સાથે સાથે.

ચાલ,મઝાના ઊંડા ખજાના ખોલીએ સાથે સાથે.

ગમતા પીંછાઓની પાંખે ઉડીએ સાથે સાથે.

                રંગબેરંગી ચૂંટી, ગોઠવી,

                મયુરકલગી ગૂંથીએ;

                ધૂપ-છાંવની રાહ પર ચાલેલ,

                પગલે પગલાં સ્મરીએ.

મીઠા ને મનગમતા ગાણાં ગાઇએ સાથે સાથે.

ચાલ,મઝાના ઉંચા ખજાના વેરીએ સાથે સાથે.

                તકલી જેવા ફરતા આયખે,

                નકલી વળ ના રચીએ;

                સુતર જેવો તાર તૂણીને,

                અસલી પોતને વણીએ.

સાત સાત પાતાળના મોતી વીણીએ સાથે સાથે.

ચાલ,મઝાના સાચા ખજાના વ્હેંચીએ સાથે સાથે.

               કલમ લઇ કાગળ પર હૈયે,

               મનભર શબ્દો દોર્યાં;

               ચાંદ-સૂરજ,ઝાકળ ને ફૂલો,

                ભીતર કૈંક કૈંક કોર્યા.

થાય મનને આજ તો ટહૂકો,દોરીએ સાથે સાથે.

ચાલ,મઝાના જૂના ખજાના ખોલીએ સાથે સાથે.

 

13 thoughts on “સાથે સાથે.

  1. ગમતા પીંછાઓની સાથે ઉડવા માટે, મયૂરકલગીઓ ગૂંથવા માટે,મીઠાં ને મનગમતા ગાણાં ગાવા માટે, ‘ચાંદ, સૂરજ, ઝાકળ’ને સમજે અને મનમાં ટહૂકા કરાવે એવા ‘સાથી’ હોય ત્યારે જ આપ કહો છો એવા ‘ખજાના’ વેરાય, વહેંચાય ને લૂંટાય. સાથી સાથેનો રુચિ, પ્રકૃતિ,કક્ષા, શિક્ષણભેદ ને એવું બધું હોય તો દામ્પત્યના સરળ વહનમાં બાધક નીવડે.લગ્નજીવન સુદીર્ઘ હોય (૫૦ વર્ષ ) તો પણ એકવિધતા નિરસતાની પરિસ્થિતિ સર્જી શકે.અતિભાવુક ઊર્મિતંત્ર પણ સમસ્યાઓ સર્જી શકે. બાકી તો પરસ્પરને અનૂકુળ થઈને રહેવાની વૃત્તિને કારણે જીવનસરિતાના વહેણ તો વહ્યા કરે, પણ…તમારા ‘પેલા ખજાના’ ના વેરાય કે ના વહેંચાય કે ના લૂંટાય, હોં દેવિકાબેન !…શ્રીરામ..શ્રીરામ…

    નવીન બેન્કર

    Like

  2. તકલી જેવા ફરતા આયખે,
    નકલી વળ ના રચીએ;
    સુતર જેવો તાર તૂણીને,
    અસલી પોતને વણીએ.
    સાત સાત પાતાળના મોતી વીણીએ સાથે સાથે.
    ચાલ,મઝાના સાચા ખજાના વ્હેંચીએ સાથે સાથે.

    વાહ! અમારા બાપદાદાના હાથવણાટ કાપડ ઉદ્યોગની વાત યાદ આવી ગઈ.

    Like

Leave a comment