પત્ર નં. ૧૮… એપ્રિલ ૩૦ ૨૦૧૬

કલમ-૨

 

 

 


દર શનિવારે..

 

પ્રિય દેવી,

તેં કહ્યું તેમ મારા લખવામાં અંગ્રેજી શબ્દો વધારે આવે છે એનું કારણ એ છે કે હું અહીં ઈન્ટરપ્રીટરનો જોબ કરતી હોવાથી જે શબ્દો રોજીંદી વાતચીતમાં વપરાતા હોય તે વાપરવાથી, આપણી વાતો દરેક ઉંમરની વ્યક્તિ સુધી પહોંચી શકે એવો મારો પ્રયત્ન રહે છે. તેં મારી ‘કેડી ઝંખે ચરણ’ નવલકથા વાંચી છે અને જો તેં નોંધ્યું હોય તો તેમાં ગુજરાતી શબ્દો વધારે વાપર્યા છે અને ત્યારે અમુક વાચકોનો પ્રતિભાવ એવો હતો કે પરદેશમાં રહેતાં ભારતિયો માટે બને ત્યાં સુધી અમુક શબ્દો અંગ્રેજી વાપરો તો સારું.

આ વાત કરતાં કરતાં આદરણીય રમણભાઈ નીલકંઠની ભદ્રંભદ્રયાદ આવી ગઈ, યાર! ચાલ ત્યારે હવે એમનો એક પ્રચલિત સંવાદ લખ્યા વગર કેમ રહેવાય?

બારીમાં ખભા સુધી ડોકું ઘાલી ભદ્રંભદ્રે કહ્યું, ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.

ટિકિટ માસ્તર પારસી હતો, તેણે કહ્યું, ‘શું બકેચ? આય તો તીકીત ઓફીસ છે.

ભદ્રંભદ્રે ઉત્તર દીધો,’ યવન! તેથી હું અજ્ઞ નથી. મારે મોહમયીની બે મૂલ્ય પત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.

ટિકિટ ઑફીસમાં એક હિંદુ હતો તેણે કહ્યું, ‘સોરાબજી, એને ગ્રાંટરોડની બે ટિકિટ આપો.

ટિકિટ આપતાં સોરાબજી બોલ્યો કે, ‘ સાલો કંઈ મેદ થયેલોચ. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.

 જોયું?  આવું ‘ભદ્રંભદ્રીય’ શુધ્ધ ગુજરાતી વાંચીને હસી જ લીધું હશે અને આપણો કોલેજકાળ યાદ આવ્યો હશે  એ પણ નક્કી…

તારી યુ.એસ.ની કેળવણીની પધ્ધતિ અને તેનાથી એશીયનોને(અથવા પર-દેશીઓને) મળતાં લાભ સાથે ૧૦૦% સહમત થાઉં છું. પરંતુ એને હું ફ્રી નથી કહેતી કારણ આપણે ભરતાં કરવેરા (ટેક્ષ) માંથી જ એ સુવિધાઓ ઉપલબ્ધ થતી હોય છે. હા, એનો લાભ બધાંને સરખો મળે છે પછી એ ટેક્ષ ભરતાં હોય કે નહીં પરંતુ બાળકો કેળવણીથી વંચિત રહેતાં નથી એ અગત્યનું છે. જ્યારે ભારતમાં ડોનેશનને નામે ખુલ્લમખુલ્લા થતો ભ્રષ્ટાચાર, ‘સરકારી સ્કુલોમાં માત્ર ગરીબ લોકો જ જાય’-એ માનસિકતા, કીન્ડરગાર્ડનથી ટ્યુશન આપતાં શિક્ષકો અને અપાવનારા માતા-પિતાઓએ ભણતરને બોજ બનાવી નાંખ્યુ છે.

જ્યારે અહીંની પધ્ધતિ બીજા છેડાની છે. બાળકને પ્રાયમરી સ્કુલના ૪થા સ્ટાન્ડર્ડ સુધી હોમવર્ક જેવું ખાસ હોતું જ નથી. બાળકને બાળપણ માણવાનો સમય મળે છે. અને સાથે સાથે તેં કહ્યું તેમ માનસિક વિકાસ, દરેકની અંદર રહેલી કુશળતાને મળતી તકો અને પ્રોત્સાહન મળવાથી બાળક કોળી ઉઠે છે. અને એ બધી જ વ્યવસ્થા સમાન સ્તરે મળે છે.

માત્ર અહીં ઈંગ્લેંડમાં ફેર એ છે કે, પબ્લિક સ્કુલએટલે પ્રાયવેટ સ્કુલજેમાં ફી આપીને જવાનું હોય અને સ્ટેઈટ સ્કુલ-જેને પબ્લિક સ્કુલ કહેવામાં આવે છે- તેમાં ફી આપવાની હોતી નથી.(આમતો ટેક્ષમાં એનો સમાવેશ કરી જ લેવામાં આવે છે). તને આશ્ચર્ય થશે કે મોટા ભાગની આ પ્રાયવેટ સ્કુલોમાં જવાવાળા બાળકો ધનાઢ્ય પરિવારમાંથી જ આવે છે અને તેમાં ૬૦ થી ૭૦% એશીયનોના બાળકો હોય છે. એની એન્યુઅલ ફી ૧૦,૦૦૦ પાઉંડ થી શરુ કરી ૧૪,૦૦૦ પાઉંડ સેકંડરી સ્કુલની ફી હોય છે.

તું હવે સ્કુલમાં કામ કરે છે એટલે તારું વલણ અત્યારે વધારે સ્કુલ તરફનું, જ્યારે મેં સામાજીક કાર્યકર તરીકે, યુથ વર્કર તરીકે અને મેડિકલ ફિલ્ડમાં-ખાસ કરીને કાર્ડિયાક રીહેબોલિટેશન અને ડાયાબિટિશના અવેરનેસ એજ્યુકેટર તરીકે કામ કર્યું હોવાથી આપણને વાતો કરવાનાં વિષયોની કમી ક્યારેય આવશે નહીં.

તું ગેસ-લીકીંગને કારણે થતી આગની મોટી હોનારતમાંથી બચી ગઈ એ અગત્યની વાત અને એને માટે ઈશ્વરનો આભાર માની લઉં.

હા, સવલતો ખૂબ જ સહેલાઈથી અને ખૂબ ઝડપથી મળે છે એ નક્કી. એના કારણોમાં મને એમ લાગે છે કે હાયર ટેક્ષ સિસ્ટમ, પ્રમાણમાં ઓછી થતી ટેક્ષચોરીઓ, કામની સિસ્ટમેટિક વહેંચણી અને લીધેલી જવાબદારી પ્રત્યેની પ્રામાણિકતા મહદ્‍ અંશે ભાગ ભજવે છે. પરંતુ એ પણ ભૂલવું જોઈએ નહી કે આખી સમાજ રચના જ ભિન્ન છે. સામાજીક અને વ્યવહારિક રીત-રિવાજો, ન-કામના ખર્ચ વિગેરેને પહોંચી વળવા માટે યેન-કેન પ્રકારે ઉભી કરવી પડતી આર્થિક ગોઠવણ અને એને લીધે લાંચ-રુશ્વત લેવાની શરુઆત…….. આમ વધતી જતી એક તૂટે નહી એવી સાંકળ છે. જોકે હવે ભારતમાં ખાસ કરીને નવી પેઢીમાં દેખાતાં સર્જનાત્મક ફેરફાર અશાસ્પદ છે.

હવે કવિ શ્રી સુરેશભાઈ દલાલની એક મૈત્રી વિશેની કવિતા લખી વિરમું ને?

તું વૃક્ષનો છાંયો છેનદીનું જળ છે.ઊઘડતા આકાશનો ઉજાસ છે:
                                         તું મૈત્રી છે.
તું થાક્યાનો વિસામો છેરઝળપાટનો આનંદ છે,તું પ્રવાસ છેસહવાસ છે:
                                         તું મૈત્રી છે.
તું એકની એક વાત છેદિવસ ને રાત છે, કાયમી સંગાથ છે:
                                         તું મૈત્રી છે.
હું થાકું ત્યારે તારી પાસે આવું છું, હું છલકાઉં ત્યારે તને ગાઉં છું,હું તને ચાહું છું :
                                        તું મૈત્રી છે.
તું વિરહમાં પત્ર છેમિલનમાં છત્ર છે, બસ,તું અહીં અને સર્વત્ર છે:
                                         તું મૈત્રી છે.
તું બુદ્ધનું સ્મિત છેતું મીરાનું ગીત છે, તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
                                         તું મૈત્રી છે.
તું સ્થળમાં છેતું પળમાં છે; તું સકળમાં છે અને તું અકળ છે:
                                         તું મૈત્રી છે.

– સુરેશ દલાલ 

વધુ આવતા પત્રમાં..

નીનાની સ્નેહયાદ.

8 thoughts on “પત્ર નં. ૧૮… એપ્રિલ ૩૦ ૨૦૧૬

  1. શિક્ષણમાં રસ હોવાના સબબે બહુ જ ગમ્યો.
    યુ.એસ. / યુ.કે. ને ‘દેશ’માં ભોગવાદી ગણીને ઊતારી પાડવામાં આવે છે, પણ અહીં શિક્ષણ અને લાયબ્રેરી માટે જે પ્રમાણમાં મ્યુનિ. ટેક્સની રકમ વપરાય છે – એવું આપણે ત્યાં કેમ નથી થતું – એ સમસ્યા હમ્મેશ રહી છે.

    Liked by 1 person

  2. “સવલતો ખૂબ જ સહેલાઈથી અને ખૂબ ઝડપથી મળે છે એ નક્કી. એના કારણોમાં મને એમ લાગે છે કે હાયર ટેક્ષ સિસ્ટમ, પ્રમાણમાં ઓછી થતી ટેક્ષચોરીઓ”
    આ વાત તો સાચી છે, પણ કાગડા બધે કાળા એમ અહીં પણ પૈસા પડાવવાના અવનવા ઉપાય તો થતા જ રહે છે.
    સુરેશ્ભાઈની કવિતા ખુબ ગમી.

    Liked by 2 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s