અનાસક્તિ :

April 20, 2009

 

રાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,

             વ્હેતા આંસુને લઇ વાળી;

વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,

             અંધારી રાત સૂની ગાળી.

જઇજઇને આવતો રોજ રોજ પાછો,

             ઉષાનો પાલવ નીખારી;

તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,

             આલમને રાખે અજવાળી.

રંગબેરંગના ચિત્રો દોરીને પછી,

             સંધ્યાને ઘેનમાં ઝુલાવી;

ગમની ક્ષિતિજમાં સરકી પડીને,

             નભ-સંસારે રમતો વૈરાગી;

લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,

             એક અનાસક્તિની વાત પાકી.

******************************************************************

 દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.

********************************************************************


અંધારી સવારે મહેંકતી મોસમ

April 7, 2009

rainy

 આ..હ  છલકતી ને મહેંકતી મોસમ છે,
  થોડી સરકતી ને બહેક્તી મોસમ છે.
        

         સવાર મેઘલી, છે અંધાર છાઇ,
         ઝબૂકતી વીજળી ને અંબર હેલી,
         શીકરોની ટપલી ને હવા યે ઘેલી,
         ઉર્મિની ભરતી અંતરમાં રેલી……

હાય, હૈયું ધક ધક ધડકાવતી મોસમ છે,
આજ  કૈંક યૌવનને શરમાવતી મોસમ છે.

          સમીરના સૂસવાટા જુલ્ફો રમાડતા,
          હ્રદયની રેશમી તળાઇને સ્પર્શતા,
          માટીની મીઠી મીઠી સોડમ વહાવતા,
          માદક ઉન્માદી અંગડાઇ મરોડતા…..

નસનસમાં નર્તન જગાવતી મોસમ છે,
અંગઅંગમાં અગન ઉછાળતી મોસમ છે. 

         નભના  નેવેથી ઝરમરતી ધારમાં,
         નાહ્યા કરું ઉભી પાછલી રવેશમાં,
         ખોતર્યા કરું ઝીણી ફાંસ જેવી યાદમાં,
         કલરવતા પંખીના સૂરીલા ગાનમાં…….

ભીના ભીના ગીતો ગવડાવતી મોસમ છે,
મોહબ્બતની મશાલને મમળાવતી મોસમ છે……

 


ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી – ” ક્ષ “

April 1, 2009

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

ક્ષ

અક્ષર

ક્ષ નથી તો કંઇ નથી,એમ લાગે છે જાણે શ્વાસ નથી.

ક્ષત

પ્રજા

રાજાને મન ક્ષતનું હિત ઘણું હોય છે.

ક્ષણપ્રભા

વિજળી

ક્ષણપ્રભા કોઇકવાર ચમકાવી દે છે.

ક્ષણદાકર

ચંદ્રમા

ક્ષણદાકરની શોભા તો જુઓ !

ક્ષત્તા

દાસીપુત્ર

કર્ણ ક્ષત્તા મનાયો તેથી અન્યાય ખુબ થયો.

ક્ષપાદિવા

રાતદિવસ

પ્રિયપાત્રની ઝંખના ક્ષપાદિવા રહ્યા જ કરે.

ક્ષપાંત

સવાર

ક્ષપાંતની શાંતિ મનને ખુબ ગમે.

ક્ષમી

ખામોશીવાળું

ક્ષમી ઇન્સાન જગ જીતે.

ક્ષયાહ

શ્રાધ્ધ

હિંદુધર્મમાં ક્ષયાહની એક વિધિ હોય છે.

૧૦

ક્ષામ

પરમેશ્વર

ક્ષામ સૌની રક્ષા કરે.

૧૧

ક્ષાંતિકા

જનની

વિશ્વમાં મહાન ક્ષાંતિકા.

૧૨

ક્ષાંતુ

પિતા

પ્રથમ માતા અને પછી ક્ષાંતુ.

૧૩

ક્ષિપ્તા

રાત્રિ

હરિકેનની ક્ષિપ્તા ભયાનક હતી.

૧૪

ક્ષીરકંઠ

ધાવણું બાળક

ક્ષીરકંઠની માસુમિયત જોઇ છે કદી ?

૧૫

ક્ષુદ્રિકા

હેડકી

ગઇકાલે મને ખુબ ક્ષુદ્રિકા આવતી હતી.

૧૬

ક્ષેત્રજ્ઞ

આત્મા

ક્ષેત્રજ્ઞ અમર છે.

૧૭

ક્ષેત્રપ

પરમાત્મા

ક્ષેત્રપની કૃપા અપરંપાર છે.

૧૮

ક્ષેદ

અફસોસ

કામો એવા  ન કરો કે ક્ષેદ થાય.

૧૯

ક્ષોભણ

કામદેવનુ બાણ

ક્ષોભણ અને યૌવનને ઘેરો સંબંધ.

૨૦

ક્ષોજન

કૃષ્ણની બંસીનો અવાજ

ગોપીઓ ઘેલી થતી ક્ષોજનના નાદે.