મુક્તકો

November 26, 2011

 

કદીક મનને સજાવ્યું હતું,

કદીક મનને મનાવ્યું હતું,

ખુશી દર્દના દરિયા વચ્ચે,

જીવન કેવું આ વહાવ્યું હતુ ?!!

**************           *************

ખુશી જો મળે તો કવન ફૂટે છે,

પીડાઓ મળે તો ગઝલ છૂટે છે,


અગર જો કશું ના મળે તો લાગે,


સવારે સવારે કલમ રૂઠે છે.

**************             **************

 આ વરસાદના ફોરાં છે ?

કે સમયની ધારા છે !


જલના ટીપાંઓ સાગરમાં,


કે પળના મોતી યુગથાળામાં છે ?!!!

*************           ***************


ખુશ્બૂ-ભીની સવાર..

November 23, 2011

    હ્યુસ્ટનની આજની  (૨૨મી નવે.) ની સવાર… 


 

      મને આવી સવાર ગમે.
      ખુશ્બૂ-ભીની બહાર ગમે. 

અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે. 

       મને આવી સવાર ગમે.
       ઝરમરતી જલધાર ગમે. 

યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી,
ભીની ભીની રાહ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ફરફરતી જલધાર ગમે.

 આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો,  કુદરતનો પ્રસાદ ગમે. 

        મને આવી સવાર ગમે.
        ઝીલમીલતી  જલધાર ગમે. 

મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ખુશ્બૂ-ભીની બહાર ગમે.

 

 

 

 


મનનો માણીગર..

November 15, 2011

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.

         રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,

         હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,

         એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,

         કાયાપલટ  ત્‍હેં  કીધી કૈં એવી,

ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.

         રોબાટ થયો ને થયો મશીન એ,

         પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,

         અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,

         ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,

ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો!  જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.

        પેઢી બે પેઢીના અંતર વધાર્યા,

        સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,

        જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,

        દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.

ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!

 


પીવાઇ ગયું….

November 7, 2011

 

  

 છંદવિધાનઃ    ષટકલ ૧૭-વિષમ 

પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.

દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ. 

દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું. 

વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

 


Follow

Get every new post delivered to your Inbox.