ઠેસ….

zumpdi's pole

અછાંદસઃ

વર્ષો પછી..જૂની,
ખુબ જૂની મારી ગલીમાં,
ચાલતાં ચાલતાં, સખત ઠેસ વાગી.
વાંકા વળી નીચે જોયું.
લોહી નથી નીકળ્યું!
૩૦ વર્ષ પહેલાંની એ સડકનો પથ્થર..
લોહી અંદર જામી ગયું!
લીલું ચકામુ પડી ગયું.
શૈશવની એ શેરીમાં,પોળમાં,
દિવાલોમાં,મન કંઈક શોધતું હતું.
મુલાયમ મલમ જેવું,
કંઈક ઝંખતું હતું.
જૂના કોઈ ચહેરા ક્યાં ?
આશ્ચર્ય…અતિ આશ્ચર્ય..
મહોલ્લો તો એ જ હતો..
માહોલ સાવ જુદો !
હવા યે જુદી !!
જે ત્યારે હતું..આજે કંઈ નથી..
કશું નથી..શું એ પૂર્વજન્મ હતો !
ભીંતો પર હાથ ફેરવી જોયો.
તો શું આ પુનર્જન્મ છે?
ખૂણે પડેલાં બઉવાંની
છીંકણીની જેમ, ચપટી ભરી,
ચકામા પર,
સહેજ ઘસી જોઈ..
લીલો ડાઘ, ધીરે ધીરે કાળો થઈ,
પછી ઝાંખો થઈ, મટવા માંડ્યો.
મનની ચોકડીમાં,
લાગણીના નળ પાસે,
સમજણના સાબુથી,
જાણે કાળના કપડાં ધોતી..
મા દેખાઈ…!!

થઈ ગયું બધું ચોક્ખું ચણાક,
રહી ગયું એક જ સત્ય.
બસ વર્તમાન…
એક ઠેસ..
અતીતની એક ઠેસ!!!

8 thoughts on “ઠેસ….

  1. અમે અમદાવાદમાં, વર્ષો સુધી જે પોળમાં રહ્યાં, એ પોળમાં મારી બહેન સંગીતા તાજેતરમાં ગઈ અને તેણે જે સંવેદન અનુભવ્યું એની વાત દેવિકાબેનને કરી અને દેવિકાબેને એ સંવેદનને પોતાની કાવ્યમય શૈલિમાં આ રીતે અક્ષરદેહ આપ્યો એ વાત મને ખુબ ગમી. હું તો દર વર્ષે ત્યાં જઉં છું, આ જ સંવેદન અનુભવું છું પણ એને આટલી સુંદર રીતે વ્યક્ત કરી શકવાની મારી શક્તિ નહીં. મને લાગે છે કે આપણે બધા સામાન્ય માનવીઓ આવું અનુભવતા હોઇએ છીએ પણ આપણી પાસે એને વ્યક્ત કરવાની આવડત નથી. સાહિત્યસર્જકો આવું કરી શકે છે અને જગતને ઉત્તમ રચનાઓ મળે છે. મારો ભાઇ વીરેન્દ્ર પણ વર્ષો પહેલાં,, ‘સંદેશ’ ના બપોરના વધારા ‘સેવક’ માં દરરોજ ‘સ્મૃતિના પડળો’ નામની પત્રશ્રેણી લખતો હતો. મારી બીજી બહેન સુષમા પણ દરરોજ ઇ-મેઇલ મારફતે એની લાગણીઓને વાચા આપતી જ હોય છે. સંગીતા તો રેડીયો જોકી છે એટલે કશું કહેવાપણું જ ન હોય !
    I am proud of my siblings.

    Navin Banker

    Like

Leave a comment