Archive | March 2010

તડકો

 

તડકો વીંટીને અંગ બેઠા’તા સંગસંગ,
          હૂંફાળા હાથ લઇ હાથમાં,

આભના તે વાદળને આવી ગઇ ઇર્ષા,
          સૂરજને ઢાંક્યો લઇ બાથમાં.

આદરી રમત કેવી પકડાપકડીની,
          જાણે ઇશારે સમજીને સાનમાં,

સરતો ને તરતો એ દરશન દઇ દે,
          દૂર કેમે ના જાય પેલાં વાદળા.

વ્હારે આવ્યો વા અડકીને આંગણે,
          વેગે ફૂંકાયો પાનપાનમાં,

ચાલ્યું ના બળ તેથી બની મજબૂર,
            વિખરાયા ધીરે વરસાદમા.

ઝરમરતી ઝીલની મસ્તીને માણતા,
          ગૂંથાયા સ્નેહભરી સાંજમાં,

ભીનીભીની ક્ષણોને વીણીવીણીને પછી,
          વાગોળી જૂની વાતવાતમાં.

તડકો વીંટીને અંગ બેઠા’તા ઉંબરે,
           ભીંજાયા કુદરતના રાગમાં.

 

સીંગાપોરની લીલોતરી

 
 
 

 સીંગાપોરની આ

છમછમતી લીલોતરી;

નગર-પ્રવેશ પૂર્વે જ

આવકારતી આગોતરી……

આભલેથી વર-સાદના

સમૃધ્ધ પ્રેમવારિથી,

છલકતી પ્રેયસી-શી,

ભાવી ગઇ મનને,

સીંગાપોરની આ ધરિત્રી….

જ્યાં હરિણી-શી ઉછળતી,

થનગનતી ઉછરતી,

જીગરના ટૂકડા સમી,

રક્તના વ્હેણ સમી,

દ્વય સુપૌત્રી,

સીંગાપોરની જાણે,

છમછમતી લીલોતરી….

શ્વાસમાં સોડમભરી,

મહેંકતી લીલોતરી…….