા એનો વિવેક ખોઈ બેઠા છે, એ વિવેક જો આવે તો દેશ અને લોકો જરુર સરળ જિંદગી જીવી શકે, ધર્મના વાડામાં બંધાયા વગર.

  Liked by 2 people

 7. ઝાકળમાં બોળી ટેરવાં
  બસ એક ધારણા ચીતરી તો જો,
  કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે.

  નીનાબેન તમે અને દેવિકાબેને પણ આમ જ કલ્પનાના ઝાકળમાં ટેરવા બોળીને વિચારોને ચિતરવાનું શરૂ કર્યું એમાં કોરા કાગળ પર જે લીલાછમ બનાવોની ઘટમાળ સર્જાઇ છે તે તો કોઇની ય ધારણા કરતાં વધુને વધુ લીલીછમ બનતી જાય છે. શનિવારની સવાર ઉઘડતા જ તમારા પત્રોની શૃંખલામાં કઈ કડી ઉમેરાઇ હશે તે જાણવાની ઉત્કંઠા ઉગી આવે છે.

  Liked by 2 people

 8. તમારા ભાઈનું B.P. હંમેશાં 120/80 ની અંદર જ રહ્યું હશે !!
  બધાની જેમ મને પણ
  ઝાકળમાં બોળી ટેરવાં
  બસ એક ધારણા ચીતરી તો જો,
  કોરા કાગળમાં પણ લીલાછમ બનાવો ફૂટી નીકળશે

  પંક્તિઓ બહુ જ ગમી. It is so wonderful thought !!

  Liked by 2 people

 9. ફરી એક વાર લખવાનું ગમે છે આ પત્રો અઠવાડીક કેમ? આતો દૈનિક જ હોવા જોઇએ..
  બહુ સરસ શ્રેણી ચાલી રહી છે શત શત અભિનંદનો બંને લેખિકાઓને…..

  Liked by 1 person

 10. નીનાબેન સ્વામી સચ્ચિદાનંદજીના એક પુસ્તકનો ઉલ્લેખ કરે છે – ‘ઈતિહાસના પૂર્વાપર સંબંધ આપી ખૂબ જ તાર્કિક રીતે તેમણે આ પુસ્તક લખ્યું છે-અને ક્યારની મથું છું પરંતુ નામ નથી યાદ આવતું…’ મને લાગે છે એ પુસ્તકનું નામ – ‘ભારતીય યુધ્ધોનો સંક્ષિપ્ત ઇતિહાસ’છે. થોડાક ક્વૉટેશન આ જ પુસ્તક્માંથી –

  “ભારતીય પ્રજાનો મોટો ભાગ માનસિક રીતે યુધ્ધવિમુખ રહ્યો છે, કારણ કે ભારતીય પ્રજાની મનોદશા જે અધ્યાત્મથી પ્રેરિત રહી તે અધ્યાત્મ, ઇચ્છાશક્તિનો ક્ષય કરવા ઉપર પ્રબળ ભાર મૂકે છે. અહીંના પ્રસિદ્ધ મુખ્ય ધર્મોએ બધાં દુ:ખોનું મૂળ ઇચ્છા બતાવ્યું છે. ઇચ્છાનો ક્ષય કરવા જુદી જુદી સાધનાઓ બતાવી છે. ઇચ્છાના ક્ષયને પ્રદર્શિત કરવા અપરિગ્રહ ઉપર ભાર મુકાયો છે.”

  “સાચા ત્યાગ કરતાં પ્રદર્શિત તથા નિયંત્રિત ત્યાગ વધુ વિસ્તર્યો. સમૂહ-ચિંતન તથા તેના દ્વારા થતાં ઘડતરમાં ત્યાગ-વૈરાગ્ય-અપરિગ્રહ વગેરેનો પ્રચંડ પ્રભાવ જામતો ગયો.”

  “ઘણાં લોકો પોતાના મનને છેતરવા માટે કહી દેતા હોય છે કે એ તો આવતા જન્મે કર્મનાં ફળ મળવાનાં થશે ત્યારે ખબર પડશે. આવતા જન્મ ને આધારે ઘડાયેલી આ આખી વિચારધારાથી, આ ચાલુ જન્મના ઘોર પ્રશ્નોની પણ આપણે સાચી સમીક્ષા કરી શક્યા નથી, તેથી પેલા હિંસાવાદીનો તો કદાચ આવતો જન્મ બગડશે પણ આપણો તો આ જન્મ જ ધૂળધાણી થઈ ચૂક્યો છે.”

  “ભારતીય ધર્મોએ અહિંસા ઉપર અત્યંત ભાર મૂક્યો. કેટલાક લોકોએ તો જાણે કે પ્રત્યેક સ્થિતિમાં અહિંસા જ એકમાત્ર આચરવાયોગ્ય ધર્મ હોય તેટલો તેના ઉપર ભાર મૂક્યો. પ્રજાના સતત પરાજયમાં અહિંસાવાદે મહત્વનો ભાગ ભજવ્યો છે.”

  “એકંદરે એમ કહી શકાય કે ઇચ્છાશક્તિનો ક્ષય કરનારું અધ્યાત્મ, વધુ પડતો અહીંસાવાદ અને કર્મફળવાદ- આ ત્રણેયે મળીને પ્રજાની મનોદશા યુધ્ધવિમુખ બનાવી‌‌‌‌‌ દીધી.”

  “બીજી તરફ નકારાત્મક અધ્યાત્મે આ લોક કરતાં પરલોકને સુધારવા ભારે ભાર મૂક્યો, એટલે સૈનિક કે સેનાપતિ થવા કરતાં સાધુ થઈ જવા તરફ વધુ પ્રેરણા મળી, એટલે વિશ્વની કોઈ પ્રજાએ ના પેદા કર્યા હોય તેટલા સાધુઓ ભારતે પેદા કર્યાં.”

  “ભારતની ગુલામીમાં ભારતનાં સમૃધ્ધ મંદિરોનો મોટો હાથ રહ્યો છે, કારણ કે તેમની અરક્ષિત સમૃદ્ધિથી લલચાઈને આક્રાન્તાઓ આવ્યા, રમત-રમતમાં તેમણે મંદિરો લૂટ્યાં, તોડ્યા. કોઈએ કશો ચમત્કાર ના બતાવ્યો. આજે પણ સેંકડો યોગીઓ ચમત્કારની હવા ઊભી કરે છે અને પ્રજા એ જ ગાંડપણ રાખીને તેમના પગ ધોઈ પીવે છે. જાણે કે પ્રજા કશો બોધપાઠ જ લેવા તૈયાર નથી.”

  “ભારતીય ધર્મો નિવૃત્તમાર્ગી હોવાથી સાહસ તથા મહાપ્રવૃત્તિઓની પ્રેરણા નથી આપતા. અવતારવાદ, કર્મફળવાદ, કાળની પ્રબળતા વગેરે અનેક વાદો એક તરફ તેને સાહસ તથા મહાપ્રવૃત્તિ પ્રત્યે હતોત્સાહિત કરે છે, તો બીજી તરફ ભયંકર અત્યાચારો તથા અગવડોને પણ સહી લેવાની પ્રેરણા આપે છે. આ રીતે ધાર્મિક ઘડતરથી ઘડાયેલી પ્રજા નમાલી બને છે. બીજી તરફ ધાર્મિક અભિગમોથી પણ પ્રજા રાજકીય અને શૌર્યની દૃષ્ટિએ ઊતરતી કક્ષાની થઈ જાય છે.”

  Liked by 2 people

  • કિશોરભાઇ, આપે ઊંડો રસ લઈ,શોધી શોધીને આટલું બધું ગુજરાતીમાં ટાઈપ કરીને જે પ્રતિભાવ આપ્યો તે સાચે જ પ્રશંસનીય છે. આ જ રીતે વાંચતા રહેશો અને અમારું બળ વધારતા રહેશો. આપનો દિલથી ખૂબ ખૂબ આભાર..

   Like

 11. બરાબર કિશોરભાઈ, પુસ્તકનું નામ યાદ કરાવવા માટે અને આપે લીધેલી જહેમત માટે ધન્યવાદ. દેવિકા સાથે પૂરેપૂરી સહમત થાઉં છું.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s