Archives

વાર્તાની કવિતા!

સાહિત્ય-જગતના યુવાન કવિ શ્રી અનિલ ચાવડાની કલમ  હંમેશા કશીક નવીનતા લઈને આવે છે. કવિતા હોય કે ગઝલ, વાર્તા હોય કે ચિંતનલેખ,  એ એક નવા જ નક્શીકામ સાથે આવે છે. તાજેતરમાં તેમની એક સુંદર,નોખી ‘વાર્તાની વાર્તા’ વાંચવા મળી. તે જ ભાવને અહીં અછાંદસ રચનારૂપે આપની સમક્ષ…

વાર્તાની કવિતા

અછાંદસ..

કૂણી કૂણી કોઈ કૂંપળ જેવી
એક વાર્તા ..
જાણે કાચી કુંવારી અબૂધ કન્યા..
એને તો બસ ધૂન ચડી..
‘મારે સર્જાવું છે.’
મચી પડી ઘટનાની શોધમાં.
પહોંચી શબ્દકોષ પાસે..
શબ્દકોષે કહ્યું, અરે પગલી,
વાણી વગર હું કેમ વહુ?
એણે બિચારીએ પોકાર કર્યો,
“વાણી,તું ક્યાં છે વાણી? આવ ને,
મારે સર્જાવું છે.”
જવાબઃ ‘ હું તો માણસ પાસે છું !’
ઘેલી ઘેલી એ માણસ પાસે ગઈ.
માણસના મીઠા મ્હોરે કહ્યું;
હા, હું જરૂર મદદ કરીશ.
પણ કહે ને અલી, મને કંઈ ફાયદો?!!
“મને ખબર નથી” એણે કહ્યું.
માણસ ગુસ્સે ભરાયો.
વાર્તાએ ખુબ આજીજી, કાકલૂદી કરી.
‘મદદ કરો ને ભાઈ;
મારે સર્જાવું છે.’

માણસે એને હડધૂત કરી.
જોરથી ઢસડીને, બહાર ફેંકી…

ઓહ..આ શું  થયું?
ઘટના ? પોતે સર્જાઈ ગઈ?…
આઘાત કે આનંદ !!!

દોસ્ત..

http://youtu.be/EPqdReFJ5KE

100%

100%

( ‘વેબગુર્જરી’માં પસંદગી પામેલ અને પ્રસિધ્ધ થયેલ એક અછાંદસ રચના.)
(http://webgurjari.in/2014/03/09/dost/)

તારી સાથે ચાલી નીકળવાની
ન તો કોઈ ઉતાવળ છે;
ન કોઈ અધીરાઈ.
ગમે ત્યારે આવજે ને?
ટાઢ, તાપ કે વરસાદ,
સાંજ, સવાર કે રાત,
ગમે ત્યારે, ગમે ત્યાં,
તું આવીશ ત્યારે તૈયાર રહીશ.
કશી આનાકાની નહિ કરું.
તું ચોક્કસ આવીશ,
એની તો ખાત્રી છે જ !
વિધાન પાળવામાં,
તારી તોલે કોઈ ન આવે.
કદાચ એટલે જ તો,
તારું માન છે, સ્વીકાર છે.
ફરી કહું છું,
ગમે તેવા અધૂરાં કામ
પડતાં મૂકીને પણ આવીશ.
અરે,ઘોડે ચડીને આવવાની
તને છૂટ છે જા !
પણ દોસ્ત,
એક વિનંતિ કરું ?
ભવ્યતાથી આવજે હોં !
મને અને સૌને ગમે
તે રીતે આવજે.
યાદગાર રીતે આવજે.
કોઈ નિશ્ચિત તો નહિ,
પણ થોડી આગાહી આપજે.
જેથી સજધજ થઈ,
આનંદપૂર્વક તારી રાહ જોવાય.
આરતી ઉતારી,તારું
સન્માન થાય,જન્મની જેમ જ;
દોસ્ત યમરાજ !

http://webgurjari.in/2014/03/09/dost/

તે છે…

આદમ, ઇવ અને સફરજન..સ્ત્રી અને પુરુષ છે. તેથી  સંસાર છે.આ વિશ્વ છે.
પણ એ સૌના મૂળમાં એક બીજ છે. ઇશ્વર નામનું બી. સદીઓથી એક સવાલ
છે કે ઇશ્વર છે?
  એનો જવાબ,જીવનની આ ઘટમાળ અને કુદરતના કરિશ્મા
દ્વારા મળી જ જાય છે કે હા, ઇશ્વર છે.
  કારણ કે એ જ જીવને જન્મ આપે છે;
અને  એ જ જીવન લઇ પણ લે છે. કોઇ વિજ્ઞાન આ પ્રક્રિયાને રોકી શક્તું નથી.

નાનકડી છતાં ઘણી ઉંડી આ વાતને, માત્ર એકાક્ષરી શબ્દમાં ……

‘તે  છે.”

જીંદગી જાદુગરનો ખેલ છે….

 

 

અછાંદસઃ

  

જીંદગી અટપટી છે….

વાળની ગૂચ જેવી અણઉકલી છે.

કોઇને મન ઉજવણી છે,તો

કોઇને ઘર પજવણી છે.

એ તો સમયના પાટા પર

સતત ચાલતી ગાડી છે.

કદી લાગે સફર સુહાની છે,તો

કદી લાગે અમર કહાની છે.

હકીકતે તો જીંદગી,

મૃત્યુના માંડવે દોડતી બેગાની છે !

એ વેળાવેળાની છાંયડી છે દોસ્તો !

દરિયામાં ચાલતી નાવડી છે.

સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.

જીંદગી તો જી-વન છે.

જીવની અપેક્ષાઓનું વન..

એમાં ફૂલો ભરી બાગ કરો,

કે કાંટાભરી વાડ કરો,

જંગલ કરો કે મંગલ, 

મધુરી કહો કે અધૂરી ગણો, 

મનની સમજણનો સાર છે, 

બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

 

જ્યોતિર્ગમય…

ફરી એક વાર રજૂઆત..

 નવરાત્રી અને દિવાળી હવે યંત્રવત વાર્ષિક ઘરેડ બની ગઇ છે, સંવેદના-શૂન્ય બની ગઇ છે. એનો અસલ રંગ અને ઉમંગ “શેરીના ગરબા”ની જેમ અદ્રશ્ય થઇ ગયો છે, ત્યારે આ પર્વની ઉજવણીને એક નવો, સાચો ઓપ આપવાનો વિચાર  જાગ્યો…
  જે સસ્નેહ  પ્રસ્તૂત….

*********************        ********************      

 સત્ય અને સ્મિતનું વર્તુળ એટલે ગરબા,

અમી અને આદરના દાંડિયાથી થાય તે રાસ.

સુવિચારોની આચરણ-પૂજા એટલે ધનતેરશની પૂજા,

મનમંદિરની સફાઇ એટલે કાળીચૌદશ,

દિલના દીવડાની હારમાળા એટલે દિવાળી.

આશાઓનો અભિગમ એટલે નૂતન વર્ષ,

સંબંધોમા સાતત્ય તે જ ભાઇબીજ,

અંતરના અજવાળા એટલે આરતી,

ભીતરનો ભાવ તે જ પૂજાપો,

પ્રેમથી પરમનો આભાર તે જ પ્રાર્થના.

ચાલો,  ઉરના આંગણે,

સમજણના સાથિયા પૂરીએ.

એકાન્તની કુન્જમાં, શાંત,

પ્રસન્ન સાન્નિધ્ય માણીએ,

નિર્મલ આનંદનો ઓચ્છવ ઉજવીએ.

મા

અછાંદસ

રાત વીતતી હતી.

આભની છત પર,

નજર ટમટમતી હતી. 

પલક માત્રમાં,

પલકો વચ્ચે પૂરાતી નિંદર,

પડખા ઘસતી હતી;

પડઘા પાડતી હતી.

હ્રદયની આરપાર ઉતરી,

રડાવતી હતી.

અંધારા ઓરડાની તીરાડમાંથી,

આવીને ઘેરી યાદ,

વળગતી હતી.

માથે હાથ…માનો…

ધાર વહેતી હતી,

રાત સરતી હતી.