તરંગની પાંખે

July 9, 2008

 

 રોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,

          
દૂર,દૂર,જુદી, નવી સફરે હું ઉડું છું.

ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,

          કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.

હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,

          અમોલા ખજાને  સ્નેહે સજાવું છું.

કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,

          શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.

ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,

          કલ્પનાની  નાવ લઇ દરિયો હું ડહોળું છું,

ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,

          તરતા ન આવડે, તરવૈયાને  શોધું છું..


પારેવાની પીડા

June 23, 2008

       

પારેવાની પાંખમાં વેદના કણસાય છે,
આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.

મુક્ત ગગનમાં વિહરતા પંખીને,
અચાનક કાં વ્યાકુળતા વીંટળાય છે ?

આઝાદીનાં ગીતડાં ગાતો માનવી,
વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે !

જાળમાં ફસાઇ,પિંજરમાં પકડાયેલ,ભેરુને જોતાં,
માળાના પક્ષીને હવે સઘળું સમજાય છે.

નીડમાં છુપાઇ,દર્દને લપેટી ગભરુ પંખી,
પાંખો ફેલાવીને હવે ઉડતાં ગભરાય છે.


તમન્ના

May 26, 2008

તમન્ના છે આભની પાતળી વાદળી બનું,
કે ઝાકળભીના પુષ્પની પાંદડી બનું;
ઉંચા કોઇ તરુવરની ડાળખી બનીને,
વિસામો ઝંખતા કોશ્રમિત પથિકની છાંયડી બનુ……….

તમન્ના છે પૂનમની રાતની ચાંદની બનું,
કે કાજલકાળી અમાસી રાતની તારલી બનુ;
આંસુ સારતી,પ્રોષિત-ભર્તૃકાની વાટડી બનીને,
નાનકડા ગામની ઝુંપડીની આશા-દીવડી બનુ…………

તમન્ના છે મઝધારે ડૂબતા માનવીની નાવડી બનુ,
કે,કુદરતનો કોપ પામેલ અપંગની લાકડી બનુ,
મેઘલી રાતે નવજાત શિશુને શિર પર લઇ,
સરિતા પાર કરતા વસુદેવની છાબડી બનુ…………….

તમન્ના છે  વિયોગિનીને ડોલાવતી વાંસળી બનું,
કે,મંદિરના પૂજારીની ભાવભીની આરતી બનું,
સઘળું થાઉં કે ઘડીભર કંઇ એક માત્ર થાઉં,
બસ, તારી કલાની એક સુરેખ આકૃતિ બનું….


એક મુક્તક

February 27, 2008

muktak.gif

નીંદરની  દેવી  નિત્ય  રાત્રે,

           શબ્દ-આગિયા ઉડતા લાવે;

હ્ર્દય અશ્વ પર સવાર થઇ,

           સવાર થતાં  તો સરકી જાયે.


યાદોના છીપલાં

February 16, 2008

 
seashell.jpg 

 

મર્કટ મનડું કેવું ભટકે,
             હો બધું તો યે કંઇક ખટકે;
દડ દડ દડ દડ આંસુ ટપકે,
            ના જાણે ક્યાં જઇને અટકે.
ઉર્મિના તો દરિયા ઉમટે,
            ભાવોના લઇ મોજા ઉછળે;
નીંદરને પગથારે ભીંજવે,
            યાદોના છીપલાં દઇ પટકે.
છિન્નભિન્ન પલ-રેત પર રખડે,
            ઉડી પવનને ઝોકે વળગે;
ખોબો ભરી ફૂંફો તો અડકે,
            દિલને સઘળા કટકે કટકે.
બની બાલ માબાપને શરણે,
           કદી સૂર સહોદરના રણકે;
સખી-સખા તો રોજને શમણે,
        સ્વ-જન સૌ પાંપણની પલકે.
મર્કટ મનડું કેવું ભટકે,
           હો બધું તો યે કંઇ ખટકે.


પરમ પ્રેમ

February 7, 2008

 paramprem.jpg

અગદ્યાપદ્ય :

પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.
કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.
ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી  પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.
દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને  પાંદડાના રંગો…………તારી પ્રીત છે.
આકાશમાં આમતેમ ઉડતાં,
પંખીઓના સુરીલા ગીતડા………..તારો પ્યાર છે.
વ્યોમમહીં ઘેલાં થઇ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.
મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.
નિંદરિયે રોજ રોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.
યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની  આંખની મીંચોલી……..તારી મમતા છે.
આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું   છે”  એ વાત તો, છે કેવળ કલ્પના !!!!;
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણા ઝીણા પત્તામાં……….તારો પ્રેમ છે.,પરમ પ્રેમ છે…


કંપ

January 29, 2008

 quake.jpg

આંચકા ભૂતળને લાગે, તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે, તો ધિક્કારકંપ થઇ જાય છે.

ન નીકળે લોહી પણ,  પડે કાળજે  ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ તો યે ડાઘ રહી જાય છે.

શબ્દોના તારે, નીતરી સમજી જાય વેદના,
કે કર્યાં’તાં કાલે  પોતાના, આજે સાવ પરાયા થઇ જાય છે.

ના દોષ કોઇના,  હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ, ઇન્સાન પણ બદલાઇ જાય છે.

વીંધાઇ ધારદાર,સમજાય  સત્ય  આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં  દિલ સુધી પહોંચાય છે ?!!!!


મારું અમદાવાદ ખોવાયું.

January 16, 2008

મારું અમદાવાદ ખોવાયું,
વતનપ્રેમી મન બોલી ઉઠ્યું,
પેલું શાંત નગર ક્યાં ગયું ?
મારું અમદાવાદ ખોવાયું……મારું અમદાવાદ ખોવાયુ.

કાલે બોલાતા મિલના ભૂંગળા
આજે સૂરો સાયરનના;
કાલે પડતી સવાર કૂકડાથી
આજે ગાડીના ઘોંઘાટથી…….મારું અમદાવાદ ખોવાયું.

જ્યાં જુઓ ત્યાં ઇમારત ઉચી,
પણ ધૂળની ઢગલીઓ જૂની;
સી.જી રોડ કે એસ.જી રોડ હોય,
ભીડ તો સર્વે ભારી…………મારું અમદાવાદ ખોવાયું.

સાઇકલ,રીક્ષા,બસ કે ગાડી,
વિના નિયમ સૌ ચાલે આડી;
સિગ્નલ મોટી ખુબ શોભતી,
પણ વાહન દોડે સૌ હટાવી…..મારું અમદાવાદ ખોવાયું.

અગાશીએ ઉપર, ચારેકોર જ્યાં દીઠું,
ઓહોહો, તો ન્યુયોર્ક સમું દેખાયું;
ખેંચી નયનો,કેટલું શોધ્યું,
તોયે મારું, ઘર મને ના જડ્યું…..મારું અમદાવાદ ખોવાયું.

 

 

 

 

 


મઝધારે નૈયા

December 26, 2007

 boat-in-sea.jpg

મુક્તક :

ભવસાગરમાં વહેતી નૈયા,

        હું નથી કાબેલ તરવૈયા,

પ્રભુ, તુજ વિણ ન કોઇ ખેવૈયા,

         પાર ઉતાર મઝધારે નૈયા.


લીલું પાન

December 18, 2007

 leaves.jpg

પાન લીલું, બની રાતું,

           ખરે પછી થઇ પીળું,

સાવ નરવું, કુદરત તારું,

          રૂપ નીતરતું ભીનું .

જાણે ક્યાંથી પીંછી બોળી,

         નિસર્ગ રચે રંગોળી,

દ્રશ્ય પછીતે, ભાસે કોઇ,

         રમતું આંખ-મીંચોલી.