પત્ર નં- ૧૭. એપ્રિલ ૨૩,૨૦૧૬

કલમ-૧

 

 

 

પ્રિય નીના,

 

ઈસ્ત્રીવાળા જોક પર એકલી એકલી ખૂબ હસી. કારણ કે, તારા પત્રની ઈમેઈલની જાણ કરતી  ડીંગ-રીંગ ફોનમાં સંભળાઈ ત્યારે હું ઈસ્ત્રી જ કરતી હતી ! સારું થયું કે, પેલાં જોકની જેમ ‘જડબે હાથ’ જેવી મારી તસ્વીર ન થઈ !!

 

નીના, તેં ૪૭ વર્ષ યુકે.માં વીતાવ્યાં એ તારા પત્રોમાં દેખાઈ આવે છે. કેવી રીતે ખબર છે ? તને ખ્યાલ પણ નહિ હોય તેમ ખૂબ સ્વાભાવિકપણે તારા લખાણોમાં અંગ્રેજી શબ્દો  વધુ આવતા રહેતા હોય છે !! જો કે, અગાઉ મેં કહ્યું હતું તેમ આપણે તો દરેક ભાષાનો આદર કરીએ છીએ તેથી કોઈ સવાલ જ નથી અને આમે હવે વ્યવહાર જગતમાં અનેક રીતે વિશ્વ નાનું થતું ગયું છે ને? એ જુદી વાત છે કે સાંકડું પણ થયું છે !!!! કઈ રીતે? લે,આ વળી એક નવો વિચાર આપ્યો!! 

નવા વિચારને આવતા પત્ર માટે ‘રિઝર્વ’રા ખીને આપણો ચાલુ મુદ્દો આગળ વધારુ. મેડિકલ,ટેક્સ અને વીમાની વાતો તો બહુ જ છે અને ઘણી ગૂંચવણ ભરેલી છે.ખરેખર તો એ અંગે હવે અમેરિકા વિષે ન જાણીએ તો સારું એમ લાગે છે. એ વિષયોમાં જ અહીંની પ્રજા ગોળ ગોળ ઘૂમે છે. તું નહિ માને નીના, કે કશું ન કરે એને એટલે કે ૦ આવકવાળાને ઘણું બધું મળે અને મહેનત કરનારની કમાણી ટેક્સ, મેડિકલ અને વીમામાં જ ખર્ચાઈ જાય!! સાવ જ વિચિત્ર પ્રથા છે. એ માટે તો યુકે. ને સલામ. 

અમેરિકાની ઝાંખી આપતી “આ નગર જુઓ” ની  ગઝલની એક પંક્તિમાં મેં લખ્યું છે કે,
“દાણ-વીમાને પથારે કાંપતું નગર જુઓ. માનવીને યંત્ર માંહે શારતું નગર જુઓ”.

 

મને વધારે રસ છે અહીંની શિક્ષણની વાતો કહેવામાં. કારણ કે બીજાં બધા પ્રશ્નોના ઉકેલ કે ગૂંચ લગભગ વ્યક્તિગત જેવાં થઈ ગયાં છે. જ્યારે શિક્ષણ ભવિષ્યને ઘડે છે અને સૌને એકસરખી  રીતે લાગુ પડે છે.

 અહીં મોટામાં મોટી વાત તો એ કે હાઈસ્કૂલ સુધીનું ભણતર  પબ્લીક સ્કૂલ્સમાં તદ્દન ફ્રી હોય છે અને તે સ્કૂલ્સ સારી પણ હોય છે. નિયમો એટલાં કડક હોય છે કે શિક્ષકોને કામનો બોજો ખરો પણ વિદ્યાર્થીઓને સવલતો વધુ. જો કે, પ્રાથમિક ધોરણે આપણા દેશની આંક વગેરેની પધ્ધતિ વધારે સારી. કદાચ એટલે જ આપણે ત્યાંથી પાયાનું શિક્ષણ લઈને આવેલાં બાળકો વધુ તેજસ્વી નીવડે છે અને દરેકની મહેનતની કદર થાય છે અને વળતર  પણ મળી રહે છે. પણ હું જે કહેવા માંગુ છું તે એ કે, તમામ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા મુજબ આગળ લાવવાની વિવિધ રીતો  યુકેની જેમ જ અહીં અપનાવવામાં આવે છે. પરિણામે દરેક લેવલની વ્યક્તિઓને પ્રગતિનું એક વધુ સોપાન મળી રહે છે. એક તો અહીં પંચરંગી પ્રજા છે. એટલે દરેક દેશમાંથી આવેલ જુદી જુદી માટીના મૂળિયાઓને આ ભૂમિની આબોહવામાં ખીલવવાના હોય છે. કામ કપરું છે પણ જબરી કુનેહથી કરવામાં આવે છે. એક જ દાખલો આપું .આપણા દેશમાંથી કે કોઈપણ બીજા દેશમાંથી પોતાની માતૃભાષા ભણીને આવેલા છોકરાઓ જોતજોતામાં તો અંગ્રેજી સ્કૂલ્સમાં દૂધમાં સાકરની જેમ ભળી જતાં હોય છે.એટલું જ નહિ,પોતાને યોગ્ય વિષય પકડી આગળ વધે છે, સ્વતંત્ર રીતે વિચારતા થાય છે અને વિકાસ સાધે છે. અહીં એ અંગે મોટા મોટા ડોનેશન, ટ્યુશન કે લાગવગ વગેરે નથી હોતાં. એટલે કે, જીવનની ખૂબ જ જરૂરી વસ્તુઓમાં કશી યે ઝાઝી તકલીફ વગર  સૌને એકસરખી સહાય મળી રહે તેવી વ્યવસ્થા હોય છે.

છેલ્લું વાક્ય લખતા લખતા તાજેતરમાં બનેલ એક બનાવ કહેવાનું મન થયું.  એ વિશે લખું તે પહેલાં નીના, એક વાત સ્પષ્ટ કરું કે હું અમેરિકાથી પ્રભાવિત થઈ ગઈ છું તેવું નથી. તું કહે છે તેમ અંતરને તળિયે મૂળિયાની માટીની સુગંધ તો અકબંધ જ છે. ‘મા’નું  replacement  હોય જ નહિ છતાં  જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ છાંટવું ગમે જ. 

હા, તો હું એમ કહેતી હતી કે ગઈ કાલે મારા બેકયાર્ડમાં માળી કામ કરતો હતો. ત્યાં તેને અચાનક ગેસની સખત દુર્ગંઘ આવતી જણાઈ. તપાસ કરતાં ખબર પડી કે બહારની ગેસની પાઈપમાં તિરાડ પડી છે અને ત્યાંથી ગેસ નીકળી રહ્યો છે. એણે દોડતા આવીને મારા બારણે જોરજોરથી ઘંટડીઓ દબાવી. રસોઈ કરતી મેં પણ ગભરાટમાં દોડીને “શું થયું “,શું થયું’ પૂછતા પૂછતા બારણું ખોલ્યું. એણે જલ્દી જલ્દી વાત કરી ઈમરજન્સીને ફોન જોડ્યો. મેં રસોઈના ચાલુ ગેસના સ્ટવને એકદમ  બંધ કરી,ફોન અને કારની ચાવી લઈ ઘરની બહાર નીકળી ગઈ,ગેસ કંપનીના માણસોને ફોન કરી બોલાવ્યા. તું નહિ માને નીના, ૨-૫ મિનિટમાં તો પોલીસો,ફાયર ટ્રક અને ગેસ કંપનીના માણસો બધા આવીને કામે લાગી ગયાં અને તે જ સમયે જૂની ગેસ-પાઈપ કાઢી નાંખી, નવી પાઈપ લગાવી દીધી. વિચાર કર કે કેટલી મોટી  શક્ય હોનારતમાંથી હું બચી ગઈ..! ( તે સમયે ઘરમાં હું એકલી જ હતી.) કહેવાનું તાત્પર્ય એ જ કે, ખૂબ જરૂરી સવલતો અહીં સહેલાઈથી, તરત જ અને સમયસર મળી જાય છે!!

છેલ્લે, તું લખે છે કે, “હવે કદાચ અનુભવો, ઉંમર કે પછી જમાનાની થપાટો ખાઈ ખાઈને સ્પંદનહીન બની ગયેલું મન! …અરે યાર..એના જવાબમાં હું તો કહીશ કે, ના, ના.. જે આ વિચાર  આવે છે ને, તે જ સાબિત કરે છે કે,આપણું મન હજી સ્પંદન અનુભવે છે !! સંવેદનશીલ મનને જ આ વિચાર ઉદભવે..સમજણ  સ્ફૂરે..બાકી તો કોને પડી  હોય? who cares ?!!!  હં…

ચાલ, આજે તો પત્ર લાંબો થઈ ગયો એટલે અહીં જ અટકું છું. માનીતા કવિઓની વાતોનો માનીતો વિષય આવતા પત્રમાં !!

 દેવીની યાદ.
 એપ્રિલ ૨૩,૨૦૧૬

 

 

16 thoughts on “પત્ર નં- ૧૭. એપ્રિલ ૨૩,૨૦૧૬

  1. જે સરવીસ 2.5 મિનિટમાં ત્યાં મળી તેવું જો આ દેશમાં થયું હોત તો 2-3 દિવસ સુધી પણ ના મળી હોત. જો આગા લાગી હોત તો પણ ફાયર બ્રીગેડ.પોલીસ અને એમ્બ્યુલંસ વગેરે રેસ્કુયુ ફોર્સ આવાત પણ અર્ધો દિવસ ચોક્કસ નિકળી ગયો હોત !

    Liked by 1 person

  2. સરસ વાતો લાવ્યા એમ કહીશ તો કદાચ એમ લાગશે કે નવું શું કહ્યું? પણ આ જનો પત્ર સમતોલ લાગ્યો. હા જેમ સગવડો છે તેમ દુષણો પણ છે..ડ્રગ અને ગન પણ સ્કુલોમાં છે ગેંગ અને રેપ પણ એટલા જ છે જો કે સરખામણી અસ્થાને છે

    Liked by 1 person

  3. અમેરિકા વિષે ન જાણીએ તો સારું એમ લાગે છે. એ વિષયોમાં જ અહીંની પ્રજા ગોળ ગોળ ઘૂમે છે. તું નહિ માને નીના, કે કશું ન કરે એને એટલે કે ૦ આવકવાળાને ઘણું બધું મળે અને મહેનત કરનારની કમાણી ટેક્સ, મેડિકલ અને વીમામાં જ ખર્ચાઈ જાય!! સાવ જ વિચિત્ર પ્રથા છે.

    very true. The unbelievable socialism in the capitalist country, whatever it may be, but
    amongst others, parents of young Indian Americans are most beneficiaries of this system.

    Liked by 1 person

  4. અમેરિકા વિષે Factual અને Accurate માહિતી આપતા તમારા લખાણ અમેરિકા આવવા ઈચ્છતા અને તાજેતરમાં આવેલા લોકોને ખૂબ જ ઉપયોગી થાય એવા છે. લેખમાળાના અંતે આવી માહિતી અલગ તારવી એક નાની પુસ્તિકા બનાવી શકાય. દેવિકાબહેન તમારી સાહિત્યસર્જનની આ બાજુ આનંદ સાથે ઉપયોગી પણ છે.

    Liked by 1 person

  5. ‘મા’નું replacement હોય જ નહિ છતાં જ્યાં, જે, જેટલું સારું અનુભવાય છે તે સંદેશરૂપે “ગમતાના ગુલાલ’ની જેમ છાંટવું ગમે જ.
    સરસ વાત કહી. જ્યાં જનમ્યા અને ઉછર્યા એ મૂળિયા તો મન સાથે સંકળાયેલા રહેવાના જ છે અને એ માટીની સુગંધ તો હ્રદયમાં હંમેશા ફોર્યા જ કરવાની છે પરંતુ મુક્ત મને જે સાચું અને સારું છે એને સ્વીકારતા રહીએ તો સુખી રહેવાય.

    અમેરિકામાં જે સુપર ફાસ્ટ સર્વીસ છે એનો અમને પણ ખરેખર સરસ અનુભવ થતો છે. એક વાર ગેસ સ્ટેશને ગેસ લેવા ઉભા હતા અને ગેસની ટેંકમાં કોઇ લિકેજના લીધે બધો ગેસ નિકળવા માંડ્યો. ગેસ સ્ટેશનના માલિકે તરત ૯૧૧ પર ફોન કર્યો કારણકે ગેસ સ્ટેશન એ તો સૌથી જોખમી જગ્યા. જો કોઇપણ શરતચૂક થઈ અને આગ લાગે તો તો એ હોનારતની તો કલ્પના જ ભયંકર છે. પાંચ જ મિનિટમાં ફાયર બ્રિગેડ, પોલિસ અને એમ્બ્યુલન્સ હાજર. અત્યંત સાવચેતીથી અમારી ગાડી એમણે સાઇડ પર લેવડાવી અને ગેસ લિક થયા કર્યો ત્યાં સુધી બીજી ગાડી ન આવે એની તકેદારી રાખીને અમારી ગાડી નીચે ગેસ લિકેજ પર રેતીના ઢગલા કરતા ગયા. અંતે બધો જ ગેસ નિકળી ગયા પછી પણ થોડો સમય પણ તેઓ હાજર રહ્યા અને કાર ડીલર અમારી કાર ટૉ કરીને લઈ ગયા ત્યામ સુધી સાવચેતી લેવડાવી.

    Liked by 1 person

  6. kavi mathi lekhika kyare thai gaya te khabar j na padisaras  Vilas M Bhonde Soham , 109/110 B , Shrenik park society, opp. Akota stadium, Productivity road, Vadodara 390020 Tel 0265 2356538 M 9979080711 visit my blog–http://vmbhonde.wordpress.com/ Link for purchase of my book અહમ થી સોહમ સુધી Aham thi Soham Sudhi CreateSpace eStore: https://www.createspace.com/4247162 or http://www.amazon.com/s/ref=nb_sb_noss?url=search-alias%3Daps&field-keywords=vilas+bhonde http://www.bookganga.com/eBooks/Books?BookSearchTags=Vilas+Bhonde&BookType=1

    Liked by 1 person

  7. આપણું મન હજી સ્પંદન અનુભવે છે, સંવેદનશીલ મનને જ આ વિચાર ઉદભવે, સમજણ સ્ફુરે.
    દેવિકાબેન આપે બહુજ સુંદર વાત કરી છે. મનમાં રહેલ ભાવોને કારણ તો મોટી અગત્યની વાત સહજ રીતે દર્શાવી છે.
    excellent !

    Liked by 1 person

  8. “દાણ-વીમાને પથારે કાંપતું નગર જુઓ. માનવીને યંત્ર માંહે શારતું નગર જુઓ”.

    પ્રિય સખીને લખેલ પત્રના માધ્યમથી અમેરિકાની ઘણી જાણવા જેવી માહિતી જણાવી એ પત્ર વાચનાર વાચકને પણ ઉપયોગી જ્ઞાન આપે છે. એક બીજાના દેશ વિષે આવું આદાન પ્રદાન પત્રના શબ્દોમાં સરસ ઝીલાયું છે.

    Liked by 1 person

  9. અમેરિકામાં મળતી સગવડતાની તો વાત જ ન્યારી છે. તમે કહ્યું છે તેમ ૦ કમાણીવાળાને બધી સગવડતા અને ૨૪કલાકમાંથી ૧૬ કલાક કામ કરવાવાળા દાખલા તરીકે ડો ,વકીલ ….વગેરે પ્રોફેસનલનો લગભગ અડધી આવક ટેક્ષ વીમામાં જતી રહે, આ પ્રથા પાછળ પણ કોઇ હેતુ જરૂર હશે એવું મારું માનવું છે .બાકી પ્રથાનો ગેરલાભ ઊઠાવવા(એબ્યુઝ) કરવાવાળા ઘણા હોય છે!!સાચુ?…

    Liked by 1 person

  10. “૦ આવકવાળાને ઘણું બધું મળે અને મહેનત કરનારની કમાણી ટેક્સ, મેડિકલ અને વીમામાં જ ખર્ચાઈ જાય!! સાવ જ વિચિત્ર પ્રથા છે. ”
    તદ્દન સત્ય …પણ આવી અનેક અસમાનતાઓ વચ્ચે પણ મૂલ્યવાન શિક્ષણ અને ઉત્કૃષ્ટ આરોગ્ય વિષયક સેવાઓ જેવીતો અનેક બાબતો વિશ્વનિવાસીઓ માટે સદાય આકર્ષણ બની રહી છે અને એટલેતો પોતાની માટીમાંથી મૂળસોતાં વિખૂટાં થઇ અને અહીં આ ધરતી સાથે કાયમી અનુસંધાન સ્થાપવા આતુર રહે છે.. વિશ્વની ચારે કોરથી માનવપ્રવાહ કુટીલ નીતિરીતી અપનાવીને પણ એક ધારી ગતીએ ધસી આવે છે.
    સાંપ્રત કોમ્યુનિકેશનનાં સંસાધનોનાં વિસ્ફોટ વચ્ચે અને પ્રત્યાયનની તીવ્ર ગતીનો મોહ રાખવાને બદલે આપે પરમ્પરાગત પદ્ધતિ એવી પત્ર લેખનની સંવાદી શૈલીએ વૈચારિક આદાનપ્રદાન માટે પસંદ કર્યું છે તે વાચક માટે ખરેખર ખૂબ રસપ્રદ બને છે.

    Liked by 2 people

  11. દરેક દેશની સારી નરસી વાતો હોય જ છે. હું અહીંયા શિક્ષણ ક્ષેત્રમા કામ કરૂં છું એટલે ભારતથી આવતા બાળકોની તેજસ્વિતા જોઈ શકું છુ, પણ સાથે સાથે બાળકો અને તેમા પણ માનસિક વિકલાંગ બાળકોને મળતી સગવડ કદાચ બીજે આટલી સારી નહિ હોય તે પણ જાણુ છું.
    વગર મહેનતે સરકાર પાસે પૈસા કેમ પડાવવા ખાસ કરી બાળકોને નામે એમા પણ આ લોકો પાવરધા જ છે., બાકી સામાન્ય સગવડો અને સરકારી કામકાજ માટે પૈસા નથી ખવડાવવા પડતા અને એ બધી સગવડ એક ફોન કરવાથી તાત્કાલિક મળે એ સાવ સાચી વાત.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s