November 23, 2008
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે,
સાંવરી,સલોની,સુહાની સંગીતા,
સપ્તકને સ્પર્શતી સોહાગની સાથે..
સંસાર સાગરે,સૌમ્ય સ્વરૂપે,
સમંદરમાં સમાતી સરિતાને સ્મરતી,
સર્વે સહોદરના સ્નેહાળ સથવારે,
સેંથીમા સિંદૂર સજીને સ્હેલતી.
સોનેરી સાંજે,સુરીલા સાદે,
સંગીતના સાત સાત સૂરોની સાથે.
6 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
November 14, 2008
શત શત શગ શમાની શોભા,
શબનમ શતદલની શોભા.
શમણાઓ શૈશવની શાન,
શીતલતા શીકરોની શોભા….
શીલ શરમ શીલવાનની શોભા,
શમીપૂજન શબરીની શોભા.
શબદ શાણો શૂન્યની શાન,
શુધ્ધ શૈલી શબ્દોની શોભા….
શૃંગ શૃંગ શિખરની શોભા,
શંખનાદ શૂરવીરની શોભા.
શોણિતભીની શહીદોની શાન,
શાલીનતા શહેનશાહની શોભા….
શુભ્રતા શરદેન્દુની શોભા,
શુચિ-શર્વાણી શંભુની શોભા,
શકુંતશોર શારદાની શાન,
શસ્ય શ્યામલા શત શત શોભા…..
-————————————————–
શગ=જ્યોત; શમા=મીણબત્તી
શકુંત=મોર; શસ્યશ્યામલા=ભારતમાતાનું વિશેષણ.
———————————————————————–
4 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
November 11, 2008
લલાટે લખેલા લેખની લકીરો,
લગની લાગે તો લાખેણી લાગે;
લાડીના લાલ લીલાં લ્હેરિયામાં,
લોચનની લાજ લાખેણી લાગે..
લલિત લતાના લાજવાબ લયમાં,
લાખ લાખ લોરી લચકાતી લાગે;
લજામણીના લાડભર્યા લટકામાં,
લટકતી લટો લ્હેરાતી લાગે..
લોહીની લાગણી લગાતાર,
લીલીછમ,લસલસતી લાગે;
લખતા લખતા,લીટીએ લીટીએ,
લાગણી લથબથ લીંપાતી લાગે..
4 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
November 8, 2008

તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ,
લોક મને આવી આવી જોઇ હવે પૂછે,
કહેને અલી,કોણે અહીં,કીધા આવી કામણ ?
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે તારે આંગણ ?
એ..તો વાયુ સંગ વાતું માનું વ્હાલ,
જેમ ફળફૂલ ફાલે ખુબ ફાગણ,
એમ છોડ રામશ્યામ બની વન વન ઉગે,
કે તુલસીના છોડ લીલાંછમ,
બની વન વન ઉગે મારે આંગણ.
2 Comments |
સ્વરચના |
Permalink
Posted by devikadhruva
November 5, 2008
રંગ રાખ્યો રતુંબલ રંગ રાખ્યો,
રંગીલી રાતે રંગ રાખ્યો.
રાંદલમા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રૂડા રૂપમાં રસની રુચિ રેડી,
રંગરસિયા રમતા રાસ…..રતુંબલ રંગ રાખ્યો.
રઢિયાળી રાતે રાધા રમે,
રાસેશ્વરનો રાખ્યો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
રંગબેરંગી રિધ્ધિની રોશની,
રાગરાગિણીમાં રામનું રટણ…..રતુંબલ રંગ રાખ્યો.
રીસાતી,રીઝાતી રાણી રમે,
રાજદ્વારે રાજાનો રુઆબ…..રતુંબલ રંગ રાખ્યો.
રળિયામણી રાત રણઝણતી’તી,
રોમેરોમ રુદિયામાં રંગ, …..રતુંબલ રંગ રાખ્યો.
રજ,રેણુ ને રાખના રમકડાં રચી,
રબ્બાએ રુધિરનો રંગ…..રતુંબલ રંગ રાખ્યો.
5 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva
November 2, 2008
ભાઇભાભીના ભરપૂર ભાવે,
ભગિનીનું ભીતર ભીંજે,
ભક્તની ભક્તિના ભાવે,
ભગવાનનું ભીતર ભીંજે.
ભલા ભોળા ભદ્રજનોને,
ભીડમાં ભીંસાતા ભાળી,
ભૂમંડળે ભમતા ભમતા,
ભોમિયાનું ભીતર ભીંજે.
ભવરણે ભલો ભેરૂ ભેટે,
ભવસાગરનો ભાર ભાંગે.
ભવાબ્ધિમાં ભાવ ભરાતા,
ભાર્યાનું ભિતર ભીંજે.
ભોમ ભયહીન ભાસે,
ભૂલોકનું ભાવિ ભવ્ય ભાસે;
ભૂખ્યાની ભૂખ ભાંગતા,
ભવાનીનું ભીતર ભીંજે.
3 Comments |
શબ્દારંભે અક્ષર એક |
Permalink
Posted by devikadhruva