ઝલક

September 28, 2009

શબ્દ 

શ્રી સુરેશભાઇ દલાલની “પ્રાર્થના” પર અંશતઃ આધારિત પદ્ય રચના  – 

પહાડની જેમ જે ઊભા’તા પડખે,

                         એ તો રેતી થઇ વેરાયાં વચ્ચે,

ઘૂમ્યાં જે વર્તુળની ધારે-કિનારે,

                        એ તો કેન્દ્ર વિનાના હતાં ત્યારે;

માણ્યાં  જે લીલાંછમ ડાળે ને પાને,

                       એ તો પુષ્પ વિનાના હતાં ત્યારે.

અંધકારને ઓળખ્યો કાળો મધદરિયે,

                       ત્યાં તેજના વલય દીધાં શબ્દે,

ઝલક દીધી એક એવી તે મધ્યે

                      ને સગપણ બંધાયાં સાચે રસ્તે,

ઉજાસ પથરાયો અંતરને કોડિયે,

                    જેમ  શબરીને રામ મળ્યાં વગડે…….


કુદરત

September 15, 2009

 View Image

ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,

                કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન.

નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,

                    વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.

 ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,

                તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.

નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,

                        પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.

તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને  શ્યામલ ચાદર,

                   પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક.

ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,

                     આભ ઝળુંબી ચૂમે ધરાને, દરપણ જાણે સાગર.

મૌન કુદરત કહે શબદને મને હવે તું સાંભળ,

                      રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, જીરવ યુગયુગ માનવ.


લેખિની

September 8, 2009

 saraswati

મનના કાગળ પર,

આડીઅવળી લીટીઓ સમ,

વિચારો વેરાય,

પ્રતિક્ષણ….

વીણતા વીણતા,

વિખેરાઇ જાય,

પ્રતિપળ……..

ગોઠવવા જતાં,

હાથ થંભી જાય,

ઘડીભર…… 

ખસેડી જરા,

આંખ મીંચાય,

આવી છાનીછપની,

તત્ક્ષણ……. 

લેખિનીદેવી ( ! ! ),

કૈંક કૈંક,

સજાવી જાય,

હસ્ત પર……….. !