“મ”-માની મમતા
March 15, 2008
માર્ચનો મહિનો મૈયરને માર્ગે,
માવડીની મમતા મનડાને માળે.
માનવ મહેરામણ મેળામાં મ્હાલે,
મનડું મારું માતમ મનાવે………
મધુવનમાં મોગરા મઘમઘ મ્હેંકે.
માનિની માલણ મંદ મંદ મરકે,
માઝા મૂકીને મેળો મસ્તીથી માણે,
મેઘના માવઠે મોસમ મરોડાયે…….
માની મૂક મુદ્રામાં મૃત્યુ મુરઝાયે,
માર્ચનો મહિનો માતને મંદિરિયે,
માવડીની મીઠી મમતા મમળાવે,
મોસમ મધુરી મને મૂંઝવી મારે…….
******************************************************************************
આજે માર્ચની પંદરમી તારીખ….
“બધું સરસ સરસ હતું અને અચાનક મા માર્ચમાં ગઇ” એ ભાવ મેં બે વિરોધી
વર્ણન દ્વારા, માના “મ”ને સહારે, વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે.“
આશા છે સૌને અભિપ્રેત થશે.
“મ”નું મુક્તક
March 9, 2008
મેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
મથુરાને મોહક મોરલીની માયા,
મૈયાને મોંઘેરા માસુમની મમતા.
********************** ******************************* ******************************** ****************
“મ”ની મથામણ, માની મમતા સાથે કરતાં કરતાં, માર્ચ મહિનામાં અચાનક દૂ…ર દૂ…ર ચાલી ગયેલી માના મનગમતા માધવ સાંભર્યા…ટેપરેકોર્ડરમાંથી પણ “‘મેહુલો ગાજે ને માધવ નાચે” સૂર સંભળાયા.ને પછી તો તરત જ સાવ સરળતાથી,કઇંક એવા જ લયમાં, ઉપરોક્ત પ્રથમ બે પંક્તિ સ્ફૂરી આવી.બાકીની બે પંક્તિ મારી મિત્ર અને માર્ગદર્શક સમી,સંગીતની સાધક, સૌથી નાની બેનના સહકારથી સર્જાઈ.
આશા છે,ગમશે.

Posted by devikadhruva
Posted by devikadhruva 
Posted by devikadhruva