Archive | ઓગસ્ટ 2010

અધૂરું કથન…..

 

નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી દીધાં.

( અનુષ્ટુપ )

છોરું ધરતીનો ને, ભેરું વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે ભણતો હતો.

( હરિગીત )

પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી દીધાં,
વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!

Advertisements

રુદિયાનો રંગ

 

હજી આજે પણ ઘણાંને મનમાં  સવાલ ઉઠે છે કે કૃષ્ણ ખરેખર થઇ ગયા હશે ?આ સંદર્ભમાં સુરેશ દલાલની આ વાત મને ખુબ જ ગમે છે. એ કહે છે કે ” અગર જો કૃષ્ણ થયા હોય તો આના જેવી જગતમાં કોઇ અદભૂત ઘટના નથી અને ધારી લો કે નથી થયા  તો એના જેવી  કોઇ અદભૂત કલ્પના નથી” તો  આવી જ એક કલ્પનાને આધારે રચાયેલા  બે ગીત આપ સૌની સમક્ષ સહર્ષ….

 

પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અણગમતું કાનમાં,
          અગર જો રાધા, હોત જરા શ્યામ,
          સાચુકડું કહેજે, તું જાણે ના જવાબ ?!!

પૂછે કાં રાધા, આમ પાસેથી કાનાને, અમથું સાવ કાનમાં,
           અગર જો હોત, ના ગાયો ને ગોપી,
           તો સરજીને ખેલત, હું માખણની મટકી !

પૂછે કાં રાધા, નિકટથી કાનાને, ખોટું ખોટું કાનમાં,
          અગર જો હોત, ના છિદ્ર આ વાંસળીમાં,
          વીંધ્યા વિણ સૂર, શું પામત તું વાંસળીના ?

પૂછે કાં રાધા, આમ પાસે જઇ કાનાને, છેડી જરા કાનમાં,
           અગર જો મોરપીંછ, હોત આ પિત્તરંગ,
           રુદિયાનો રંગ ભરી, રાખત હું શિર પર !!

પૂછ મા અંતરની રાણી, આ અળવીતરું કાનમાં,
         અગર જો દિલ તુજ, જાણે ના જવાબ,
          જા કહી દઉં છું એવું , ના ચાહે આ શ્યામ !!

 પૂછ ના, પૂછ ના ગોરી, મનમાની, તું  ફરીથી કાનમાં,
          અગર જો
રાધા, હોત જરા શ્યામ,
          શ્યામ રંગ શ્યામ સંગ, દિસત એકાકાર !!!