અભ્યુત્થાનં અધર્મસ્ય….

gita-krishna-arjun

અભ્યુત્થાનં અધર્મસ્ય...

વર્તમાન સમયમાં, વિશ્વમાં ચારેબાજુ ઉઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ.
********************                 ***********************

માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?

જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળુ?

              ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,

              લીધા ઉગારી તેં ગોકુળના વાસી,

              નરસિંહ,પ્રહલાદ ને કેવટની નાવડી,

              દ્રૌપદી,શબરી અનેક લીધા તારી.

મીરાંને કાજ પેલા મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;

 કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે શું આ કાળુ ને ધોળુ?

               ફૂંફાડે ફેણ ધરી કેટલાંયે કાળીનાગ,

               ડોલે મદારીના ડુગડુગિયા ગાન-તાન,

               કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,

               ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.

ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરીને ઢંઢોળુ?

નહિ આવે જીસસ,પયગંબર કે કહાન હવે, કળિયુગમાં ખાલી શું ખોળુ?

              પાક્યો સમય હવે પરિત્રાણ સાચનો,

               ને આવ્યો સમય દુષ્કૃત્ય-વિનાશનો,

               આ સત-અસતના સમરાંગણોમાં,

               બની પાર્થ-સારથિ હટાવો વિષાદો.

સંસ્થાપવાને ધર્મો કુરુક્ષેત્રે, પધારો તો વાતો ફરીથી વાગોળુ;

માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.

15 thoughts on “અભ્યુત્થાનં અધર્મસ્ય….

  1. છેલ્લી બે પંક્તિને આખી કવિતાનો ‘શીરમોર’ માનું છું!
    દેવિકા, કમાલ કરી છે આ કાવ્યએ!
    તારી કવિતાઓમાં ક્યારેક કુદરત આધ્યાત્મને સહારે તો ક્યારેક આધ્યાત્મ કુદરતનો પાલવ પકડી જે રીતે અજવાળા પાથરે છે તે માણવાનો આનંદ અનેરો છે.
    નયના

    Like

  2. મીરાંને કાજ પેલા મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
    કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે શું આ કાળુ ને ધોળુ?

    I liked this one and I agree with what Nayna Patel wrote; i.e.
    તારી કવિતાઓમાં ક્યારેક કુદરત આધ્યાત્મને સહારે તો ક્યારેક આધ્યાત્મ કુદરતનો પાલવ પકડી જે રીતે અજવાળા પાથરે છે તે માણવાનો આનંદ અનેરો છે.

    Chiman Patel “Chaman” >>>>>>આ સત-અસતના સમરાંગણોમાં શું ખોળુ? શું ઢંઢોળુ? શું વાગોળુ ?

    Like

  3. સંસ્થાપવાને ધર્મો કુરુક્ષેત્રે, પધારો તો વાતો ફરીથી વાગોળુ;
    માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.
    ખૂબ સરસ

    Like

  4. રચનાનો ભાવ સરસ છે.
    ગીતને ટેકનીકલી જોઈએ તો એક-બે વાતો કઠે છે.
    સૌપ્રથમ, – બોળું – અને – ઝબોળું – મુખડામાં લીધા પછી અંતરામાં લીધેલ – ઘોળ્યું – બેસતું નથી …
    બીજું લય ઘણે ઠેકાણે તૂટે છે કારણ છંદ જળવાતો નથી.
    મીરાંને કાજ પેલા મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
    કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે શું આ કાળુ ને ધોળુ? … આનું પઠન કરતાં ખ્યાલ આવશે કે બીજી લીટીમાં એક માત્રા ઓછી પડે છે. આવું જ બીજા અંતરાના અંતમાં થાય છે …એની પહેલી લીટી જોઈ જશો …
    મેં અગાઉ કહ્યું એમ રચનાનો ભાવ સરસ છે … વધુ સરસ બનાવવા આ સૂચન કરેલા છે. આશા રાખું કે તમે ખોટું નહીં લગાડો અને પોઝીટીવલી એને લેશો ..ગીતનો લય મુખ્ય આકર્ષણ બને છે … મારા મતે તમારી રચના મનમાં ગાવાની કે ગણગણવાની કોશિશ કરશો તો આ બધી ખામીઓ જડશે અને હવે પછી તમે આનાથી વધુ સરસ લખી શકશો … વધુ લખાઈ ગયું હોય તો માફ કરશો ..

    Like

Leave a comment