શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના,
નથી હું મીરાં કે નથી કોઇ રાધા,
શબરી નથી કે કરું બોર હું અજીઠાં.
મારે તો વનરાવન કે મથુરા,
કદમ્બ કે ગોકુળ સઘળું યે વેબમાં !
તેથી ફરું હું તો નેટના જગતમાં,
તારા તે જગમાં ક્યાં હવે છે મણા ?
આવીને મળે તો માનું અહીં વેબમાં,
જોજે ભૂલીશ મા, કે’જે ઇમેઇલમાં,
વેબકેમ મંદિરના ખોલી દઇશ બારણાં,
આરતી ઉતારીને લઇશ ઓવારણા.
પૂજું તો છું જ આમ રોજ રોજ શબ્દમાં,
પામીશ ધન્યતા અક્ષરના ધામમાં,
અર્પી સર્વસ્વ તને બાંધીશ વચનમાં,
છોડી દે વાંસળી ને ખેરવી દે મોરપીંછ.
છેડી દે સ્નેહસૂર ને ફેરવી દે પ્રેમપીંછ,
ખીલવી દે ક્યારો આ વિશ્વના બાગમાં,
શમણાંમાં આવીને પૂછ્યું છે રાજ્જા,
તો કહી દઉં છું સીધુ તું સાંભળ હે કાના…….
નથી હું મીરાં કે નથી હું રાધા
July 24, 2009‘સ’નું સંગીત
July 22, 2009સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે,
સાંવરી,સલોની,સુહાની સંગીતા,
સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..
સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,
સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,
સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,
સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.
સસ્મિત,સાનંદ,સુંદર સુદિને,
સ્મરીને સ્નેહે સૌને સત્કારતી,
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે.
******************************************
શોધ
July 13, 2009એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.
એક એવું વિશ્વ મળે જ્યાં સૌ જીવો બની શિવ રહે,
ના ઉંચનીચ, ખરાખોટાં,નાનામોટા ના ભેદ રહે.
એક નવો ઇશ્વર મળે જે જઇ જુના પ્રભુને પૂછે,
”દઇ દાન વિચાર-વાણીના, કહે કાબૂ ના તું કાં કરે ?
સર્જી સારા બૂરા બધે, કહે સારાને જ કાં કસે ? ”
”શું ડર છે તુજને માનવી નહિ પ્રાર્થના કરે તને ?
જો અંતર્યામી છે જ તું, તો દુષ્કર્મો ને રોક હવે.”
એક એવો ઇશ્વર મળે જે શાંતિનું એક જગ રચે,
રંગ લોહીના જુદા ભલે, ગુણો બધે સરખા મળે,
દ્વંદ્વોની ના દ્વિધા રહે ના પૂણ્ય ને કોઇ પાપ રહે.
એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
એક એવો ઇશ મળે જે બસ હવે સુરાજ રચે.
Posted by devikadhruva
Posted by devikadhruva
Posted by devikadhruva