અવકાશ

June 30, 2009

આજે  હ્રદય પર ભાર થઇ ગયો,
વાદળી વરસી ને આભે અવકાશ થઇ ગયો.

ખબર નો’તી કાલ સુધી કેવો,
અચાનક એવો સૂનકાર થઇ ગયો.

ટીપાંથી ભીંજાતી’તી આંખો કદીક,
આજે ધોધમાર વરસાદ થઇ ગયો.

કામમાં ખોવાઇ જા કહેતી બુધ્ધિને,
લાગણીનો જાણે પડકાર થઇ ગયો.

સમજાવે મન,બહુ માયા નહિ સારી સમજ,
તો યે હૈયાને ગભરાટ થઇ ગયો.

નજરથી થોડી શું દૂર થઇ પૌત્રીઓ,
ને દિલમાં એક હાહાકાર થઇ ગયો.

આજે વળી હ્રદય પર ભાર થઇ ગયો,
લોહીના ખેંચાણનો સાક્ષાત્કાર થઇ ગયો.

વાદળીઓ વરસી ને ચાલી  ગઇ
ને આભે એક અવકાશ થઇ ગયો……


પળના પીંછા

June 18, 2009

feathersanddropofwater

ખુબ પકડ્યાં પણ પળના પીંછા ખરી ગયાં, 
ખરતા ખરતા યુગની ટોચે પહોંચી ગયાં.

ખુબ પકડ્યાં પણ જળના ટીપાં વહી ગયાં,
વહેતા વહેતા સાગર ઉરે ભળી ગયાં.

ખુબ પકડ્યાં પણ રાતના સપના ઉડી ગયાં,
ઉડતા ઉડતા પ્રભાતના ખોળે જંપી ગયાં.

ખુબ પકડ્યાં પણ રવિ કીરણો નમી ગયાં,
નમતા નમતા નિરવ રાતમાં શમી ગયાં.

ખુબ પકડ્યાં પણ વયના વાયરા વાઇ ગયાં,
વાતા વાતા સમયનું ગીત ગાઇ ગયાં.


પરખ

June 4, 2009

rose

કોમળ કૂણી કૂંપળ ફૂટી,

મૂળની પરખ વગર.

કૂંપળમાંથી કળી બની,

ડાળની ઓળખ વગર.

કળીમાંથી પાંખડી બની,

કાંટા વચ્ચે ય ખુબ ખીલી.

ઝુલી ગુલાબી ફૂલ બની,

ખુદની ઓળખ વગર.

શિશુ રમતો દોડતો આવી,

જોતો જોતો ભાવસભર;

મ્રુદુ હાથે ચૂંટી પાંખડી,

આપી માને સ્મિત વદન.

ખુશી બાળની જોતા માએ,

ઝટ ધરી પ્રભુચરણ;

પાંખડી નાની મગરૂર હસી,

 પામી મનમાં નિજપરખ…