ગોલ્ફ.

 

ગોલ્ફ

 

 

 

 

 

 

 

 

 

 

 


ગોલ્ફ

 

 

સ્પોર્ટ્સની દૂનિયામાં ગોલ્ફ એક અનોખી રમત છે.

આમ તો હું રમત-ગમતની દૂનિયાનો જીવ નથી. પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતા જોવાની મઝા આવે છે. જોતા જોતા રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. ( પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં ક્યાં લઈ જાય છે?)  સાથે સાથે અંદરની પેલી કવિ-દ્રષ્ટિ પણ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જીંદગી જેવી જ છે અને જીંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં  ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.

૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં  hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે… ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે.  અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.

આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ

 ગોલ્ફ

જીંદગી છે ગોલ્ફની રમત જેવી..
રમતા આવડે તો ગમ્મત જેવી.
હજારો યાર્ડની દૂરી પર
એક પછી એક
કુશળતાથી તાકવાના
અઢાર અઢાર નિશાન !
અભિમન્યુને હતા કોઠા સાત,
અર્જુનની સામે એક જ આંખ..
એક જ પક્ષીની..
ગોલ્ફમાં તો અઢાર નિશાન.
બોલ કદી વાડમાં અટવાય,
કદી ખાડામાં અથડાય,
ક્યારેક ઝાડીમાં ફસાય,
ક્યારેક પાણીમાં પછડાય.
એક પછી એક
તાકવાના અઢાર નિશાન.
શાંત, સ્થિર મનથી,
સિફતપૂર્વક,સરળતાથી,
નાનકડા સફેદ ગોળાને
સીધા રાહ પર લઈ જઈ
ઓછામાં ઓછા ઝટકાથી,
છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો!
‘પાર’ થાય તો સ્મિત,
‘બોગી’ થાય તો રુદન.
‘બર્ડી કરો’ તો શાન,
‘ઈગલ’ કરો તો અભિમાન.
અને એમ,
પરિસ્થિતિની પરવા કર્યા વગર,
હસતા, રમતા, આનંદપૂર્વક,
નાનકડા શ્વેત ગોળાને,
છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો..
અંતિમ લક્ષ્ય સુધી…
આદિથી અંત સુધી.

17 thoughts on “ગોલ્ફ.

  1. વાહ very nice.મને ક્યારેય આ રમત સમજાઇ નથી,હું હંમેશ એજ વિચારું કે શું મજા આવતી હશે golf રમવાની? એક વાત બહુજ સાચી કહી તમે,કે જીંદગી રમત જેવીજ છે.મારા પાપા હમેશા કહેતા હોય છે કે ક્રિકેટ માથી જીવન જીવવાનું ઘણુ વધુ આવડે.

    Like

  2. વાહ, ગોલ્ફની રમત વિશે સારી જાણકારી મળી. કવિતા પણ સરસ. અઢાર કોઠા ભેદી આદી થી અંત સુધી જવાનું, બધી જ મુશ્કેલીઓને પાર કરી. જીવન જીવવાની રીત તમે સમજાવી. ખૂબ સરસ.

    Like

  3. અમારે માટે તો આ શુષ્ક રમત હતી. હું તો હેડીંગ વાંચીને જ, રાબેતા મુજબ ડીલીટ કરી નાંખવાં જતો હતો. પણ પછી થયું ‘દેવિકાબેનની ઇ-મેઇલ છે તો કંઇક હશે’. અને વાંચી. એક કવયિત્રી ગોલ્ફ માંથી પણ જીવનની ફિલોસોફી સમજાવી શકે. હું તો ક્યારેય ક્રિકેટ કે ગોલ્ફ નથી રમી શક્યો. પણ દિવિકાબેને જે રીતે આ રસ કેળવીને, ફિલોસોફી સમજાવી એ અભિનંદનને પાત્ર છે.’નવનીત-સમર્પણ’ જેવા લબ્ધપ્રતિષ્ઠિત સામયિકમાં ખ્યાતનામ કવિઓની હરોળમાં તમારૂં કાવ્ય વાંચીને તમે કેટલી ઝડપથી પ્રગતિ કરી રહ્યા છો એ દેખાઈ આવે છે.
    નવીન બેન્કર-

    Like

  4. તું બેઠી હોય અને મારી મજાલ છે કે હું ખોવાય જાઉં!
    આ સાથે તારી નવનીત સમર્પણમાં આવેલી કવિતાની કૉપી મોકલાવું છું.
    ગઈકાલે તારો ફોન આવ્યો ત્યારે હૈયાને સ્કુલેથી લઈને મારી ફ્રેંડ લેઝલીને ત્યાં જતી હતી. લીલીની તબિયત સારી ન્હોતી એતલે એને લેઝલીને ત્યાં બેસાડી હતી. પછી એ લોકોને લઈને એમના ઘરે ગઈ, રાંધ્યુ અને ખવડાવ્યું એમા જ સાડા છ થઈ ગયા. અને એ દિવસે સવારથી ખૂબ બીઝી હતી એટલે અનહદ થાકી ગઈ હતી. સોરી, ફોન ન કર્યો. પરંતુ હવે ફ્રી છું થોડીવાર રહીને ફોન કરું છું.
    નયના

    Date: Wed, 1 Jul 2015 20:30:11 +0000
    To: ninapatel47@hotmail.com

    Like

  5. ગોલ્ફ ના દાવપેચ સમજ્યા પછી આ રમત અને એની પાછળ ની મહેનત સમજાઈ. આ રમત મા ઇગલ બનવાની ઇચ્છા સહુને હોય એ સ્વભાવિક છે. અમારા માટે ગઝલ, કાવ્ય ના તમે ઇગલ છો અને અમારે તમારી ઊંચાઈ એ પહોંચવાનુ છે.
    મારા કાવ્યની બે પંક્તિ યાદ આવે છે
    “જીંદગી જીવતા આવડે તો જીવી જવાય છે
    નહિ તો વ્યર્થ ફાંફાં મા ખપી જવાય છે.”
    રમત નુ પણ એવું જ છે.

    Like

  6. Devikaben, you are a genious ! You have also justified the age-old saying that : ‘ jyaan na pahonche ravi, tyaan pahonche kavi’. Tamoay golf-ground par pahonchi nay aa sidhdh karyun chhay ! Thank you and congratulations for your inspiring life-philosophy attributed to the otherwise dry game of golf !

    Like

  7. I though watching Golf game was Novice. Now I am happy to learn the basics of Golf Game in a humorous and poetic way. Devikben- Khub khub Abhinanadan.
    પરિસ્થિતિની પરવા કર્યા વગર,
    હસતા, રમતા, આનંદપૂર્વક,
    નાનકડા શ્વેત ગોળાને,
    છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો..
    અંતિમ લક્ષ્ય સુધી…
    આદિથી અંત સુધી Nice way of conveying the message about enjoying life smilingly all throughout ignoring all adversities or ups and down.
    Devikben- Khub khub Abhinanadan.

    Like

Leave a comment