સંવાદ

krishnaradha

 

 

 

 

 

 

 

 

પૂછે છે રાધા,પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછે કાં રાધા, આમ અણગમતું કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ?!!

 પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, ધીરેથી કાનમાં,
અગર જો હોત ના ગાયો ને ગોપી,
તો મથુરામાં વાસ કરી, ખેલત તુ હોળી ?

પૂછે કાં રાધા, આમ, અમથું  સાવ કાનમાં,
અગર જો હોત, ના ગાયો ને ગોપી,
તો સરજીને ખેલત, હું માખણની મટકી !

 પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, હળવેથી કાનમાં,
અગર જો હોત ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું રેલત તું વાંસળીના ?

પૂછે કાં રાધા,  આમ ખોટું ખોટું કાનમાં,
અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?
 

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, સ્નેહેથી કાનમાં,
અગર જો મોરપીંછ હોત જરા પીળુંપચ,
સાચુકડું કે’જે, શું રાખત તું શિર પર ?

અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
રુદિયાનો રંગ ભરી,રાખત હું શિર પર !!
 

પૂછે છે રાધા, પાસે જઇ કાનાને, વ્હાલપથી કાનમાં,
અગર જો રાધા હોત જરા શ્યામ,
સાચુકડું કે’જે, શું ચાહત તુ શ્યામ?

પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું ફરીથી કાનમાં,
અગર જો રાધા, હોત જરા શ્યામ,
શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!

 

Advertisements

10 thoughts on “સંવાદ

 1. ગજબની મીઠાશ છે …

  “પૂછે છે રાધા…” પૂછે કાં રાધા…”

  અને અંતે કૃષ્ણને જવાબ સૂઝી જાય છેઃ

  “શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!”

  પૂછે છે…
  પૂછે કાં…

  પૂછ ના, પૂછ ના….

  શ્યામ રંગ શ્યામ સંગ…

  શબ્દોની પુનરાવૃત્તિ અને પસંદગી, વાહ.

  Like

 2. બહુત ખૂબ…મને પ્રિયકાન્ત મણિયારનું ગીત સાંભરી ગયું-અા નભ ઝૂક્યું તે કાનજી…ચાંદની તે રાધા રે. ખૂબ સરસ ગીત મારા અનેકગણા
  દિલી અભિનંદન

  Like

 3. વાહ, સરસ. છેલ્લી લિટી સૌથી શિરમોર–શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!

  Like

 4. મને જૂની રંગભૂમિનું એક ગીત યાદ આવી ગયું. ‘ એક દિ’ રાધા કૃષ્ણને જઈને કહે, શું કહે ? કે નયનોમાં હું છું, હૈયામાં તુ છે’ પછી આપના કાવ્યની જેમ જ દરેક ફકરે પુનરોક્તિ થયા કરે. જુદા જુદા સવાલો અને જુદા જુદા જવાબો. પણ અંતે તો ‘ નયનોમાં હું છું, હૈયામાં તું છે’ આ જરા આડવાત થઇ ગઈ.
  કાવ્ય ખુબ સરસ છે. કલ્પના પણ સુંદર છે. ગાવું પણ ગમે એવું છે.
  પણ…મને લાગે છે કે તમે કવિઓએ, રાધા અને કૃષ્ણના પ્રેમની કલ્પિત કથાઓને આવા કાવ્યોથી ગ્લોરીફાય કરી મૂકી છે. જેમ જેમ આવા કાવ્યો વાંચું છું તેમ તેમ મને કૃષ્ણમાં દેવત્વ નથી દેખાતું. પરનારીને પ્રીત કરનારો અને લગ્નેતર સંબંધોમાં રાચનારો એક રસિક પણ સામાન્ય પુરુષ જ દેખાય છે. મારી વાત ગુણવંત શાહ કે સ્વ. સુરેશ દલાલ જેવાને નથી ગમી. ઘણાં ધર્મપ્રેમી લોકોને ય નથી ગમતી. એ હું જાણું છું. અલૌકિકતા અને દિવ્યપ્રેમ ને એવા બધા શબ્દો મને સ્પર્શતા નથી.
  નવીન બેન્કર.

  Like

  • નવીનભાઈ,
   પોસ્ટ મોર્ટમ કરશો તો કદાચ કૃષ્ણમાં કંઈ નહીં બચે. એની બાળલીલા, રાસલીલા, મુત્સદીગીરી…. બધું જ એક નાનું બીજ વિકસીને ઝાડ બન્યું હોય તેવું છે.

   તમે કહો છો તેવા કોઈ પણ કારણ વિના મને પણ કૃષ્ણ ગમે છે (અને તેમ છતાં તમારી કૉમેન્ટમાં ન અમવા જેવું પણ કંઈ નથી, કારણ કે તમે સાચા છો).

   પણ ફરી – મને કૃષ્ણ ગમે છે…”એ જી, મમતા મરે નહીં એનું મારે શું રે કરવું…”

   મને ખબર છે કે કૃષ્ણ નહીં હોય અથવા આપણી કલ્પનામાં છે તેવો કોઈ કૃષ્ણ નહીં હોય. કોઈની આસપાસ કથાઓ વણાતી ગઈ હોય. તેમ છતાં મન થાય છે કે ભાલકા પાસે આર્ક્યોલૉજિક્લ ડિપાર્ટમેન્ટ ખોદકામ કરે અને ત્યાંથી કોઈ ઘૂંટણ પર બીજો પગ ટેકવીને બેઠાં બેઠાં મૃત્યુ પામ્યો હોય એવું કોઈ અશ્મિ મળી આવે…! વિચારોને કોણ રોકે.

   બાકી શ્રી ગુણવંત શાહને તમારા વિચારો ન ગમ્યા તે જાણીને તમને અભિનંદન આપવાનું મન થાય છે !

   Like

 5. દેવિકાબેન, તમે કાયમ કાવ્યમાં લાવો કંઈક નવિનતા એથી જાણવાનું મળે, વાંચવાનું મળે એજ મારા માટે તો બસ છે. પ્રયોગો કરતા રહો અને પિરસતા રહો બસ એ જ,
  શુભેચ્છા સાથે,

  ‘ચમન’

  Like

 6. સુરેશભાઇ દલાલની આ વાત સાવ સાચી છે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે, નથી થયા તો એના જેવી કોઇ અદભૂત કલ્પના નથી”
  અને કૃષ્ણની આસપાસ રચાયેલી સમગ્ર સૃષ્ટી ય એટલી અદભૂત છે કે ક્યારેય પણ કૃષ્ણ પર રચાયેલી રચના પણ એટલી જ અદભૂત બની જાય છે.
  રાધા કૃષ્ણ પર સદીઓથી લખાતુ આવ્યુ છે અને હજુ ય લખાતુ રહેશે અને તેમ છતાં આજે પણ એ કલ્પના મનને અને હ્રદયને સ્પર્શી જ જાય છે.
  કાનાનો જવાબ ખુબ સુંદર છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s