Archive | જાન્યુઆરી 2014

મળી જાય છે..

 

કોઈ અચાનક મળી જાય છે.
અણધાર્યું કોઈ જડી જાય છે.

મનગમતા મેળામાં, કોઈ વળી,
અજાણ્યું થઈને વળી જાય છે!

ખોટી ખરી ક્યાં રમતની ખબર ?
ચાલાક છે, સૌ કળી જાય છે.

સપનાનું પણ આમ તો એવું છે.
કોઈને ક્યારેક ફળી જાય છે !

છો પીએ લોકો મદિરા હસી,
અંતે તો જામ આ ગળી જાય છે.

ખોવાઈ જવાયું.

શોધતા શોધતા શોધતા ખોવાઇ જવાયું.
ચાલતા ચાલતા ચાલતા બસ થાકી જવાયું.

શું મળ્યું,શું ગુમાવ્યું, એ તો ના જાણ્યું ખરેખર,
પણ સહુ શોધતા’તા શું, એ ભૂલાઇ જવાયું !

પારણેથી ઝુલીને કબરની ઝોળી! અરે વાહ,
કેવી રીતે ભલા મુખ્ય જ આ ચૂકાઇ જવાયું !

મોકલ્યાં’તા એણે કેવા તો અકબંધ અહીંયા,
ખુલતા ખુલતા ખુલતા ફિંદાઇ જવાયું !

સત્ય છે કે પછી સ્વપ્ન છે, ક્યાં કૈં જ ખબર છે ?
ઉંઘમાં જાગીને જાગતા જોવાઈ જવાયું.

કયામત

આજના સમાજ-દર્શનને પ્રતિબિંબિત કરતી નિરંજન ભગતની  અર્થસભર પંક્તિને આધારે…
‘ જેણે પાપ કર્યું ના એકે
તે પથ્થર પહેલો ફેંકે !’—-નિરંજન ભગત
ફરી એક વાર  પ્રસ્તૂત છે “કયામત”…
paththar
 

ગઝલ-છંદવિધાન -હજઝ ૨૮
( લગાગાગા-૪ આવર્તનો )

ગણી’તી તાજની ખુબી, મીનાકારી કરામત છે.
હકીકત તો હતી કે બે, કલેજાની શહાદત છે.

રહી નિષ્ક્રિય કિનારે, પથ્થરો ફેંકવા સ્‍હેલા,
અગર ભિતર પડો જાણો, શૂરાની શી ઇબાદત છે.

જવા દો વાત ચેહરા ને, મહોરાની બધી જૂઠી,
અહીં ના કોઇ અસલી છે, બધી મેક્કપ મરામત છે.

ખરાને પાડવા ખોટા, જગતની રીત જૂની છે;
નિજાનંદે સદા રે’નારના ભવભવ સલામત છે.

પૂજા-પાઠો કીધા પણ પંડિતો લાગે નહી સુખી,
બધા બખ્તર લીધાં સૌએ, છતાં કોની હિફાજત છે ?

પરાજય પામનારાને, પૂછાશે કૈં સવાલો જ્યાં,
ઝુકાવી શિર ખાલી જાણજો આવી કયામત છે.

સૂફી સંતો કહી થાક્યા, બધા એ બંધનો કાપી,
અરે, આ જીંદગી તો માત્ર મૃત્યુની અમાનત છે.