October 31, 2007
એને મેં એક દિન સકારણ છોડી હતી,
હ્રદયને ઠેસ ત્યારે ઉંડી વાગી હતી.
લાગતી યંત્રવત આસપાસ છતાંયે,
હરપલમાં રોજ ત્યારે છવાઇ હતી.
વર્ષોની સફર, સફળતાથી સાધી એવી,
લગાવની લગામ ક્યાં રોકાઇ હતી ?
સરિતા યાદોની છલકાઇ ગઇ અમથી,
કે પ્રેમની એ વણકહી પ્રતીતિ હતી ?
કલમ પર આવીને વળગી અડિયલ,
સમજાઇ હા ત્યારે, એ તો મારી બેંક હતી !!!!
10 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva
October 25, 2007

મારે મનને મંદિરિયે,રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે,છુમછુમ છુમછુમ તું ફરે.
મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર,
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય,નિકટ રહેજે તું સદાય…..મારે મનને મંદિરેયે….
મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે,
તાળી ને રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે
4 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva
October 17, 2007

હે…..
બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,
હે…..
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવનવ રાત……
હે…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીવડા હાર,
હે…
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….
*****************************************************************************
અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ
ભાવો, ” શબ્દોને પાલવડે” પથરાઇ ગયાં………
“નવલી નવરાત ,ગરવી ગુજરાત”
7 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva
October 12, 2007

અંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા દેખાઇ હવે સાવ અનોખી;
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ,ફેલાયા ઠેરઠેર ઘરના સિતારા,
છે કોઇ કેનેડા તો કોઇ છે રશિયા,દીસે છે આભેથી ભૂમિના નક્શા….
રમતા’તા ભૂલકાં કેવા મોટા ચોકમાં,રહેતા’તા એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં,બંધાતી રાખડીઓ મોટા આંગણમાં….
કદી સાંભરે છે પતંગો ને દોરી,કદી યાદ ઉભરે એ રંગીન હોળી;
નવલી નવરાત્રિ ને દિપતી દિવાળી,કેવી હતી જીન્દગી સાવ સહેલી,
ઉજવાયે આજે ઇમેઇલ પર સઘળી,ને સામે વળી હોયે વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા નિહાળી સાવ જ જૂદી….-
—————————————————————————————— શ્રાધ્ધના દિવસો હમણાં જ પૂરા થયા. દિવંગત આત્માઓ,આજના વિશ્વની કાયાપલટ જોઇને શું અનુભવતા હશે, એવી એક પ્રશ્નાર્થ કલ્પના જાગી !! પોતાના પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રી અથવા અન્ય સ્વજનોને દેશવિદેશમાં ફેલાયેલા જોઇને અને વળી આજના કોમ્પ્યુટરની અદભૂત ટેક્નોલોજી જોઇને શું વિચારતા હશે, એવા એક ઘેલા તરંગને પરિણામે પ્રસ્તૂત રચનાએ આકાર લીધો. :
અંતરિક્ષની બારીએથી…
14 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva
October 4, 2007

આપણા સંબંધનું ગીત જડ્યું આજે,
નો’તુ વિચાર્યું મારે શોધવું છતાં યે,
દોડીને આવ્યું બસ એમ આપમેળે,
રમતું દીઠું ને બેઠું કલમની કોરે.
સમયના પાન કેવાં ઉડ્યાં ને આજે,
નો’તુ વિચાર્યું મને સ્પર્શ્યું છતાંયે,
આવીને સ્મિત દીધું દિલને માંડવડે,
મસ્તીથી ઝૂલે એ તો મનડાને માળે.
વર્ષોના વાયરા વીત્યા ને આજે,
નો’તુ વિચાર્યું મને વળગ્યું છતાંયે,
ગણગણતું કાનમાં ગૂંજ્યુ કોણ જાણે,
શબ્દોની દોરે ગૂંથાયું ગીત રૂપે….
10 Comments |
કાવ્યો |
Permalink
Posted by devikadhruva