જીંદગી જાદુગરનો ખેલ છે….

January 29, 2012

 

 

અછાંદસઃ

  

જીંદગી અટપટી છે….

વાળની ગૂચ જેવી અણઉકલી છે.

કોઇને મન ઉજવણી છે,તો

કોઇને ઘર પજવણી છે.

એ તો સમયના પાટા પર

સતત ચાલતી ગાડી છે.

કદી લાગે સફર સુહાની છે,તો

કદી લાગે અમર કહાની છે.

હકીકતે તો જીંદગી,

મૃત્યુના માંડવે દોડતી બેગાની છે !

એ વેળાવેળાની છાંયડી છે દોસ્તો !

દરિયામાં ચાલતી નાવડી છે.

સંજોગની પાંખે ઉડતી પવનપાવડી છે.

જીંદગી તો જી-વન છે.

જીવની અપેક્ષાઓનું વન..

એમાં ફૂલો ભરી બાગ કરો,

કે કાંટાભરી વાડ કરો,

જંગલ કરો કે મંગલ, 

મધુરી કહો કે અધૂરી ગણો, 

મનની સમજણનો સાર છે, 

બાકી તો જાદુગરનો ખેલ છે !!!!!

 


નથી છતાં તું છે અહીં…..

January 19, 2012

 

 

  

નથી છતાં તું  છે અહીં,
 બધે છતાં  કહીં નહી.

 

પળો મળી યુગો બને,
યુગો ન હોય પળ સમી.

 

ટીપું ભળી  દરિયે મળે,
ન  દીસતું  પછી  કદી.

 

જે બીજમાં  છે વૃક્ષ તે,
એ વૃક્ષમાં  છે બી સહીં.

 

ભિતર છે અંશ શિવ તણા,
ન જીવ જાણે અંત લગી.

 

ન ઉકલે છે ગૂંચ આ,
અકળ સકળ કોણે રચી….,

 


કમાલ છે….

January 2, 2012

 

ન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.

રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.

છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !            

કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !

એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.

કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !

દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..


૨૦૧૨……….

January 1, 2012

 

 

 

 

 

 

 

 

 

નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ,

હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ,

ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,

રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.
                                            
                           સદાયે સર્વને આવાસ…વિશ્વને આવાસ…


Follow

Get every new post delivered to your Inbox.