પત્રશ્રેણી—૯- ફેબ્રુ. ૨૭,૨૦૧૬

કલમ-૧

 

 

શનિવારની સવાર….

પત્રશ્રેણી—૯-  

નીના,

પત્ર વાંચ્યો.  પ્રેમથી પેટ ભરીને  કરેલી પ્રેમની વાતો અને તારા વિચારો વાંચવાની મઝા આવી. જોતજોતામાં ફેબ્રુ. મહિનાનો end આવી ગયો. આપણા ગુજરાતી મહિનાઓ પ્રમાણે એટલે કે તિથિ પ્રમાણે, આ વર્ષે ભલે વસંતપંચમી વહેલી આવી ગઈ. પણ ખરી વસંતૠતુ તો માર્ચથી જ શરુ થાય ને? અહીં તો માર્ચની ૨૧મી થી જુનની ૨૦મી સુધી  spring ગણાય. વસંત માટે તો  કંઈ કેટલાં યે ગીતો લખાયાં છે. મેં પણ વાસંતી વાયરા અને ફાગણના કામણ અંગે પદ્યરચનાઓ કરી છે. પણ આજે તો મારે એક બીજી જ, સાવ જુદી, કંઈક નવી વાત કરવી છે.

૧૯૮૨ની એ સાલ હતી. હાડ ગાળી નાંખે તેવી ઠંડીના દિવસો પૂરા થઈને વસંતૠતુ ઉઘડી રહી હતી. સૂકા ઝાડની ડાળીઓ પર, લીલી થઈને ઝીણી ઝીણી કળીઓ ફૂટવા માંડેલી. એકાદ સ્વેટરથી ચાલી જાય એવી હળવી, ગુલાબી ઠંડી હતી. અહીંની અમેરિકી પ્રજાની જેમ અમે પણ વીકેન્ડમાં ભારતથી આવેલ માત-પિતા (સાસુ-સસરા)ને લઈને ફરવા નીકળી પડ્યા હતાં. અગાઉથી નક્કી કર્યા મુજબ ન્યૂજર્સીથી કારમાં વોશિંગટન ડી.સી. પહોંચી જઈ હોટેલમાં ગોઠવાઈ ગયાં. બીજા દિવસે, ખૂબ વહેલી સવારે અમેરિકાના પ્રેસિડેન્ટનું વ્હાઈટ હાઉસ જોવા લાઈનમાં ઉભા રહી ગયાં. વહેલાં પહોંચી ગયા હોવા છતાં પણ લાઈનમાં અમે ઘણાં પાછળ હતાં. બધાં જ વ્યવસ્થિત રીતે હારમાં ઊભેલા હતાં. ક્યાંયે કશી ધક્કામુક્કી કે ઘોંઘાટ ન હતો.બધા પોતાનો નંબર ક્યારે આવે તેની રાહ જોતા ઊભા હતા.

અચાનક મોટેથી બાએ ‘હટ..હટ.હટ  ‘ કરીને પોતાની સાડીને પાછળ પગ પાસેથી સરખી કરવા માંડી. સૌની નજર એ તરફ ગઈ. એક્દમ લોકોનાં હાસ્યનું મોજું ફરી વળ્યું. જોયું તો કમરે પટ્ટો બાંધેલું એક ભાખોડિયા ભરતું બાળક, સાડી સાથે રમી રહ્યું હતું!! બ્રાઉન કલરનું પાતળું જેકેટ પહેરેલ કશુંક ફરતું જોઈને પહેલી નજરે તો એમ જ લાગે કે એ કુરકુરિયું હશે ! એના પટ્ટાનો બીજો છેડો, દૂર ઊભેલી તેની માના હાથ સાથે બાંધેલો હતો !  બા હજી યે હટ..હટ. કરી રહ્યા હતાં અને લોકો ખડખડ હસતાં હતાં.તેમણે જ્યારે જાણ્યું ત્યારે કહેઃ મેર, મૂઆ!
એટલામાં તો માંડ ચાલતા થયેલા બીજાં ત્રણેક બાળકો લાઈનની બહાર આવીને તેને રમાડવા માંડ્યા. એમાં એક હતું ચાઈનીઝ બાળક, બીજું અમેરિકન અને ત્રીજું મુસ્લિમ બાળક. કોઈ કોઈની ભાષા જાણતું ન હતું. અરે, બરાબર બોલતા પણ ક્યાં આવડતું હતું? છતાં ખુબ સરસ રીતે ત્રણે જણ એકમેક સાથે ભળી ગયાં હતાં. દસ પંદર મિનિટ પછી પેલાં પટ્ટો બાંધેલ બાળકની મા આવી, બાને વિનયપૂર્વક અને દિલગીરી સાથે ‘સોરી’ કહ્યું અને  બાળકને ઉંચકીને તેની સાથે વાતો કરવા લાગીઃ
o lulu…my Baby, are you excited for this lovely Spring? Me too. We are going to have fun. right? Look at you! You already got friends ! Wow…my hero ! વગેરે..વગેરે..એમ કરતા કરતા અમારો નંબર આવી ગયો અને અમે અમેરિકાનું વ્હાઈટ હાઉસ, કેપીટલ બીલ્ડીંગ,લિંકન મોનુમેન્ટ વગેરે જોઈ  રવિવારે પાછા ફર્યાં.

આ આખો યે પ્રસંગ કહેવાનું કારણ એ કે એમાંથી અહીંની કેટકેટલી નવીનતા જાણવાની મળી? માર્શલ પ્રોસ્ટ નામના એક લેખકે લખ્યું છે તેમ સાચો આનંદ નવા દ્રશ્યો જોવામાં નહીં, પણ એ જ દ્રશ્યને નવા દ્રષ્ટિબિંદુથી જોવામાં છે. સૌથી પહેલાં તો શાંતિપૂર્વક લાઈનમાં ઊભા રહેવાની અહીંની શિસ્ત મને ગમી ગઈ. બીજું, થોડીક બાળક વિશેની અસલામતી વર્તાઈ. કૂતરાની જેમ નાનાં બચ્ચાંઓને બાંધી રાખવા પડે એ કેવી કરુણતા!  સાથે સાથે અન્ય કશાંકમાં વ્યસ્ત રહેતી માતાની મનોદશા પણ અછતી ન રહી. તો ત્રણ પરદેશી અબૂધ બાળકોની એકસાથે રમવાની મઝા આનંદ આપી ગઈ. ન વાણીનો વિખવાદ, ન રંગભેદ કે ન અહંનો પહાડ.. નરી નિર્દોષતા, નિર્વ્યાજ આનંદ.. આ બધું મોટાં થતા થતામાં કેવી રીતે અદ્રશ્ય થઈ જતું હશે? એના ઉપર કેવાં અને કયા થર જામતાં જાય છે જે પ્રગતિના અવરોધક બની, આગળ જતા આખા વિશ્વમાં અશાંતિ ફેલાવી દે છે? આ એક સનાતન સળગતો પ્રશ્ન છે. ટાગોરે કહેલાં શબ્દો “દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી”કેમ નથી પળાતા? ક્યાં શું ખામી છે ?

આ ઉપરાંત બીજું મેં જોયું કે અહીં સ્પ્રીંગ ૠતુનો ખુબ મહિમા છે. વર્ષ દરમિયાન ઠંડીને કારણે ઘરમાં જ પૂરાઈ રહેલાં બાળકો માટે હવામાનનું બદલાવું એક ઉત્સવરૂપ બની જાય છે. સદ્ભાગ્યે ગુજરાત એ રીતે સમૃધ્ધ છે. ગમે તે દિવસે આરામથી ઘરની બહાર નીકળી શકાય છે. ન બરફની ચિંતા કે ન લોહી થીજાવી દેનારી કાતિલ ઠંડીનો ડર. શેરીઓમાં કે સોસાયટીઓમાં રમતાં બાળકોને પટ્ટા નથી બાંધવા પડતા.હા, અનુકરણીય છે તે અહીંની શિસ્ત; જેના વિશે મેં પછીથી કવિતા પણ લખી! ફરી કોઈ વાર લખી જણાવીશ.

છેલ્લે બહુ મોટેથી ‘હટ, હટ’દ્વારા બાએ ઊભી કરેલી રમૂજ હજી આજે પણ યાદ કરીને ખડખડાટ હસાવે છે. બા તો હયાત નથી. પણ એમની એવી ઘણી યાદો અકબંધ છે, તાજી છે અને નવી પેઢીને એમની સ્મૃતિઓ, વાર્તાઓ રૂપે કહેવા માટે ખપ લાગે છે.

મને ખાત્રી છે તને પણ આવા અનુભવો થયા જ હશે. ચોક્કસ લખજે. રાહ જોઈશ.

દેવી.
ફેબ્રુ.૨૭

 

 

 

Advertisements

12 thoughts on “પત્રશ્રેણી—૯- ફેબ્રુ. ૨૭,૨૦૧૬

 1. દેવિકાબેન, હવે તો ઘણાંબધાં સાહિત્યરસિકો આપના અને નીનાબેનના પત્રોની રાહ જોતા હોય છે. ઘણાંલેખકોએ અમેરિકાની મુલાકાત લઈને, પ્રવાસવર્ણનો લખ્યા છે તેમાં,તમારા આ સંસ્મરણોરૂપે લખાયેલા અનુભવો નવી ભાત પાડે છે. ભવિષે, એક આખા પુસ્તક સ્વરૂપે આ પત્રશ્રેણી અમારા હાથમાં આવે અને ક્યારેક હિંચકા પર તકિયાને અઢેલીને, ઝુલતાં ઝુલતાં વાંચીએ એવી કલ્પના મને રોમાંચિત કરી જાય છે.
  લખતા રહો..ખુબ લખતા રહો.. ગુજરાતી સાહિત્યને એક નવી તારલીની ભેટ મળી છે.
  નવીન બેન્કર ( હ્યુસ્ટન)

  Like

 2. સરસ શ્રેણી છે.
  તમને ખબર નહીં હોય પણ ૧૯૬૯–૭૦માં મેં ગુજરાત સમાચારના શ્રી સામયીકમાં “રમાનો પત્ર” અને “રમાને પત્ર” શીર્ષકથી પત્રશ્રેણી કરેલી ! કદાચ ગુજરાતી દૈનીકમાં એ પહેલી વાર હતું. ત્યાર બાદ મારા મીત્ર વત્સલ વસાણીએ પત્રોનો ઢગલો કરી દીધેલો ાને યુવાહૈયાંનો સ્નેહપટારો ખોલી આપેલો.

  નેટ ઉપર પણ મેં ક્ષમા–નિખિલના પત્રો લખેલા જે હમણાંથી બંધ છે.

  પણ તમારા આ પત્રોમાં તમે પત્રના સાહીત્ય સ્વરુપનાં બધાં અંગોને બરાબર ઉપયોગમાં લીધાં છે. વર્ણન, પાત્રાલેખન, પ્રસંગની યોજના, વાતાવરણ અને સ્થળકાળની વિશેષતાઓને યથાયોગ્ય રીતે મુકી છે. પત્રનું સ્વરુપ ગહન કે ઉંડાણવાળું નથી. એ વાસંતી વાયરા જેવું હળવું ફુલ અને વાયુની સુગંધીત મર્મર ભર્યું હોય છે. તમે આ સ્વરુપની લાક્ષણીકતાઅોને જાળવીને તમારા ભાષાસાહીત્યપ્રેમને માણજો.

  શુભેચ્છાઓ સાથે –

  Like

 3. સાચી વાત છે દેવિકા બેન. પક્ષિમની શિસ્ત અપનાવવા જેવી છે પણ બાળકોની એકલતા બાળપણ ભારત જેટલું સહજ નથી હોતું.
  પત્ર ક્ષેણી વાંચવાની મઝા આવે છે.

  Like

 4. હાઈપર બાળકોને લીઝ પર રાખે છે એ સાંભળ્યું હતું પણ તમે એ અનુભવ્યું એટલે લાગે છે કે મેં સાંભળ્યું હતું તે સાચું છે.
  પત્રવ્યહવાર સરસ છે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s