રક્ષાબંધન
August 28, 2007ત્વમેવ સર્વમ
August 22, 2007એક અગદ્યાપદ્ય :
તું અપરોક્ષ પણે નિશદિન સર્વત્ર સ્પર્શે છે,
તું જ અદ્રશ્ય રહીને પણ સર્વત્ર દ્રષ્ટિમાન છે,
સૂરજ- ચાંદ -સિતારા નીકળે છે ક્યાંથી ?
તારા જ રૂપના એ પર્યાય છે.
ક્ષણેક્ષણને એક્ઠી કરી યુગ રચે છે કોણ ?
તારા જ આકારનો એ આવિષ્કાર છે;
ઋતુઓ અને રંગો વિધવિધ બદલે છે કોણ ?
તારી જ પીંછીની એ કરામત છે.
વસંત પાનખરની રમત રમે છે કોણ ?
તારી જ કલાની એ લીલા છે.
જીવન-મૃત્યુની દોર,અરે એની વચ્ચેના
જીવન પટને વહાવે છે કોણ ?
તારી જ જાદુગરીનો એ ખેલ છે,
કઠપૂતળીઓ બનાવી સૌને નચાવે છે કોણ ?
તારા જ દિગ્દર્શનની આ જમાવટ છે.
ભવ્ય રંગમંચના ઓ રચનારા,
નેપથ્યમાંથી સાકાર બહાર આવશે કદી ?
“ અહમ્ અસ્મિ ” કહી દર્શન દેશે કદી ?
વેદનાની ખુશી
August 15, 2007 બાંસુરી વાગે સૂરીલી ત્યારે,
જ્યારે છેદ કાયામાં વાગે;
રુદન સાંભળે મા બાળનું ત્યારે,
જ્યારે પ્રસવે પીડા પામે;
ગગન વરસે નેહથી ત્યારે,
જ્યારે ધરા તપે ને ત્રાસે;
પથ્થર બને મૂરતી ત્યારે,
જ્યારે શીલ્પી આંકે ને ટાંકે.
શક્તિ બક્ષે પ્રભુજી ત્યારે,
જ્યારે ઘાવ હ્ર્દયે લાગે;
ત્રીરંગી ઝંડા લ્હેરે ત્યારે,
જ્યારે શૂરા શહીદી વ્હોરે.
દ્રષ્ટિ અને સૃષ્ટિ
August 8, 2007દ્રષ્ટિ ને સૃષ્ટિ બે સખી અનોખી,
સૃષ્ટિ રંગીલી ને દ્રષ્ટિ નિરાળી,
વીણો તો મોતી દે સૃષ્ટિ સુહાની,
પામો સૌ શૂન્ય જો દ્રષ્ટિ બીડેલી.
સૃષ્ટિ છે સૌની જાણે કે આરસી,
દ્રષ્ટિ છે સૌની મનની અગાશી,
માણી શકો જો સૃષ્ટિ આ રૂપાળી,
જાણી શકો જો દ્રષ્ટિ ના મીંચેલી.
સૃષ્ટિની કાયામાં પરવત ને ધરતી,
દ્રષ્ટિની માયામાં વિધવિધ મૂરતી,
પ્રભુની રચના અદભૂત આ સૃષ્ટિ,
ને તેની જ કૃતિ માનવની દ્રષ્ટિ.
બંનેની તોયે સ્થિતિ કેમ નીરાળી ?
કહો કોણ ચડિયાતી એણે આલેખી ?
જેવી હો દ્રષ્ટિ, દીસે તેવી સૃષ્ટિ,
વિશાળ સૃષ્ટિ સમી કાં ના દ્રષ્ટિ ?!!!
ભીતર ઉત્તર
August 1, 2007 પ્રશ્ન પૂછ્યો પ્રીતને, ક્યાં છે તું, કોને ખબર ?
ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર”
પ્રશ્ન પૂછ્યો ઈશને, ક્યાં છે તું, કોને ખબર ?
ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”
પ્રશ્ન પૂછ્યો જીવને, ક્યાં છે તું, કોને ખબર ?
ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”
પ્રશ્ન પૂછ્યો શાંતિને, ક્યાં છે તું, કોને ખબર ?
ઉત્તર મળ્યો,”નથી ક્યાંય,પણ છું તારી ભીતર.”
પ્રભુ,પ્રીતિ,જીવ,ને શાંતિ, સર્વ છે સૌની અંદર,
શાને મનવા દોડે ભૂલી, સત્ય સદા સદંતર…

Posted by devikadhruva 
Posted by devikadhruva 
Posted by devikadhruva 