“ઉ” ની ઉર્જા.

December 18, 2010

 શબ્દારંભે સ્વર એક  ::  


ઉગમણેથી ઉષા ઉતરે,

 ઉંચે ઉંચે ઉદધિ ઉછળે,

ઉંબરે ઉભેલ ઉર્મિ ઉરે,

ઉમંગના ઉમળકા ઉમટે.

ઉર્ધ્વસ્થિત ઉમાપતિના,

ઉત્સવો ઉછળી ઉછળી ઉજવે,

ઉદ્યમી ઉઠી ઊર્જાસભર,

ઉટપટાંગ ઉકેલો ઉકલે.,

ઉદાર,ઉમદા,ઉષ્મ ઉષાકર,

ઉજ્જ્વળ ઉજળો ઉજળો ઉઘડે.

ઉગમણેથી ઉષા ઉતરે,

ઉંચે ઉંચે ઉદધિ ઉછળે,


‘ ઇ ‘– ઇશ્વર.

December 12, 2010

 

 

 

 

 

 

 

 શબ્દારંભે સ્વર એક  –

હાયકુઃ

 

ઇમાની ઇંટે,

ઇશ્કની ઈમારત,

ઇશનગરી….

 

 


‘ અ ‘- આદિત્ય

November 2, 2010

  

  

   

 

 

 

નવા  વર્ષની  શુભ  શરુઆતઃ ઃઃ ઃઃ

  શબ્દારંભે સ્વર એક  ::  

  આદિત્ય.

 

  

 

 

આવો, આવો આંગણે આજે,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અમાસના અંધકારને ઓગાળતા,

આશા-અરમાનને અજવાસતા,

આવકારીએ આદિત્યના આગમનને આજે….

અર્પી અમી આંખમાં એકમેકને,

અદ્વિતીય આનંદ અંતરથી,

આરાધીએ આદિત્યના આગમનને આજે…..

અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,

આસપાસ આદરનો ઓચ્છવ

અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…


‘સ’નું સંગીત

July 22, 2009

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી,સલોની,સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,

સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.
******************************************

 

“શબ્દારંભે અક્ષર એક” ના મારા નવીન પ્રયોગના કક્કાનો “સ” જેના માટે લખાયો તે સંગીતા,
સૂર અને સંગીતની સાધક સંગીતાને,
તેના સુદિને ( જન્મદિવસે ) આજે  સ્સ્નેહ,શુભેચ્છા સહ, ફરી એક વખત….થોડા સુધારા સાથે…..

 


‘ક્ષ’ અને ‘જ્ઞ’નો મેળો

December 23, 2008

2008 ના વર્ષની સાથે સાથે ચાલેલ મારી “શબ્દારંભે અક્ષર એક” ની યાત્રા પણ ‘ ક્ષ અને જ્ઞ ‘ ના મેળા સુધી આજે પરિપૂર્ણ  થાય છે.આ તબક્કે આપ સૌના પ્રતિભાવ અને એ દ્વારા મળેલ પ્રેરણા માટે ર્હ્ર્દયપૂર્વક, સવિનય ખુબ ખુબ આભાર..

************     *************    *************    ***************

 

beautiful-christmas-tree2

 ગદ્ય

ક્ષરાક્ષરના જ્ઞાતા ક્ષત્રિય ક્ષમિતે,

જ્ઞાન-ચક્ષુથી ક્ષીરનીરના જ્ઞાનથી,

જ્ઞાતિના ક્ષેત્રની ક્ષતિઓને,

ક્ષમ્ય-ભાવે ક્ષમી, ક્ષણે ક્ષણે,

ક્ષેમકુશળતા બક્ષી…..

 ************************************************************

 


‘ય’નો યોગ

December 19, 2008

 

યુગયુગની  યુક્તિભરી

યોજના યૌવને યોગની;

યુવક-યુવતીના યોગ્ય યોગથી

યુગ્મની યાત્રા યાદગાર.

યથાકાલ યત્કિંચિત યજ્ઞથી

યજમાન યોગે યશસ્વી,

યોગવિણ યુધિષ્ઠિરને યાતના;

યોગવિણ યુધ્ધ,યાદવાસ્થળી..

યદા યત્ર યમી યોગી,

યાત્રા યથા યાદગાર..

 

 

યમી=સંયમી.

 


‘ળ’ ન હોત તો ?

December 14, 2008

ન હોત તો ગોળ ગળ્યો ન હોત,

        ને સઘળું સળવળતુ ન હોત;

ન હોત તો ફળિયે મળ્યા ન હોત,

        ને કાળજે સોળ ન હોત;

ન હોત તો માળવે મળ્યા ન હોત,

        ને મેળે મેળાવડો ન હોત;

ન હોત તો ખોળિયું હેતાળ ન હોત,

        ને વાંસળી થી વ્યાકુળ ન હોત;

ન હોત તો કાગળ ઝળક્યાં ન હોત,

        ને ઝાકળ ઝળહળ ન હોત;

ન હોત તો આંગળી ઝબોળાઇ ન હોત,

        ને જળ ખળભળ ન હોત.


‘ણ’ મળે તો ?

December 12, 2008

ક ને મળે તો નાનો કણ,
ખ ને  મળે તો  માથુ ખણ…
ગ ને મળે તો પૈસા ગણ,
 
ચ ને મળે તો પંખી ચણ… 
જ ને મળે તો જન્મે જણ,
ધ ને મળે તો ટોળે ધણ…
 
પ ને મળે તો નિરાશ પણ, 
ભ ને મળે તો ચોપડી ભણ… 
મ ને મળે તો ભાર મણ, 
ર ને મળે તો તરસે રણ… 
હ ને મળે તો કોઇને ન હણ, 
ક્ષ ને મળે તો સરકે ક્ષણ….
ત્ર ને મળે તો ત્રિપુટી ત્રણ,
અગર મળે જો અક્ષર ત્રણ,
 
તો આંગણ ફાગણ કરતા કરતા…
‘ણ’ મળી એમ કરતો કામણ…..
 


‘હ’ની હવા

December 1, 2008

 
ળવી હળવી હવા હતી,

હુતો-હુતીની હસલ હતી.

 હવેલીના હિરાજડિત હિંડોળે,

હોંશીલી હસીનાની હસ્તી હતી.

હેતાળ, હુંફાળા હાથ હાથમાં,

હસતા હોઠોની હલચલ હતી.

હરદમ હરિયાળી હરિયાળી,

હૈયામાં હેતની હેલી હતી.

હેમવર્ણા હરણ-હરણીઓની,

હજાર હંસોની હારમાળા હતી.

હોડીના હલેસા હસ્તમાં,

હરિની હુબહુ હાજરી હતી.

હળવી હળવી હવા હતી;

હુતો-હુતીની હસલ હતી.


‘સ’નું સંગીત

November 23, 2008

ોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે,

સાંવરી,સલોની,સુહાની સંગીતા,

સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..

સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,

સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,

સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,

સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.

સોનેરી સાંજે,સુરીલા સાદે,

સંગીતના સાત સાત સૂરોની સાથે.



Follow

Get every new post delivered to your Inbox.