પત્ર નં.૨૩.. જૂન ૪ ‘૧૬..

કલમ-૧દર શનિવારે

પ્રિય નીના, 

કેમ છે? ન પૂછું તો પણ જણાઈ આવ્યું કે, તું ખૂબ મઝામાં છે. કારણ કે, આ પત્રમાં એક સાથે તેં ઘણાં બધા વિષયો (સ્ત્રી-સ્વાતંત્ર્ય, સ્ત્રી-પુરુષ સમાનતા, ધર્મ અને સંસ્કૃતિ) છેડ્યા અને વિચારો રજૂ કર્યાં. ગમ્યું, ખૂબ જ ગમ્યું. આ બધી વાતો કોલેજ-કાળમાં ક્યાં થતી હતી? એ સમય અને અવસ્થા જ કંઈક જુદી હોય છે. Each time has its own phase. isn’t it? 

તેં એક વાત ખૂબ જ સરસ લખી કે સમાજ વ્યવસ્થાને માટે અને માત્ર શ્રમવિભાજન કરવા કદાચ એકદમ શરુઆતના હિદુ સમાજમાં જ્ઞાતિ પ્રથા શરુ થઈ હોય તો વિકાસની સાથે સાથે એ વ્યવસ્થામાં ફેરફાર થવા જોઈતા હતા. એ ન થયું એટલે જ કદાચ ધર્મની અવદશા થઈ. બિલકુલ ગળે ઉતરે તેવી વાત છે. જ્ઞાતિના વાડાઓની માયાજાળ ઓછી હોય તેમ હવે તેમાંથી સંપ્રદાયોના વાડાઓ ઉભા કરી દીધા. એ અંગેની તેં જણાવેલી બંને ફિલ્મ અને નાટક પણ જોયા છે. એ ઉપરાંત અમીરખાનનું પી.કે.પણ જોયું છે.એ દરેકમાં  હળવી રીતે એ જ સંદેશ અપાયો છે કે વિશ્વના દરેક ધર્મે એક નવી જ દ્રષ્ટિ કેળવવી અને ખીલવવી પડશે. એટલું જ નહિ એ નવા અભિગમ પ્રમાણે ચાલવું પણ પડશે અને તો જ એક તંદુરસ્ત સમાજનું ઘડતર થશે. એનો વિકાસ થશે.

દલાઈ લામાના શબ્દો “પ્રેમ અને કરુણા એ બે મારા મતે સાચા ધર્મ છે, અને એ બંનેને વિકસાવવા કોઈ ધર્મની જરૂર નથી.” એ શબ્દો કેટલાં સાચા લાગે છે નીના? મને એક વાત એમાં ઉમેરવાનું મન થાય છે કે જાત સાથે જાત્રા થાય તો ઘર આંગણે તીર્થ ઊભા થાય. રુમીનું એક વાક્ય છે ને કે, ”ગઈકાલે હું ચતુર હતો અને વિશ્વને બદલવા માંગતો હતો. આજે હું ચતુર છું અને જાતને બદલી રહ્યો છું!!”

હવે સ્ત્રી સ્વાતંત્ર્ય અને સમાનતાના વિષય પર મારા વિચારો લખું તે પહેલાં એક ખૂબ જૂનો વાર્તાલાપ યાદ આવ્યો. ૧૯૮૬-૮૭ની આ વાત. અમારા એક અમેરિકન પડોશી. નામ મિ.ફ્રેન્ક. જોબમાં સહકાર્યકર પણ હતાં. તેમણે જુવાનીની શરુઆતમાં મીલીટરીમાં કામ કર્યું હતું. એક સાંજે અમે બધા સાથે બેઠા હતા અને તેમણે અમેરિકામાં ૧૯૬૦ સુધીની સ્ત્રીઓની સામાજિક સ્થિતિ વિષે ઘણી બધી વિગતવાર વાતો કરી. તેનો સાર લખું. એમના કહેવા મુજબ પહેલાં તો અહીં છોકરીઓની સ્કૂલ્સ અલગ હતી અને છોકરાઓની અલગ. તેમાં પણ છોકરીઓને ઘૂંટણ ઢંકાય તેવા જ ડ્રેસ પહેરવા પડતા હતાં. તને ખ્યાલ હશે જ કે જૂના બધા મુવી કે અમેરિકન શોમાં હિરોઈન્સ લાંબા ડ્રેસમાં જ જોવા મળતી. સ્ત્રીઓને મતાધિકાર પણ ન હતો. સારી ઉંચી કક્ષાની કોલેજમાં ન જવાય, બેંકમાંથી લોન ન મળે, સારી જોબ ન મળે,વગેરે વગેરે..

આપણને નવાઈ લાગે નીના, કે આટલા બધા સુધરેલા દેશમાં ક્યારેક આવી પણ પ્રથા હતી? હા, મોટામાં મોટું દૂષણ હતું સિગારેટના વ્યસનનું. ગમે તે વ્યક્તિ, છોકરો હોય કે છોકરી, ગમે ત્યાં સિગારેટ ફૂંકી લેતા. પછી જેમ જેમ અન્ય દેશોની પ્રજા ભળતી ગઈ તેમ તેમ ક્રમે ક્રમે, આ બધામાં જાગૃતિ અને પરિવર્તન આવતું ગયું. તેનો ઈતિહાસ તો પ્રચલિત છે. હવે તો સ્વાતંત્ર્યતાને નામે સ્વછંદતા જ જોવા મળે છે. કપડાની બાબતમાં તો ઓછામાં ઓછા વસ્ત્રો આજની ફેશન ગણાય છે! એક માજી હસતાં હસતાં કહેતા હતાં કે કદાચ એટલે જ અહીં ઠંડી વધારે પડતી હશે! મૂઆ, એ બહાને કપડાં તો પહેરે!!

ભારતિયો અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ અંગે ૧૯૬૦ની આસપાસ આવવા માંડ્યાં. ધીરે ધીરે કુટુંબોને બોલાવી સ્થાયી થતા ગયા. લગભગ એ અરસામાં અહીં સ્ત્રી જાગૃતિ સવિશેષ વિકસતી ગઈ. જેની સારી-ખોટી અસરો વધતે ઓછે અંશે, વયને મુતાબિક, આપણા લોકોમાં પડતી ગઈ. એક બાજુ સુશિક્ષિત વર્ગ તો બીજી બાજુ અનુકરણ કરતો વર્ગ ઊભો થયો. સ્ત્રી સમાનતાની પાશ્ચાત્ય વાતોની ખોટી અસર હેઠળ કેટલાં યે કુટુંબોના સુસજ્જ માળા બનતા બગડ્યા અને બનેલાં વિખરાતા ચાલ્યાં..મને તો લાગે છે કે આપણા દેશની મૂળભૂત વ્યવસ્થા ખૂબ આદર્શ હતી જેમાં હકીકતે તો સ્ત્રી સન્માનનો ભાવ પણ હતો જ. ખેર। અપવાદોને બાદ કરતાં, મને લાગે છે કે તું કહે છે તેમ, આ ટોપીક હવેના જમાનામાં અર્થહીન અને અંતહીન છે.

ખરેખર તો એટલું જ સ્વીકારવાનું રહે છે કે સૌ માનવી છે અને દરેકને દરેક વસ્તુ સૂરજના પ્રકાશની જેમ કે શીતલ હવાની જેમ, આકાશમાં પડતા વરસાદની જેમ કે પ્રકૃતિમાંથી મળતા ધનધાન્યની જેમ,બસ, અબાધિત રીતે મળતી રહેવી જોઈએ. જ્યાં અધિકારની વાત આવે છે ત્યાં તો વ્યક્તિએ પોતે અધિકારને યોગ્ય બનવું પડે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ..બરાબર ને?

પત્ર પૂરો કરતા પહેલાં એક મઝાનું મુક્તક લખી દઉં?

મેં નદી પાસે માંગી હતી, નિર્મળતા મળી.
ફૂલ પાસેથી ચાહી હતી, કોમળતા મળી.
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસે
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી ?!!
– યુસુફ બુકવાલા-

ગમ્યું? લખજે.

દેવીની યાદ

Advertisements

11 thoughts on “પત્ર નં.૨૩.. જૂન ૪ ‘૧૬..

 1. દેવિકાબેન આજના તમારા આ પત્રમાં બે વાત તો મને ખુબ જ ગમી ગઈ કે
  -પ્રેમ અને કરુણા એ બે સાચા ધર્મ છે, અને એ બંનેને વિકસાવવા કોઈ ધર્મની જરૂર નથી.”
  – જાત સાથે જાત્રા થાય તો ઘર આંગણે તીર્થ ઊભા થાય.
  અને સૌથી વ્યહવારુ વાત રુમીની
  -”ગઈકાલે હું ચતુર હતો અને વિશ્વને બદલવા માંગતો હતો. આજે હું ચતુર છું અને જાતને બદલી રહ્યો છું!!”

  આ તમામ વાતોમાં સંકળાઇ છે પોતાની જાત.
  સ્વથી શરૂ થતી કોઇપણ સારી શરૂઆતનું પરિણામ પણ શ્રેષ્ઠ જ નિવડે છે ને!

  Liked by 2 people

 2. “વિકાસની સાથે સાથે એ વ્યવસ્થામાં ફેરફાર થવા જોઈતા હતા.”
  “જ્ઞાતિના વાડાઓની માયાજાળ ઓછી હોય તેમ હવે તેમાંથી સંપ્રદાયોના વાડાઓ ઉભા કરી દીધા”
  બન્ને વાતો તદ્દન સાચી છે.
  અને
  “એટલે જ અહીં ઠંડી વધારે પડતી હશે! મૂઆ, એ બહાને કપડાં તો પહેરે!!” હસવું આવી ગયું. કેટલી સાહજિકતાથી કેટલી મહત્વની વાત કહી છે?

  Liked by 1 person

 3. દેવિકાબેન,
  ધર્મ અને સંપ્રદાયના અનુસંધાનમા રુમિનુ વાક્ય અને એનો ઉત્તરાર્ધ મને ખુબ ગમી ગયા. “આજે હું ચતુરછું અને મારી જાતને બદલી રહ્યો છું”
  હું પણ એ જ કરી રહી છું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s