બુલંદ નાદે,મૃદંગ બાજે….

શેરીનો ગરબો ભલે અદ્રશ્ય થયો  વતનમાં, પણ મિત્રો, હવે એ આવી પહોંચ્યો છે વિદેશમાં !
પરદેશમાં જન્મીને  મોટી થયેલી  કુમારીકાઓને ગરબે  ઘૂમતી જોઇ છે ને ?
માથે જાગ,કેડમાં ઘડા, હાથમાં દીવડા થકી શોભતી કેટલી સુંદર લાગે છે ?
અરે, સાથે વિદેશીઓને 
પણ ઘુમવા લઇને આવે છે ! પોતપોતાના  વિસ્તારને એક નાનકડું ભારત, (little India )બનાવીને વસે છે
અને  એક થનગનતુ ગુજરાત સજાવીને નીકળી પડે છે  શેરીને ગરબે ઘૂમવા ! એ જોઇને આ કલમ  કેમ શાંત રહે ?
લો, લઇ લો એક નજરાણું  આપને માટે…ફરી એક વાર,નવા રંગરોગાન સાથે… 

******************************      ******************************

હે…..

બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,

કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,

હે…

ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……

રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,

હે…

છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,

ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….


ગરબો

રાસ–

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, આજ આંખો જાગીને સૂઝી જાય.

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,

પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,

ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,

મારી ચુન્ની શિરેથી ઉડી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

એવા તે કામણ કહે, શીદને ત્‍હેં કીધા,

ભરિયા ના જામ તો યે, મદીરા શા પીધા ?

મળી મળીને વળી જાય હો રાજ,

કેમ નજરું મળીને વળી જાય.

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય.

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,

ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,

ફરી ફરીને રાતી થાય હો રાજ,

મુજ કાયા લજવાતી જાય,

આવી આવી ને સરી જાય હો રાજ, આજ નીંદર આવીને સરી જાય..

 

દિવ્ય દર્પણ.

એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

દિવડાની ઝીણી આશકાને નિરખી,
ભિતરના ઓજસની ઝાંખી કરી,
તન-મનની શુધ્ધિની આરતી ઉતારે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

રસ્તે પડેલા કોઇ કંકરને હાથ ધરી,
સ્નેહે સંભાળીને, પ્રેમથી પંપાળી,
મૂર્તિ બનાવી, એમાં પ્રાણ પૂરી આપે.
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

કાગળ પર ફરતી કલમની કમાન,
કાપે છો જોજન આ શબ્દો ચોપાસ,
અક્ષર એક પામે જ્યાં સત્ય આરપાર,
એવું કોઇ દર્પણ લઇ આવે, જે અંતરનું રૂપ ધરી આપે.

એકાંતી મોતી

 “સબરસગુજરાતી” પર યોજાયેલ ‘એકાંત’ વિષયક સ્પર્ધામાં નોંધપાત્ર રચનાઓમાં પ્રથમ સ્થાન પામેલ આ “એકાંતી મોતી”…..

 

એકાંતી મોતી અમે વીણવાને બેઠા, ત્યાં વળગીને આવી અમોલી વાત.
સદીઓથી  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      કોઇ  કહે  એકાંત મુજને  છે વહાલું,
                      
ને  કોઇ  કહે એકાંત લાગે અકારું;
                     ખુદને   ડુબાડી  ભીતરમાં  જઇ  જોઇ,
                     
મોંઘી ત્યાં જોડી જીવ-શિવની નોખી.

નીરવ  વનમાં  કોયલના  ટહુકા- શી  મૌનના કોગેબી પડઘાની વાત,
એકાંતે  સંતો ને સૂફીઓએ  દીઠા, રત્નો   પામે માણસની જાત!

                      ધરતીને ઓઢાડી,સૂવાડી ડૂબે,
                      
પેલો સૂરજ પણ એકાંતી દરિયે;
                      
નીરખે બંધ આંખે ને ઊંડે જઇ ભરે,
                     
અજવાળા લાવી ને દુનિયા પર વેરે.

વાલિયા  લૂંટારાની  કાયાપલટ  કરે, એકાંતી એવી વાલ્મીકિ ભાત!!
સદીઓથી સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

                      શબ્દોને  પાર, દૂર મૌનને  આવાસ,                     
                      
ક્ષણ સંભળાય ઉર એકાંતી નાદ;
                      અદ્વૈત આનંદ ને ઉજ્જવલ ઉજાસ,                     
                      
બસ આરપાર રોમ ઓમ શાંત..

અહમ્બ્રહ્માસ્મિનેસોહમ્‍”ના તારની અદ્ભૂત સરગમ દે અનંતનું ગાન,
એકાંતે  સંતો ને સૂફીઓએ દીઠા, રત્નો પામે માણસની જાત!

ખુશ્બૂ-ભીની સવાર..

    હ્યુસ્ટનની આજની  (૨૨મી નવે.) ની સવાર… 


 

      મને આવી સવાર ગમે.
      ખુશ્બૂ-ભીની બહાર ગમે. 

અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે. 

       મને આવી સવાર ગમે.
       ઝરમરતી જલધાર ગમે. 

યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી,
ભીની ભીની રાહ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ફરફરતી જલધાર ગમે.

 આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો,  કુદરતનો પ્રસાદ ગમે. 

        મને આવી સવાર ગમે.
        ઝીલમીલતી  જલધાર ગમે. 

મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ખુશ્બૂ-ભીની બહાર ગમે.

 

 

 

 

મનનો માણીગર..

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.

         રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,

         હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,

         એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,

         કાયાપલટ  ત્‍હેં  કીધી કૈં એવી,

ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.

         રોબાટ થયો ને થયો મશીન એ,

         પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,

         અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,

         ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,

ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો!  જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.

        પેઢી બે પેઢીના અંતર વધાર્યા,

        સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,

        જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,

        દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.

ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!

 

શરદ-પૂનમની રઢિયાળી રાત

 

   

રાસઃ

આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.
જાગી જાગીને સૂઝી જાય હો રાજ, મારી આંખો જાગીને સૂઝી જાય. 

ઘૂમઘૂમ ઘૂમતો ને આભલિયે ફરતો,
પૂનમનો ચાંદ મીઠી યાદને જગવતો,
ઓઢું ઓઢું ને ઉડી જાય હો રાજ,
મારી ચુંદડી શિરેથી ઉડી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

એવા તે કામણ કહે શીદને ત્‍હેં કીધા,
ભરિયા ના જામ તો યે મદીરા શા પીધા ?
મળી મળીને વળી જાય હો રાજ,
કેમ નજરું મળીને વળી જાય.
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય. 

લાલપીળા લીલા ને આસમાની દાંડિયે,
ગોળગોળ ફરતા આ માને મંદિરિયે,
ફરી ફરીને રાતી થાય હો રાજ,
મુજ કાયા લજવાતી જાય,
આવી આવી ને સરી જાય હો રાજ, મારી નીંદર આવીને સરી જાય.