ઝુલ્યાં ગુલાબ..
April 20, 2012એકાંતી મોતી
February 18, 2012”સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..
એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી આ અમોલી વાત.
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
કોઇ કહે એકાંત મુજને છે વહાલું,
ને કોઇ કહે એકાંત લાગે અકારું;
ખુદને ડુબાડી ભીતરમાં જઇ જોઇ,
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.
નીરવ વનમાં કોયલના ટહુકા- શી મૌનના કો’ ગેબી આ પડઘાની વાત,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.
વાલિયા લૂંટારાની કાયાપલટ કરે, એકાંતી એવી આ વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
શબ્દોને પાર, દૂર મૌનને આવાસ,
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,
બસ આરપાર રોમ ઓમ શાંત..
“અહમ્ બ્રહ્માસ્મિ” ને “સોહમ્”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે સંતો ને સૂફીઓએ દીઠા, એ રત્નો ન પામે આ માણસની જાત!
ખુશ્બૂ-ભીની સવાર..
November 23, 2011હ્યુસ્ટનની આજની (૨૨મી નવે.) ની સવાર…
મને આવી સવાર ગમે.
ખુશ્બૂ-ભીની બહાર ગમે.
અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે.
મને આવી સવાર ગમે.
ઝરમરતી જલધાર ગમે.
યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી, ભીની ભીની રાહ ગમે.
મને આવી સવાર ગમે.
ફરફરતી જલધાર ગમે.
આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો, કુદરતનો પ્રસાદ ગમે.
મને આવી સવાર ગમે.
ઝીલમીલતી જલધાર ગમે.
મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે.
મને આવી સવાર ગમે.
ખુશ્બૂ-ભીની બહાર ગમે.
મનનો માણીગર..
November 15, 2011એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.
રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,
હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,
એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,
કાયાપલટ ત્હેં કીધી કૈં એવી,
ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.
રોબાટ થયો ને થયો મશીન એ,
પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,
અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,
ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,
ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો! જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.
પેઢી બે પેઢીના અંતર વધાર્યા,
સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,
જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,
દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.
ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.
એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.
લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.
દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!
શરદ-પૂનમની રઢિયાળી રાત
October 15, 2011
રાસઃ
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, મારી આંખો જાગીને સૂઝી જાય.
ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
એવા તે કામણ કહે શીદને ત્હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
અમે વાદળ-દળ પર વિહર્યા…
August 18, 2011પવન પંખ લઇ નભસરવર મહીં વાદળ દળ પર વિહર્યાં,
સ્વરગ-નરકની મધ્યે જાણે પતંગિયા થઇ ફરક્યાં.
અમે વાદળ-દળ પર વિહર્યા
તારણહારની અકળસકળ આ અજબગજબની લીલા,
ભરચક ખેલ શી નીરખી નીરખી વિસ્મિત થઇને ઉડ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
હસ્તવિંઝનથી હવામહીં બસ ઘડીભર મસ્તી માણી,
બંધ નયનથી પંખી સરીખુ મનભર રંજન પામ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા
કલ કલ કરતા ઝરણાં જોતાં ફરફર હવામાં હાલ્યા,
ગુન ગુન કરતા ભમરા સઘળાં દેવદૂત-શા ભાળ્યા,
અમે વાદળ-દળ પર વિહર્યા…
આરા કે ઓવારા નહિ, જટિલ કઠિન બધી રાહો,
શ્વાસ સમા વિશ્વાસને ઝાલી, જાણે ભવની વાટે ઉડ્યાં,
અમે વાદળ-દળ પર વિહર્યા..
અમે વાદળ-દળ પર વિહર્યા…
ઉસાલ
July 12, 2011સંબંધના ગીલેટની આ સાંકળો વરતાય છે.
મારી તમારી આરતો મૃગજળ સમી સમજાય છે.
વાહ્ વાહ્ કહીને ભીતરે જલતા અહીં પરખાય છે.
ભીતર હશે જો પ્રેમ તો, ઇશ્વર સદા હરખાય છે.
અલ્લડ આ મેઘ….
June 22, 2011અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ,કે ચીરીને આભલાને તેથી એ આવે.
પાગલ પવનના અંગ મહીં સૂરો,
ફૂંકી ભરીને લીલા પાનને નચાવે !
શ્વેત આ પ્રભાત પર શ્યામરંગી ચાદર
પાથરીને પ્રેમભીની રમઝટ મચાવે.
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
પંખીના કલરવ ને મબલખ આ ધાર,
ગગનની ગરજન ને નવલખ આ ઝાર,
મખમલી ઊર્મિને મનભરી અડકે ને છેડે,
ને ધરાનો કુદરતી રાસ એ રચાવે !
અલ્લડ આ મેઘને થયું શું સવારે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
રોમરોમ જાગે ને વાગે શરણાઇઓ,
ભીતરના જીવમહીં શિવને જગાડે,
હૈયાના મંદિરમાં મૌનનો ઘૂમ્મટ લઇ,
અનંતના આનંદની ધ્વજા ફરકાવે.
અલ્લડ આ મેઘને થયું શું આજે ? કે સૂરજની બત્તી બુઝાવીને આવે !
છેડ્યો હશે મલ્હાર કોઇ તાના-રીરીએ, કે ચીરીને આભલાને તેથી એ આવે.
મુક્તકોઃ
June 1, 2011- બાંધી મુઠી તો લાખની,
ખુલ્યાં પછી છે રાખની,
પૂછો નહી ક્યાં ક્યાં બધી,
જ્વાળા ફરી છે આગની.
- સંધ્યા પછીની રાતની,
અંધાર ઘેરી યાદની,
ભીંતે ચઢી, છત પર મઢી,
વાતો મીંચેલી આંખની.
- ફફડાવી ઉડતી પાંખની,
પીડા શમે છે જાતની,
પૂછો નહી,ક્યાંથી મળી,
તાકાત આ અંદાજની.
- ક્ષણ ક્ષણ મહીં છે આપની,
કૃપા કહું અહોભાવથી,
ખુદા પ્રભુ કે હો ઈસુ,
ખુલે બધી નામાવલિ..
- રસ્તે ઉતાર ચડાવ છે,
લાગે હવે મુકામ છે,
જાણો પછી ઉદાસ થઇ,
આ તો જરા પડાવ છે.

Posted by devikadhruva 



