નથી છતાં તું છે અહીં…..

January 19, 2012

 

 નથી છતાં તું  છે અહીં,
 બધે છતાં  કહીં નહી.

 

પળો મળી યુગો બને,
યુગો ન હોય પળ સમી.

 

ટીપું ભળી  દરિયે મળે,
ન  દીસતું  પછી  કદી.

 

જે બીજમાં  છે વૃક્ષ તે,
એ વૃક્ષમાં  છે બી સહીં.

 

ભિતર છે અંશ શિવ તણા,
ન જીવ જાણે અંત લગી.

 

ન ઉકલે છે ગૂંચ આ,
અકળ સકળ કોણે રચી….,

 


કમાલ છે….

January 2, 2012

 

ન જવાબ છે, ન સવાલ છે,
ન પૂછો કશું, શી કમાલ છે.

રજકણ કહો, કે સૂરજ કહો,
જગની સદા, એ મશાલ છે.

છો જગત બધું ભમતું રહે,
એ રહે છતાં, ખુશહાલ છે !            

કદી દે સુખો, કદી દે દુઃખો,
જીરવો નહિ, તો કરાલ છે !

એ વિરાટ છે ને વિશાલ પણ,
જે ગમે તે સૌનો ગુલાલ છે.

કદી ધૂપ દે, કદી છાંવ દે,
ભગવાન છે, તે ત્રિકાલ છે !

દ્વય બંધ રાખી નયન અને,
ભજતા રહો, એ વહાલ છે..


૨૦૧૨……….

January 1, 2012

 

 

 

 

 

 

 

 

 

નવા આ વર્ષની ગૂંજી રહી, શહેનાઇઓ ચોપાસ,

હવાની લ્હેરખી લઇ આવતી, આશાભર્યો અહેસાસ,

ને શબ્દોને ફૂટી કૂણી કૂણી, કૂંપળ નવી લીલી,

રહે તન-મન તણી શાંતિ, સદાયે આપને આવાસ.
                                            
                           સદાયે સર્વને આવાસ…વિશ્વને આવાસ…


નાતાલનો નજારો

December 20, 2011

 

 

 

 

 

 

 

પ્રવીણભાઇ પટેલ “શશી” ની  “My Christmas Wish” ની ભાવનાને મેં  છંદમાં ગૂંથીને ગઝલ    બનાવી. તે આજે પ્રસ્તૂત છે…

( છંદવિધાનઃરજસ-૨૮)

*************************                       ***************************

નાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં ! 

અવસર અહીં મસ્તીભર્યો, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ભર્યો ફુવારો છે અહીં.

 જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.

ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રો’,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં. 

વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં. 


મિત્રની મોસમ..

December 16, 2011


પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
સુ-મિત્રોની મોસમ તો બા‌ર‍માસ હોય છે. 

નજીક હો કે દૂર હો, દિવસ હો કે રાત્રિ,
અનુભૂતિ હૈયાની આસપાસ હોય છે.
 

ભલે હો સમયનું કે અંતર હો સ્થળનું,
પળેપળ ભીતરમાં અહેસાસ હોય છે.
 

રચાઇ ગયેલો ને શર્તો વિનાનો,
રુદિયાને માળે એ આવાસ હોય છે.
 

શિયાળો, ઉનાળો કે વર્ષા ઋતુ હો,
સતત સ્નેહની ત્યાં તો સુવાસ હોય છે.
 

ઋતુઓના રંગી‍ન્ નઝારા સરીખો
નિકટતાનો નોખો એ વિશ્વાસ હોય છે.
 

પ્રકૃત્તિની મોસમ તો ત્રણ માસ હોય છે.
સુ-મિત્રોની મોસમ તો બાર્‍માસ હોય છે.

 

 


પામી ગયા…..

December 4, 2011

 

 છંદવિધાન-ષટકલ—૨૨    

મળી મળીને વળી ગઇ, નજર એ પામી ગયા.
દીધા નથી વચનો પણ, જીગરને જાણી ગયા ! 

ખરી કે ખોટી આ દુનિયાને શું કહેવું  હવે ?
વ્યથા લખી કળીની ને ચમન ઉથામી ગયાં ! 

ખડકની જેમ અડગ થૈ  ઉભા હતા જે બધા,
ખબર પડી કે એ હળવા પવનથી હાલી ગયા. 

કદી બન્યા છે ફરિશ્તા, કદી થયા શયતાન;
કદી મળ્યાં એ ફકીર જે ફિકરને ફાકી ગયાં. 

મળ્યા નથી કદી, જોયા નથી કદી જેને તે,
અદ્રશ્ય રહી આ જીવનની સફરમાં થામી ગયાં…

 


મુક્તકો

November 26, 2011

 

કદીક મનને સજાવ્યું હતું,

કદીક મનને મનાવ્યું હતું,

ખુશી દર્દના દરિયા વચ્ચે,

જીવન કેવું આ વહાવ્યું હતુ ?!!

**************           *************

ખુશી જો મળે તો કવન ફૂટે છે,

પીડાઓ મળે તો ગઝલ છૂટે છે,


અગર જો કશું ના મળે તો લાગે,


સવારે સવારે કલમ રૂઠે છે.

**************             **************

 આ વરસાદના ફોરાં છે ?

કે સમયની ધારા છે !


જલના ટીપાંઓ સાગરમાં,


કે પળના મોતી યુગથાળામાં છે ?!!!

*************           ***************


ખુશ્બૂ-ભીની સવાર..

November 23, 2011

    હ્યુસ્ટનની આજની  (૨૨મી નવે.) ની સવાર… 


 

      મને આવી સવાર ગમે.
      ખુશ્બૂ-ભીની બહાર ગમે. 

અંધારને ઉઘાડતું, શબ્દોને જગાવતું,
આછેરા અજવાસનું, કુણું કુણું પ્રભાત ગમે. 

       મને આવી સવાર ગમે.
       ઝરમરતી જલધાર ગમે. 

યાદોને પંપાળતી, અંતરને અજવાળતી,
ચરણને પડકારતી,
ભીની ભીની રાહ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ફરફરતી જલધાર ગમે.

 આભને છલકાવતો, ધરતીને પખાળતો,
માટીને મ્હેંકાવતો,  કુદરતનો પ્રસાદ ગમે. 

        મને આવી સવાર ગમે.
        ઝીલમીલતી  જલધાર ગમે. 

મનમર્કટને માંજતો, ઘન-ગર્જન અટકાવતો,
બાજીગરને સ્મરાવતો, ધીરો ધીરો વરસાદ ગમે. 

       મને આવી સવાર ગમે.
       ખુશ્બૂ-ભીની બહાર ગમે.

 

 

 

 


મનનો માણીગર..

November 15, 2011

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી,નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર પૂછતો’તો આજે.

         રમતું મૂક્યું કેવું નિર્દોષ બાળ મ્હેં,

         હસતું ને ખેલતું સૃષ્ટિને બારણે,

         એકના અનેક થઇ, રુપને કુરુપ કરી,

         કાયાપલટ  ત્‍હેં  કીધી કૈં એવી,

ન બાળક રહ્યો, ના મોટો થયો, જોઇ વિશ્વનો બાજીગર હસતો’તો આજે.

         રોબાટ થયો ને થયો મશીન એ,

         પૈસાને પૂજતો ઠેર ઠેર ભટકી,

         અરે, ભૂલ્યો એ ભાન કૈં કારણ વગર,

         ને રહી ગયો લાગણી-શૂન્ય ને પથ્થર,

ન ભગવાન બન્યો, ન માણસ રહ્યો!  જોઇ જગનો જાદુગર હસતો’તો આજે.

        પેઢી બે પેઢીના અંતર વધાર્યા,

        સમયના બહાને નિત નુસખાઓ ખેલ્યાં,

        જુગજૂની વાતોના મનભાવન અર્થ લઇ,

        દેવતાના નામે ભૂંડા વાડાઓ રોપ્યાં.

ન જડતાને ટાળી, ન ચેતના એ પામ્યો, કુદરતનો કારીગર હસતો’તો આજે.

 

એકાંતી ઉપવને જામ્યો’તો મેળો, ને મનનો માણીગર ઉભો’તો સામે.

લીલાછમ્મ વૃક્ષોની ઉંચી અટારીથી, નાનકડા માળામાં ઉગ્યો’તો ટહૂકો.

દૂર આભલે છૂપાઇને બેઠેલ પેલો, એ જગનો જાદુગર રડતો’તો આજે ?!!

 


પીવાઇ ગયું….

November 7, 2011

છંદવિધાનઃ    ષટકલ ૧૭-વિષમ 

પોત આ રાહનું વણાઇ ગયું.
કાળની સોયથી સીવાઇ ગયું.

દિલડું એવું તો ચીરાઇ ગયું,
લોહી ઉડી નભે ચિત્રાઇ ગયુ. 

દેહના રાગની કથા શું કરવી ?
સઘળું યે મોહમાં લીંપાઇ ગયું. 

વીસરી દીધા લો કટુ વચનો,
પ્રેમમાં ઝેર પણ પીવાઇ ગયું.

શ્વાસ છે તો જ છે બધું અહીંયા,
બાકી તો ફ્રેમમાં ટીંગાઇ ગયું.

 


Follow

Get every new post delivered to your Inbox.