સંવેદના.

March 12, 2012


જીંદગી જાદુગરનો ખેલ છે….

January 29, 2012

 

 

અછાંદસઃ

  

જીંદગી અટપટી છે….

વાળની ગૂચ જેવી અણઉકલી છે.

કોઇને મન ઉજવણી છે,તો

કોઇને ઘર પજવણી છે.

એ તો સમયના પાટા પર

સતત ચાલતી ગાડી છે.

કદી લાગે સફર સુહાની છે,તો

કદી લાગે અમર કહાની છે.

હકીકતે તો જીંદગી,

મૃત્યુના માંડવે દોડતી બેગાની છે !

એ વેળાવેળાની છાંયડી છે દોસ્તો !

દરિયામાં ચાલતી નાવડી છે.

સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.

જીંદગી તો જી-વન છે.

જીવની અપેક્ષાઓનું વન..

એમાં ફૂલો ભરી બાગ કરો,

કે કાંટાભરી વાડ કરો,

જંગલ કરો કે મંગલ, 

મધુરી કહો કે અધૂરી ગણો, 

મનની સમજણનો સાર છે, 

બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

 


જ્યોતિર્ગમય…

October 9, 2011

ફરી એક વાર રજૂઆત..

 નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે, સંવેદના-શૂન્ય બની ગઇ છે. એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે, ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો, સાચો ઓપ આપવાનો વિચાર  જાગ્યો…
  જે સસ્નેહ  પ્રસ્તૂત….

*********************        ********************      

 સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,

અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.

સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,

મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,

દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,

સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,

અંતરના અજવાળા એટલે આરતી,

ભીતરનો ભાવ તે જ પૂજાપો,

પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.

ચાલો,  ઉરના આંગણે,

સમજણના સાથિયા પૂરીએ.

એકાન્તની કુન્જમાં, શાંત,

પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,

નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ.


મા

March 8, 2011

અછાંદસ

રાત વીતતી હતી.

આભની છત પર,

નજર ટમટમતી હતી. 

પલક માત્રમાં,

પલકો વચ્ચે પૂરાતી નિંદર,

પડખા ઘસતી હતી;

પડઘા પાડતી હતી.

હ્રદયની આરપાર ઉતરી,

રડાવતી હતી.

અંધારા ઓરડાની તીરાડમાંથી,

આવીને ઘેરી યાદ,

વળગતી હતી.

માથે હાથ…માનો…

ધાર વહેતી હતી,

રાત સરતી હતી.


સીંગાપોરની લીલોતરી

March 9, 2010
 
 
 

 સીંગાપોરની આ

છમછમતી લીલોતરી;

નગર-પ્રવેશ પૂર્વે જ

આવકારતી આગોતરી……

આભલેથી વર-સાદના

સમૃધ્ધ પ્રેમવારિથી,

છલકતી પ્રેયસી-શી,

ભાવી ગઇ મનને,

સીંગાપોરની આ ધરિત્રી….

જ્યાં હરિણી-શી ઉછળતી,

થનગનતી ઉછરતી,

જીગરના ટૂકડા સમી,

રક્તના વ્હેણ સમી,

દ્વય સુપૌત્રી,

સીંગાપોરની જાણે,

છમછમતી લીલોતરી….

શ્વાસમાં સોડમભરી,

મહેંકતી લીલોતરી…….


લેખિની

September 8, 2009

 saraswati

મનના કાગળ પર,

આડીઅવળી લીટીઓ સમ,

વિચારો વેરાય,

પ્રતિક્ષણ….

વીણતા વીણતા,

વિખેરાઇ જાય,

પ્રતિપળ……..

ગોઠવવા જતાં,

હાથ થંભી જાય,

ઘડીભર…… 

ખસેડી જરા,

આંખ મીંચાય,

આવી છાનીછપની,

તત્ક્ષણ……. 

લેખિનીદેવી ( ! ! ),

કૈંક કૈંક,

સજાવી જાય,

હસ્ત પર……….. !


માનસ-પુત્રી

January 19, 2009

 

અગદ્યાપદ્ય :

મારે એક માનસ પુત્રી છે.

ક્યારેક ક્યારેક એ સ્વપ્નમાં આવે છે.

કાલે રાત્રે આવીને કહે, “મા, મારે લગન કરવા છે. “

અને દહેજમાં ઘણું બધું જોઇએ છે.

મા,મને આપીશ ને ?” હું ચમકી.

આ તે  કેવી માંગણી ? તેણે કહેવાનું ચાલુ રાખ્યું.

” મા, મને વિશ્વ સાથે લગન કરવા છે.

દહેજમાં મને વિનય-વિવેકના  વાઘા અને આદરના અલંકાર આપજો;

નમ્રતાના દાગીના અને સ્મિતના કોડિયાં ભરજો;

સુવિચારોનું સુંદર સિંદુર અને શુધ્ધતાના કંગન આપજો;

હાથમાં હેતાળ હૂંફ ભરજો અને આંખમાં અમીના દાન દેજો;

સોનેરી સત્યના સાંકળા આપજો…અને…

પ્રેમની પરી બનાવી મોકલજો;

અને હા, મા, છેલ્લી એક વિનંતી………..

કવિની કલમ જરૂર મૂકજો હોં !”

આંખ  ખુલી ગઇ. શું હતુ એ ?

સ્વપન કે કલ્પન ?


Follow

Get every new post delivered to your Inbox.