શારદસ્તુતિ

December 25, 2010

 

શાર્દૂલવિક્રીડીત ( મસજસતતગા-૧૯ )



પ્રારંભે નમીએ સરસ્વતી તને, હે મા વીણા ધારિણી,

વંદે હસ્તક લૈ મૃદુ શબદના, કંકુ અને ફૂલથી,

ઉગ્યો આ જ અહીં રવિ કલમ લૈ, સાહિત્ય સંગે દીપે,

આવો મા વરદાન દો અમીભરી, વિદ્યા તણી દેવી હે….


કાળચક્ર

September 19, 2010

 

 

 

 

 

  

 

શિખરિણી     ( યમનસભલગા-૧૭ )

જૂની મારી પ્યારી, શિશુવયની શેરી ફરી મળી,

દીઠી પોતાને ત્યાં, સહુ સખી સખા સંગ રમતી.

કુકા કોડી ખોખા, રમત ગમતો ખેલી કુદતાં,

દીવાળી હોળી ને, નવલ નવલાં દિન ગમતાં.

નિશાળોના ઘંટો, સકળ મનને યાદથી ભરે,

મીઠી મીઠી બાની, અવનવી કથા આંખ ભીંજવે.

ભલા ભોળા નાના, ભઇ ભગિની કેવાં મન હરે,

અડે હાથો ભીંતે, મૂક મન મૂકી વાતડી કરે !!!!

નથી ક્યાંયે પેલી, સરળસટ શેરી અહીં હવે,

બધું જુદું ભાસે, નિજ-જન ન કોઇ અહીં દીસે.

હવા સ્પર્શે સૂકી, ઝણઝણી  શરીરે ફરી વળે,

અજાણી નોખી હું જલસભર નેત્રો ઝમી રહે

અને ખેંચે પૌત્રી,વતનઘરથી દૂરની દિશે;

રહસ્યો યુગોના અતિત-પડળેથી સરી શમે !!!!


અધૂરું કથન…..

August 17, 2010

 

નીલમબેન દોશી લિખીત એકાંકી નાટક “એક અધૂરો ઇન્ટરવ્યુ” ના આધારે લખેલ આ રચના છે. એમાં એક એવા પાત્ર ( વટવૃક્ષ )ની વાત છે જેનું કલેજુ કરવતથી કપાય છે અને હૈયું અધૂરાં રહી ગયેલાં ઇન્ટરવ્યુથી ઘવાય છે.

( મંદાક્રાંતા )

રે વૃક્ષો ને, કરવત થકી, કાપી છેદી દીધાં;
લાગ્યાં ઘાથી, ઢળી પડી પછી, પ્રાણ છોડી દીધાં.

( અનુષ્ટુપ )

છોરું ધરતીનો ને, ભેરું વનનો હતો.
વ્યોમ ને ભોમ શાળામાં, રોજે ભણતો હતો.

( હરિગીત )

પંખીઓના ડાળે ડાળે ટચુકડા માળા હતા;
સમૃધ્ધિમાં ખુબ કેવા મીઠડાં ટહૂકા હતા.
તાપ-ટાઢ, વંટોળ ઝિલી, સૌના રક્ષણહાર હતા;
એ ગામના આબાલવૃધ્ધો, સર્વના રખેવાળ હતા.

( શાર્દૂલવિક્રીડિત )

યાદોના ઘનઘોર મેઘ ઉમટ્યાં, જૂના પટારા ખુલ્યાં,
નાના માસુમ બાળકો અહીં રમ્યાં,પ્રીતે જુવાનો ઝુલ્યા;
પુત્રોથી વિખુટી પડેલ જનની, હૈયાવરાળો વહી,
કાળીરાત અહીં અજાતશિશુની,તીણી જ ચીસો સહી…

( મંદાક્રાંતા )

કાળી યાદો મનથી નિસરી, મીંચીઆંખો નીતારે,
મીઠી યાદો સઘળી લઇને નેણ બંને ભીંજાવે,
નારી પ્રેમે હસતી અહિંયા ફૂલ કેવાં ચઢાવે,
હિન્દુબંધુ અવર ભગિની હાથ રક્ષા મઢાવે.

( અનુષ્ટુપ )

હૈયે ખુશી ધરી એવી, વટવૃક્ષ હસી રહ્યું.
મળે માનવ આજે તો, લ્હાણી કાજે રટી રહ્યું..

( મંદાક્રાંતા )

ત્યાં તો આવી,પરિજન વળી,પાન ફેંદી દીધાં,
વૃક્ષોને, ધડ પર પછી, કાપી છેદી દીધાં,
લાગ્યા ઘાથી, ઢળી પડી નીચે, હૈયુ વીંધે અરે આ !
સંદેશો તે મધુર જીવનો કોઈ પામી શકે ના !!


Follow

Get every new post delivered to your Inbox.