Archive | મે 2007

નાગર ન્યારી

 

 

 

 

નાગરી ન્યાતની વાત છે ન્યારી,
             નરસિઁહ મહેતાની એ પ્યારી પ્યારી,
વાણી છે જેની મીઠી ઠગારી,
             ને નારી છે જેની સૌથી રૂપાળી.
ખાટ ને પાન હર ઘરની કહાની,
             ચાંદીની કોઠીમાં સજાવટ છે એલચી,
નાણાવટી,કચ્છી,દીક્ષિત કે બક્ષી,
             નોખી છે સૌની  વાણીમાં શુદ્ધિ.
કંથારિયા,જોશીપુરા ખારોડ કે પારઘી,
             ભાષાનો અલંકાર અતિશયોક્તિ !!
માંકડ,મચ્છર ઘોડા ને  હાથી,
             અટકમાં પ્રાણીની આ છે નીશાની.
લવિંગીયા, દીવેટીઆ બુચ વચ્છરાજાની,
             અરે મહેતા,મજ્મુદાર મેઢ કે મુનશી,
ભુલશો ના કોઇ આ ધ્રુવની કહાની,
             કે નવલી આપણી વાત છે ગરવી.
શક્રાદે,મહિમન ને હાટકેશની પુજારી,
             એવી છે આપણી વાત અમોલી,
નાગરી ન્યાતની વાત અનેરી,
             નાગરી ન્યાતની વાત છે ન્યારી……

Advertisements

ખબર નથી

 khabarnathi.jpg

 ક્વચિત લખુ છું પ્રસંગે પ્રસંગે,
                 પણ લખુ છું શું….. ખબર નથી.
કાગળના મંચ પર નાચે છે કલમ્,
                 પણ તાલ શું, લય શું…..ખબર નથી.
લાગણીઓ સાકાર બને શબ્દરૂપે,
                 પણ પ્રાસ શું,કવિતા શું …..ખબર નથી.
સમય સરે છે,મોડ બદલે છે,
                 યુવાની ક્યારે પ્રૌઢ બને છે…..ખબર નથી.
યુગો વીતે છે યાંત્રિક્તા વધે છે,
                 પણ દિલ એનું એ જ કેમ…..ખબર નથી.
આંકડા અને અક્ષરોમાં  જિંદગી સરે છે,
                  પણ કેવી રીતે અને કેવી…..ખબર નથી.
વનની મધ્યે ઊભી નિવ્રુત્ત-પ્રવ્રુત્તિમાં ગૂંથાઈ છું,
                  ક્યારે ક્યાં વિરમીશ…..ખબર નથી.
..

ગઝલકાર આદિલભાઇ મનસુરીને….

ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને,

         ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;

કસબી ગઝલના આદિલજીને,

        શુભેચ્છાઓ દે છે દિલની આજે.

સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને,

       શબ્દ મૌનની ધૂમ મચાવે;

ધૂળ માથે લઇ ફરે વતનને,

        પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.

વિરલ અગ્રણી આ ગઝલકારને,

         શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે;

ગઝલ-સમ્રાટના શુભ જન્મ-દિને,

        મુબારકબાદી હજાર હાથે.

———————————————————————

  છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.

“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”

બાજીગરનો ખેલ

 twohands1.jpg

 પાં…ચ  તત્વોના  રચ્યાં
          મારા રામે કેવાં માનવ રે,
કાયા કામણગારી સજીને
           માયા કેરાં મિલન રે…..  પાં..ચ તત્વોના  રચ્યાં
જનમ-જનમના જીવો ક્યાંથી
          જગમાં આવી ભળતા;
વિસ્મયનો  સંસાર  રચીને
         અલોપ પણ એ થાતાં રે…પાં..ચ તત્વોના રચ્યાં
અલકમલકની વાતો  વેરી
          સુખ-દુઃખને એ ગાતાં;
કઠપુતળીના ખેલ સમા સૌ;
બાજીગરના ખેલ સમા સૌ,
          પડદો પડે વિરમતાં રે….પાં..ચ તત્વોના રચ્યાં

સમય

clock.jpg 

  

સમયના સામર્થ્યની વાત સહજ નથી,
સમય ઘડિયાળના ફરતા કાંટા નથી.
સમય વીતીને કદી પાછો વળતો નથી,
ભાવિની વીતક કદી કહેતો નથી.
સમય તિથિ-વારમાં વહેંચાતો નથી,
કોઇની મૂઠ્ઠીમાં કદી બંધાતો નથી.
સમય આંસુથી યે રોકાતો નથી,
સ્મિતથી કદી છેતરાતો નથી.  

નથી…,નથી…,નથી.નો આ સમય  શું છે ?

સમય તો અનન્તની વિસ્મયલીલા છે,
અનાદિથી સરતી અવિરત ધારા છે.
સમયને જાણવો અને જિરવવો,
જબરદસ્ત
જિગરનું કામ છે.
સમય તો ક્ષણ ક્ષણની સમજ છે,
 ઇશ્વરના સામર્થ્યનો અંશ છે.

 

—-inspired by Dhuni Mandaliya’s article SAMAY in Guj.Times dt.Jan a6 2004——– 

મનના મોર

 mr_peacock1.jpg

કોઈની સૂની ડાળ પર બોલે, 

            મોરલા મીઠા સાદે,

ધીરા પગલે સુણવા જઈએ,

            મનના કોડ કંઈ જાગે.

કોઈના સૂના બાગમાં મહેંકે,

            ફૂલની ફોરમ પમરે,

 હળવે હળવે માણવા જઈએ,

            હૈયે વસંત મહોરે.

કોઈના ઘેરા નેણમાં ઉગ્યાં,

            ભીના ભીના શમણાં,

 મેઘ-ધનુષી તુણવા જઈએ,

            પ્રેમ પટોળા નમણાં.

મારા ખાલી ઘરમાં ગુંજે,

            કાલની ભીડના સૂરો,

 ખાટાં-મીઠાં ખોલી લઈએ,

            સ્મૃતિના સૌ પડળો.

મુક્ત બંધન

birds.jpg 

 ચકો લાવે ચોખાનો દાણો
            ને ચકી લાવે દાળનો;
ઘાસ-ફૂસ ને પીંછાનો
            સજે માળો સળીઓનો.
ઉપર આભ નીચે ધરતી
            વચ્ચે  ડાળ પર માળો;
ટાઢ-તાપ કે વરસાદ
            નહિ વિવાદ કે ફરિયાદ.
કુદરત અર્પે જ્યાં જે જ્યારે
            ઝીલે બન્ને પ્રેમની વેલે;
મુક્ત ઊડતા ગાયે ગાન
            સાંજ ઢળે માળે બંધાન.
સાત પગલાં આકાશમાં
            સાર્થક સળીના મહેલમાં !
મુક્તિના આ બંધનમાં ?!
             કે બંધનની આ મુક્તિમાં?!!!!!