નિસર્ગનું શ્વેત રૂપ
December 7, 2007તડપ
November 29, 2007દરિયાને લાગી તરસ !
એને મીઠા બિંદુની તલાશ;
આભલાને લાગી ઓછપ,
એને ધરતીના ટુકડાની આશ.
તારલાને લાગી ઝાંખપ,
એ તો કોડિયાનો ઝંખે પ્રકાશ;
માનવીના મનને અજંપ,
જાણે પંખીની પાંખની કચાશ.
જાળાં
November 21, 2007સૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.
લોહીના જાળાં તો કદીક લાગણીના,
સ્વયંસર્જિત જાળાં વચ્ચે જીવે છે.
ગૂંચ વધારી, કદીક ઉકેલતા,
ચીસો પાડી, મરતાં મરતાં, જીવે છે.
અપેક્ષાના જાળાં, ને કદી ફરિયાદના,
સંપત્તિના યે જાળાં વચ્ચે જીવે છે.
ભૂતની સ્મૃતિના,ને ભાવિની ચિંતાના,
જાળાં મધ્યે આજ બગાડતાં જીવે છે.
અરે,પ્રેમની પ્યાસમાં વેર વધારતાં !!
આજમાં રહીને કોણ આજે જીવે છે ?
સૌ પોતાની જાત સાથે જીવે છે,
જાણે કરોળિયાના જાળાં બનાવી જીવે છે.
સ્મૃતિ
November 16, 2007અતીતના આગળે અડક્યાં જ્યાં આંગળા,
પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
પડછાયા તમારા પરખાયા;
શૈશવમાં કદમ જ્યાં સંગ સંગ માંડ્યાં,
એ રસ્તા ફરીથી અફળાયા;
સાથ સાથ ગીતો જે સૂર મહીં ગાયાં,
એ શબ્દો ફરીથી પડઘાયા;
મિલનના આશ-દીપ મનમહીં પ્રગ્ટ્યા,
વિદાયના વાયરે બૂઝાયા.
****—————————–****——————————–****—————
જેના જન્મની તારીખ ,એના મૃત્યુની પણ તારીખ બની, એવા એક નિકટના મિત્રની
યાદમાં, તેની બીજી પૂણ્ય તારીખે,ઉપરોક્ત સ્મૃતિ…….11/14
નવા વર્ષનો સૂરજ
November 9, 2007બેસતા વર્ષની શુભ શરુઆત…..સાલ-મુબારક….
ઇશ્વરના રૂપ સમા સૂરજની વાત….
ફરી એક્વાર….આપની સમક્ષ રજૂઆત….
*—————–*—————-*——————*————-*
પૂરવનો જાદુગર આવે,
છાબ કિરણની વેરે;
હળવે હાથે ધીમુ સ્પર્શે,
પડદા પાંપણના ખોલે.
અંગ મરોડે કાલની વાતે,
આશ નવી કોઇ લાવે;
મંચ આકાશે નર્તન કરતે,
રંગ અનોખા વેરે.
કોમળ સવારે,તપ્ત મધ્યાન્હે,
શીળો બને સમી સાંજે;
સુદૂર સાગરે ડૂબી અન્તે,
પુનઃ પ્રભાતે પધારે.
જાદુગરનો ખેલ અનેરો,
ખુબ ખુબીથી ખેલે;
પૂરવ દિશાનો સુરજ ઊગે,
છાબ કિરણની વેરે..
શુભેચ્છા
November 7, 2007લગાવની લગામ
October 31, 2007એને મેં એક દિન સકારણ છોડી હતી,
હ્રદયને ઠેસ ત્યારે ઉંડી વાગી હતી.
લાગતી યંત્રવત આસપાસ છતાંયે,
હરપલમાં રોજ ત્યારે છવાઇ હતી.
વર્ષોની સફર, સફળતાથી સાધી એવી,
લગાવની લગામ ક્યાં રોકાઇ હતી ?
સરિતા યાદોની છલકાઇ ગઇ અમથી,
કે પ્રેમની એ વણકહી પ્રતીતિ હતી ?
કલમ પર આવીને વળગી અડિયલ,
સમજાઇ હા ત્યારે, એ તો મારી બેંક હતી !!!!
પૂનમ રાત
October 25, 2007મારે મનને મંદિરિયે,રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે,છુમછુમ છુમછુમ તું ફરે.
મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર,
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય,નિકટ રહેજે તું સદાય…..મારે મનને મંદિરેયે….
મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે,
તાળી ને રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે
નવલી નવરાત,ગરવી ગુજરાત
October 17, 2007 હે…..
બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,
હે…..
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……
હે…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,
હે…
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….
*****************************************************************************
અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ
ભાવો, ” શબ્દોને પાલવડે” પથરાઇ ગયાં………
“નવલી નવરાત ,ગરવી ગુજરાત”

Posted by devikadhruva 
Posted by devikadhruva
Posted by devikadhruva 



