આરાધના

October 28, 2008

  મનદીપ ધ્રુવ,અમદાવાદના સૌજન્યથી ::

આજથી આરંભાતુ,

અભિનવ આદિત્યનું,

અનેરું આગમન,

આપને અને આપના આપ્તજનોને,

અખંડ આનંદ,

અદ્વિતિય ઐશ્વર્ય,

અને અખૂટ આયુષ્ય અર્પે,

એવી  અમારી,

આરાધ્યદેવને,

અંતરની અભિલાષા,અભ્યર્થના

અને આરાધના……..


બાલમ બજાવે બંસી……

October 22, 2008

બાગમાં બુલબુલ બોલે,
        બેકાબુ બને બારાતી.
બટમોગરે બહાર,
        બાલમ બજાવે બંસી………

બહાવરી બહાવરી બાલા,
        બાયે બાજુબંધ બાંધે,
બેજવાબ બાંકેબિહારી,
        બાલમ બજાવે બંસી………

બેચેન બને બાબુલ,
         બેતાબ બને બાંધવ,
બંધન બાંધે બહેના,
        બાલમ બજાવે બંસી……..

બંગડી,બિંદી બેલડી,
         બંને બૃહદ્ બુલંદી,
બલિહારી બાજીગરની,
        બાલમ બજાવે બંસી………  

 


કોઇ કહો સૂરજને પાછો વળે.

October 18, 2008

કોઇ કહો સૂરજને પાછો વળે,
મારા કામમાં આવીને કાં આડો પડે ?
ક્યારેક વળી એ તો આંખે નડે !
કોઇ કહો સૂરજને ધીમો તપે….. 

હઠીલો ફરતો એ માથે ચડે,
નાજૂક ત્વચા મારી એથી બળે,
વારી વારી મથી ન તો યે ખસે !
કોઇ કહો સૂરજને ધીમો તપે….. 

થાકી હારીને જોઉં સાંજે જ્યાં નભે,
અદભૂત ધરી રૂપ દિલને હરે,
ભરીને આંખોમાં માણું, ત્યાં ઢળી પડે !
કોઇ કહો સૂરજને પાછો વળે….. 

આલમને રાખીને આખી અંધારે,
જાણે કાળી એક કોટડીમાં પૂરે,
દૂર દૂર પૂરવના દેશે જઇ  ઘૂમે !
કોઇ કહો સૂરજને પાછો વળે…….


‘ફ’ ના ફૂલો

October 14, 2008

 

ફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
          ફળોથી ફાલતી ફસલ ફરીવાર.

ફરીથી ફલકમાં ફેલાતા ફેરફારે,
          ફિક્કી ફરસ ફાલતી ફરીવાર.

ફરતો ફરતો ફળિયામાં ફેંટાબાજ,         
           ફૂલકાને ફૂંકી ફુલાવતો  ફરીવાર.

ફક્કડ ફિરંગીની ફોગટ ફરિયાદે,
          ફીકરને ફાક્તો ફકીર ફરીવાર.

ફાંકામાં ફુવારે ફુદરડી ફરતા,
          ફેંક્યો  ફરેબીએ ફટકો ફરીવાર.

ફાગણમાં ફૂલોની ફોરમ ફરીવાર,
          ફળોથી ફાલતી ફસલ ફરીવાર.


અક્ષરના આગિયા

October 6, 2008

અંધકારના ઓરડે આવીને વળગે,અક્ષરના આગિયા ફરકે ને ચમકે,
પકડાવી હાથમા કલમ ને કાગળ,ટપટપ ટપકે ને પછી જ અટકે. 

આભલે ભમતી જલભરી વાદળી,અવનીને આરે વરસીને જંપતી,
તૃષિત ધરતીને પીવડાવી પ્રેમથી,ગ્રહી ગરમીને પાછી એ વળતી.

ઝાડીથી ઉડતી પક્ષીઓની ટોળકી,વાડ પર બેસીને દાણાને ટાંપતી,
ચાંચેથી ચાંચમાં ખવડાવી નેહથી,હારબંધ ઉડી નિજમાળે જઇ બેસતી.

સ્મૃતિ તો માની રોમરોમ ફરતી,આસપાસ ગોળ ગોળ રોજ રોજ ઘૂમતી,
વીણાના તાર જાણે ઝંકારી દિલમહીં,બની સરસ્વતી સતત એ વહેતી.